
રવીન્દ્ર હજી માંડ બાળપણમાંથી બહાર નીકળ્યા હશે ત્યાં તેમને સ્ત્રીઓની સંભાળ નીચેથી ખસેડીને ઘરના બહારના ખંડોમાં નોકરોના હાથમાં સોંપવામાં આવ્યા. તે વખતે પૈસાદાર કુટુંબોમાં એવો રિવાજ હતો. એમના ખાવાપીવાનું ધ્યાન પણ નોકરો જ રાખતા. ફક્ત રાતના સૂવા માટે એ માના ઓરડામાં જતા અને ત્યાં માના ઘરડાં કાકી પાસે વાર્તા સાંભળતા. આ નોકરોને હાથે એમને ઘણું વેઠવું પડ્યું હતું, ઘણાં વરસો પછી જ્યારે એમણે પોતાનાં બાળપણનાં સ્મરણો લખ્યાં ત્યારે એ કાળને એમણે નોકરશાહીનો કાળ કહ્યો હતો, કારણ, એ વખતે નોકરો જ એમના રાજા હતા.
જે નોકરને માથે એમને સાંભળવાનો ભાર હતો તે પોતાના મિત્રોને મળવા છટકી જવાય એટલા માટે રવીન્દ્રનાથને એક જ્ગ્યાએ બેસાડી તેમની ફરતે ખડીથી કૂંડાળું દોરી દેતો અને કહેતો કે ખબરદાર જો આની બહાર પગ મૂક્યો છે તો. આમ એ બાળક બંધ ઓરડામાં એક ને એક જગ્યાએ જડાઈ રહેતો અને એમ ને એમ કલાકોના કલાકો ગાળતો. સારે નસીબે પાસે જ એક બારી હતી. તેમાંથી એને તળાવ દેખાતું, તળાવમાં નાહવા આવતા લોકો દેખાતા અને તળાવની પાળે ઊગેલું વડનું ઝાડ દેખાતું. આ બધાં સ્મરણો પાછળથી ગદ્યમાં અને પદ્યમાં અનેકરૂપે એમણે ગૂંથ્યાં છે.
વાર્તા: બાલસાહિત્ય
લેખક: રવીન્દ્રનાથ ઠાકુર