
ધરમપુર નામે ગામ. ગામમાં વણિક અને પટેલની વસ્તી વધારે હતી. સંજીવ સામાન્ય ઘરનો વણિક પુત્ર હતો. તેનાં મા-બાપ ધર્મિષ્ઠ હતાં. સંજીવનાં મા-બાપની આર્થિક સ્થિતિ બહુ સારી ન હતી. તેમ છતાં સંજીવનાં માતા-પિતાએ તેને સારી રીતે ભણાવ્યો.
સંજીવ ભણવામાં હોંશિયાર હતો એટલે બીજી કોઈ ચિંતા ન હતી. માધ્યમિક અને હાયર સેકેન્ડરીનો અભ્યાસ પણ તેણે સારા ગુણ મેળવી પૂર્ણ કર્યો. કોલેજ ક્ષેત્રે પણ તે ભણવામાં હોંશિયાર રહ્યો. જોતજોતામાં બી.કોમ. પ્રથમ વર્ગથી પાસ થયો જેના કારણે પરિણામ આવ્યા બાદ થોડાક દિવસોમાં સરકારી નોકરી પણ મળી ગઈ. માસિક દસ હજારનો પગાર મેળવતાં તે ઘણો ખુશ થઈ ગયો. માતા-પિતા પણ ઘણાં ખુશ થયાં.
સંજીવની માતાએ કહ્યું, “બેટા, ઈશ્વરે આપણી લાજ રાખી છે. ઘણા કપરા દિવસો બાદ હવે સારા દિવસોની શરૂઆત થઈ છે. જ્ઞાતિજનોએ અને બીજા પરિચિતોએ આપણને ઘણી આર્થિક મદદ કરી છે. હવે તને સારી નોકરી પણ ઈશ્વરકૃપાથી મળી છે. મારા અંતરથી તને એક વાત કહું તો તારો પ્રથમ પગાર ગામમાં ભણતા વિદ્યાર્થીઓ માટે વાપરજે. પ્રથમ પગાર તું વિદ્યાદાનમાં આપજે જેથી મારા મનને શાંતિ મળે.”
“મમ્મી આમાં તે કંઈ કહેવાનું હોય એક નહિ પણ બે પગાર હું વિદ્યાર્થીઓની ફી પાછળ વાપરીશ. બોલ હવે બીજી કોઈ ઈચ્છા.”
“બેટા, બીજી કોઈ ઈચ્છા નથી. એક વાત યાદ રાખજે દવા કરતાં દુઆ વધુ અસર કરે છે. તું ગામના જે તે ગરીબ વિદ્યાર્થીને ફીની મદદ કરીશ તેનાથી તને તેનાં મા-બાપ તરફથી જે દુઆ મળશે તે અપૂર્વ હશે. ગરીબ મા-બાપની આંતરડી તું ઠારીશ તો તારું ભાવિ જીવન પણ શાંતિથી પસાર થશે. ભગવાન તને ઘણું બધું આપશે. તું જાણતો હોઈશ કે વિદ્યાદાન જેવું બીજું કોઈ દાન નથી.”
“મમ્મી આ ઉપરાંત બીજી વાત સાંભળ. મેં એક દત્તક વિદ્યાર્થી પણ લીધો છે. તેના ભણવાનો ખર્ચ પણ મારે જ આપવાનો છે.” પુત્રની ઉદારતાની અને વિદ્યાદાનની વાત સાંભળી સંજીવની મમ્મી હરખપદુડા થઈ ગયાં. “બેટા તારી વિશાળ મનોવૃત્તિને ધન્યવાદ.”
કેળવણીના ક્ષેત્રે તેં બતાવેલી ઉદારતા આપણા કુટુંબ માટે અને આપણા સમાજ માટે ઉદાહરણરૂપ બની રહેશે.
કેળવણીના ક્ષેત્રે કરેલી મદદ ક્યારેય નિષ્ફળ જતી નથી.
લેખક: નરેન્દ્ર શાહ
સાભાર: ‘ફૂલવાડી’ સાપ્તાહિક