
બગદાદ શહેરમાં શેખ અબ્દુલ્લાનો પરિવાર રહેતો હતો. શેખ અબ્દુલ્લા ખૂબ જ ધાર્મિક હતા. દર વર્ષે હજ-યાત્રા પર અનેક લોકો જતા ત્યારે તેમને પણ હજ કરી આવવાની તીવ્ર ઈચ્છા રહેતી પરંતુ ફક્ત ગરીબીને કારણે તેઓ હજ કરવા જઈ શકતા ન હતા. એક વર્ષે જ્યારે બગદાદના ખૂબ જ લોકો હજ માટે નીકળ્યા ત્યારે શેખ અબ્દુલ્લાને તેમની ગરીબાઈને કારણે હજ માટે ન જોડાઈ શકવાનું ભારે દુ:ખ થયું. તેઓ વિચારવા લાગ્યા- જો મારી પાસે પૈસા હોત તો હું પણ હજ કરી પૂણ્ય મેળવત.
શેખ અબદુલ્લાને હજ કરવાનું વારંવાર યાદ આવતું પરંતુ તેઓ મન મારીને બેસી જતા. એક વખત રાત્રે તેઓ સુઈ ગયા હતા અને અચાનક તેમની ઊંઘ ઊડી ગઈ અને તેમને કોઈનો અવાજ સંભળાયો. તેઓ શાંતિથી સાંભળી રહ્યા.
વાત કરવાવાળા બે ફરિસ્તા હતા. એક ફરિસ્તાએ બીજાને પૂછ્યું, ‘હેં ભાઈ, આજે જે લોકો મક્કા શરીફમાં હજ કરી રહ્યા છે, શું ખુદાએ તે બધાંની હજ કબૂલ કરી દીધી છે? (સ્વીકારી લીધી છે?). તો બીજા ફરિસ્તાએ જવાબ આપ્યો, “ના, બધાંનો તો સ્વીકાર નથી કર્યો.” પહેલા ફરિસ્તાએ પૂછ્યું, “તો પછી ખુદાએ કોની હજ સ્વીકારી છે?” બીજાએ કહ્યું, “એ હાજીઓમાંથી કોઈની પણ હજ સ્વીકારી નથી.”
પહેલાએ પ્રશ્ન કર્યો કે તો પછી આ વર્ષે હજનું પૂણ્ય કોઈને પણ નહીં મળે? બીજાએ જવાબ આપ્યો, “કેમ નહીં મળે? પૂણ્ય તો મળી ગયું છે.” પહેલાએ આશ્ચર્ય સાથે પૂછ્યું, “પણ કોને?” બીજાએ હસતાં હસતાં જવાબ આપ્યો, “દમાસ્ક્સ (ક્ષમિશ્ક)ના અલી હુસેન મોચીને, જે આ વર્ષે હજ કરવા જવાનો હતો પણ જઈ ન શક્યો.”
શેખ અબ્દુલ્લા આ બે ફરિસ્તા વચ્ચેની વાતચીત સાંભળી રહ્યા હતા. વાત પૂરી થતાંને સાથે જ બેય ફરિસ્તા અદ્રશ્ય થઈ ગયા. શેખ અબ્દુલ્લા મૂંઝવણમં પડી ગયા. તેમને એ સમજાતું ન હતું કે હજ કર્યા સિવાય હજનું પૂણ્ય કેવી રીતે મળી શકે?
બીજા દિવસે તેઓ દમાસ્કસ જવા રવાના થયા. પૂછતાં પૂછતાં તેઓ અલી હુસેનના ઘરે આવ્યા. અલી હુસેને તેમને આવવાનું કારણ પૂછ્યું. શેખ અબ્દુલ્લાએ રાત્રે સાંભળેલી સઘળી વાત તેમને કહી સંભળાવી.
એમની વાત સાંભળીને અલી તો બેભાન જેવા થઈ ગયા. ભાનમાં આવતાં તેમણે પોતાની વાત આ રીતે કહી- “ભાઈ, હું એક ગરીબ માણસ છું. કેટલાય વર્ષોથી વિચારતો હતો કે હજ કરી આવું. થોડું-થોડું કરીને હજ માટે મેં રૂપિયા ભેગા કર્યા હતા. આ વર્ષે હું હજ કરવા જાત, પણ મારી યાત્રાના બે દિવસ પહેલા જ મેં મારા પડોશીનાં બાળકોને રોકકળ કરતાં જોયાં. કારણ પૂછ્યું તો જાણવા મળ્યું કે તે બિચારાં બાળકોને કેટલાય દિવસોથી ખાવા માટે કંઈ જ મળ્યું ન હતું, અને ખાવાનું મેળવવાનો કોઈ જ રસ્તો દેખાતો ન હતો. તેમના પિતાજી મૃત્યુ પામ્યા હતા અને મા ખૂબ જ બિમાર હતી. મારાથી એ બાળકોનું દુ:ખ સહન ન થયું. મેં મારા ઘરેથી રોટલીઓ મોકલી અને પછી જે પૈસા હજ માટે ભેગા કર્યા હતા તે બધા જ તેમને આપી દીધા. મેં વિચાર્યું કે હજ તો ગમે ત્યારે પણ થઈ શકશે પરંતુ આ બાળકોની તકલીફ તો મારે આજે જ દૂર કરવી જોઈએ. હવે, આપ કહો, તેઓની આ હાલત જોઈને હું હજની ખુશાલી કેવી રીતે ઉજવી શકું?”
શેખ અબ્દુલ્લાએ એક ઊંડો શ્વાસ લીધો ભગવાનનો આભાર માન્યો અને મોચીને કહેવા લાગ્યા- “ભાઈ હુસેન, તમારી વાત સાચી છે. ખુદાને ખુદાઈ પ્યારી છે. તમે ગરીબ હોવા છતાં પેલાં દુ:ખી બાળકોને મદદ કરી, અને હજનો વિચાર છોડી દીધો, એ જ કારણ છે કે ભગવાન (ખુદા)ના દરબારમાં માત્ર તમારી હજ જ મંજૂર થઈ.”
અલી હુસેન આંખમાં ઝળઝળિયાં સાથે આકાશ તરફ જોતા રહ્યા અને મનોમન ભગવાનનો આભાર માનતા રહ્યા.
શેખ અબ્દુલ્લા ઊઠ્યા. તેમણે અલી હુસેનનો હાથ પકડી ચૂમ્યો અને ત્યારે એમને પણ એવો અનુભવ થયો કે જાણે એમને પણ હજનું પૂણ્ય મળી ગયું હોય !
અનુવાદ: અનંત શુક્લ