Wednesday, April 27, 2011

Editorial

બાલ દોસ્તો,

શાળાઓમાં હવે વેકેશન છે. સ્કૂલે જવાનું નહીં, હોમવર્ક કરવાનું નહીં, એટલે તમને ખૂબ ખૂબ સમય મળતો હશે. પણ તમે કદી વિચાર્યું છે કે આ સમય કેટલો બધો કિંમતી છે ?

સમય જેટલી મૂલ્યવાન વસ્તુ આ વિશ્વમાં બીજી એક પણ નથી. કેમકે સમય જાય છે, તે કદી પાછો આવતો નથી. ધન સંપત્તિ ગુમાવી દીધી હોય તો મહેનત કરીને પાછી મેળવી શકાય છે. પણ સમય ગુમાવી દીધો, તો પછી એ ક્યારેય પાછો મેળવી શકાતો નથી. વળી સમયને પકડીને રાખી શકાતો નથી, એને તિજોરીમાં સાચવી શકાતો નથી અને નાણાંની જેમ મન પડે ત્યારે ને ફાવે તે રીતે પાછો વાપરી શકાતો નથી. એટલે આ અતિમૂલ્યવાન સમયને આપણે સાચવવો પડે છે. તો પ્રશ્ન એ થાય છે કે આ સમયને સાચવવો કેવી રીતે ?

સમયને સાચવવો એટલે સમયનો શ્રેષ્ઠ ઉપયોગ કરવો. પોતાની પ્રગતિ માટે, નવું નવું શીખવા માટે, બીજાઓને મદદ કરવા માટે તેનો ઉત્તમ ઉપયોગ કરવો, એ જ છે સમયની સાચવણી. નહીંતર સમય તો વહેતા પ્રવાહ જેવો છે, જેમ નદીનો વહેતો પ્રવાહ કોઈથી રોકી શકાતો નથી, અને ક્ષણ પહેલાં જે પાણી હતું, તે પછી હોતું નથી, એવું જ સમયનું છે. ક્ષણ પહેલાં જે સમય હતો, તે ક્ષણ પછી નથી હોતો. તમે કહેશો કે નદી પર બંધ બાંધીને પાણીના પ્રવાહને વહેતો અટકાવી શકાય છે. એ ખરું. પણ સમય પર બંધ બાંધીને તેને અટકાવી શકાતો નથી. એ મનુષ્યના હાથની વાત નથી. પણ મનુષ્યના હાથમાં એટલું તો જરૂર છે કે એ સમયનો પોતે ધારે તે રીતે ઉપયોગ કરી શકે. અને પોતે ઈચ્છે તે પ્રમાણે પોતાનું જીવન બનાવી શકે.

જેઓને જીવનમાં મહાન બનવું છે, ખૂબ પ્રગતિ કરવી છે, પોતાની શક્તિઓનો વિકાસ કરવો છે, તેઓ પોતાને આપેલા સમયની એક એક મિનિટનો ઉપયોગ કરી લે છે, દરેક મનુષ્યને સવારે તે ઉઠે છે ત્યારે ભગવાન તેને ૧૪૪૦ મિનિટથી ભરેલા બોક્સની ભેટ આપે છે. એમાં શાણા અને સમજદાર મનુષ્યો એક એક મિનિટનો એવો સુંદર ઉપયોગ કરે છે કે સમયના દેવતા પ્રસન્ન થઈને પોતે જ એ બોકસને અનેક બક્ષિસો- જેવી કે વિદ્ધતા, બુદ્ધિની તેજસ્વિતા, સામર્થ્ય, કીર્તિ, સન્માન, ચિત્તની પ્રસન્નતા, હૃદયની વિશાળતા વગેરે અનેક બક્ષિસોથી ભરતો રહે છે. તથા આ લોકો પોતે જીવનમાં જે ઈચ્છે તે મેળવતા રહે છે. પરંતુ કેટલાંક લોકોને, જેમને સમયની બિલકુલ કિંમત નથી હોતી અને ઉડાઉ પણે સમયને વેડફી દેતા હોય છે. તેમનું જીવન ખાલીખમ રહે છે અને પછી ગમે તેટલું આક્રંદ કરે પણ ગયેલો સમય પાછો આવતો નથી.

જીવન તો છે અપાર શકયતાઓથી ભરેલું, વિકાસ માટેનું ક્ષેત્ર. જીવનમાં રોજે રોજ નવું નવું શીખવાનું રહેવાનું હોય છે. સમય ભલે કોઈથી બંધાતો નથી, પણ જેવો દરરોજ નવું નવું શીખતા રહે છે, જેઓ પોતાના તથા અન્યના વિકાસ માટે સમયનો સતત ઉપયોગ કરતા રહે છે, તેમના પર સમયના દેવતા પોતે જ પ્રસન્ન થઈને તેમના જીવનની ઝોળીને પ્રગતિના આનંદથી છલાછલ ભરી દે છે.

તો બાલદોસ્તો, રજાઓમાં નવું નવું શીખીને સારાં સારાં પુસ્તકો વાંચીને, બીજાંઓને ઉપયોગી બનીને સમયના દેવતાને પ્રસન્ન કરીને, પ્રગતિના આનંદથી તમારા જીવનની ઝોળીને પણ છલકાવી દેજો.

શ્રીમતી જયંતી રવિ

રાજકુમાર અને બ્રહ્મકુમાર

શુધ્ધચૈતન્ય સ્વામી દયાનંદને ગૃહત્યાગ અને વૈરાગ્યના માર્ગ પર ફરી વાર ચાલવા માટે વિશેષ કુશળતા તથા અનેક કષ્ટો સહન કરવાં પડ્યાં હતાં. જ્યારે કપિલવસ્તુના યુવરાજ શાક્યસિંહ-સિદ્ધાર્થને ગૃહત્યાગ અને વૈરાગ્યના માર્ગ પર એવા કષ્ટ નહોતાં સહન કરવાં પડ્યાં. ૨૯ વર્ષના રાજકુમાર સિદ્ધાર્થે ગૃહત્યાગનો નિર્ણય કર્યો. ત્યારે પોતાના સારથી અને નોકર છંદક (છન્ન)ને અશ્વ તૈયાર રાખવા આજ્ઞા કરી હતી. ત્યારે તેનાં માતા-પિતા-પત્ની-પુત્ર-નોકર-ચાકર બધાં મધરાત્રે નિદ્રામાં હતાં, ત્યારે તે રાજકુમાર ઊઠીને છંદક નામના નોકરને સાથે લઈને કોઈ અવરોધ વિના નીકળી ગયો હતો. તેની પ્રવ્રજ્યા માર્ગમાં કોઈ રોક-ટોકનો અવરોધ હતો નહિ જેથી ગૌતમ બુધ્ધનો પ્રવ્રજ્યા માર્ગ કંટકશૂન્ય હતો.

ટંકારાના બ્રહ્મકુમાર મૂળશંકર-દયાનંદનો ગૃહત્યાગ અને વૈરાગ્ય માર્ગ કંટકપૂર્ણ હોવા છતાં, અનેક અવરોધોની વચ્ચે પણ તે અટલ અને દ્રઢ રહ્યો હતો. તેણે તો ધરતીની પથારી, અંબરનું ઓઢણું, વિપદાઓનું દૂધપાન અને કંટકોના પથને કંડારીને પોતાના સંકલ્પનો દ્રઢ નિર્ધાર કર્યો હતો. અમૃતની ખોજમાં એ અટલ રહ્યો હતો અને આગળ વધી રહ્યો હતો.

સાયલામાં મૂળશંકરને એક અજ્ઞાતનામા બહ્મચારી મળ્યો, તેણે નૈષ્ઠિક બહ્મચારી બનવાની પ્રેરણા આપી. તેના દ્વારા બ્રહ્મચર્યની દીક્ષા લઈને, ભગવાં વસ્ત્રો અને હાથમાં તુંબીપાત્ર ધારણ કર્યાં અને શુદ્ધચૈતન્ય એવું નામ ધારણ કર્યું. આથી મૂળશંકરમાંથી તે બ્રહ્મચારી શુદ્ધચૈતન્ય બન્યો.

લેખક : દયાલ મુનિ

દુ:ખમાંથી સાચી મુક્તિ


મૂળશંકર એક દિવસ રાતે કુટુંબીજનોની સાથે ગામમાં નાચ અને ભવાઈનો વેશ જોવા ગયા હતા, ત્યારે એક નોકરે ઓચિંતા હાંફતા હાંફતા આવીને બહેનને વિસૂચિકા-કોલેરા થયાની જાણ કરી. આ શોકદાયક સમાચાર સાંભળીને બધા તરત જ ઘરે દોડી ગયા. ત્યાં પહોંચીને જોયું તો બહેન બેસુધ અને અવાક્ પડી હતી. તાત્કાલિક વૈધને બોલાવીને અનેક ઉપચારો કરવામાં આવ્યા. પરંતુ તેથી આરામ થયો નહિ અને ચાર કલાકમાં વહાલી બહેનનું મૃત્યુ થયું. જેથી બધાં લોકો શોકસાગરમાં ડૂબી ગયાં.

મૂળશંકરે આટલા નજીકથી મૃત્યુને સર્વ પ્રથમ જોયું હતું. જયારે એક બાજુ આખો પરિવાર રોકકળ, કરુણ ક્રંદન અને કલ્પાંત કરી હીબકાં ભરી રહ્યો હતો, આંસુઓ વહાવી રહ્યો હતો, ત્યારે મૂળશંકર બહેનની પથારી પાસેની દીવાલના ટેકે ગમગીન અને ભયભીત બનીને ઊભો હતો, તેના મનમાં મૃત્યુ એટલે શું? શું બધાને આ રીતે મરવું પડશે? શું હું પણ આ રીતે એક દિવસ મૃત્યુ પામીશ? શું આ શરીર ક્ષણભંગુર છે? પાણીના પરપોટા સમાન ચંચળ છે? કમળપત્ર પરના જલબિન્દુ સમાન છે? શું મૃત્યુથી બચવાનો કોઈ ઉપાય નથી? આવા પ્રશ્નોની શૃંખલા ચાલી.

મૂળશંકરનું મન વિચારોનાં વમળોમાં પવનના તોફાનથી સૂકા પાંદડાની માફક ઊડી રહ્યું હતું અને તે મૂર્તિની સમાન સ્તબ્ધ ઊભો હતો. તેના નેત્રમાંથી આંસુનું એક પણ ટીપું નીકળ્યું નહિ; જેથી પિતા, પ્રેમાળ માતા અને સગા-સબંધીઓએ તેને પથ્થર હૃદય કહ્યો અને ત્યાંથી દૂર જઈને સૂઈ જવા માટે કહ્યું. પરંતુ મૃત્યુના દ્રશ્યે ઘોર નિદ્રા લેનાર કિશોરને ભયભીત કરી દીધો હતો અને તે ભયથી ધ્રુજીને જાગી જતો હતો. કારણ કે મૃત્યુનો ભય તો વિદ્વાનોને પણ રહે છે. તેથી મહર્ષિ પતંજલિએ પણ કહ્યું છે: સ્વરસવાહી વિદુષોડપિ તથા રુઢો ડ ભિનિવેશ: ॥ (યોગદર્શન-૨ : ૯)

મૃત્યુ પછીના દિવસોમાં પણ રિવાજ પ્રમાણે સહાનુભૂતિ માટે આવતાં સગાં-સબંધીઓ પણ રડીને કલ્પાંત કરતા હોવા છતાં મૂળશંકર એક વાર પણ રડ્યો નહિ. જેથી બધા તેને ધિક્કારતા હતા. પરંતુ તે સદાને માટે રડવાથી બચવાનો ઉપાય શોધી રહ્યો હતો.

મૂળશંકરની સમક્ષ મૃત્યુની આ ઘટનાથી જેમ કાળમીંઢ શિલાને અથડાઈને નદીનો પ્રવાહ બદલાઈ જાય છે તેમ મૂળશંકર મૃત્યુ-કલેશથી છૂટવાના વિચારોના ચકરાવે ચડ્યો. તેના કિશોર હૃદયમાં વૈરાગ્યની ચિનગારી પ્રજળી ઊઠી. સદા સર્વદા મૃત્યુના દુ:ખમાંથી મુક્ત થવાના ઉપાયની શોધમાં તેનાં રાત-દિવસ વ્યતીત થવા માંડ્યા,પરંતુ તેણે આ વિચારને કોઈની સામે પ્રકટ કર્યો નહિ.

લેખક: દયાલ મુનિ

દયાળુ નરેન્દ્ર

નરેન્દ્રની નિર્ભયતા અને સમય સૂચકતા સૂચવતા એકબે પ્રસંગો તેની કિશોરાવસ્થામાં જ બનેલા તે જોઈએ. એક વાર નરેન્દ્ર કેટલાક મિત્રો સાથે કોલકાતાના મેટિયા બુરજ પર ગયો હતો. નવાબનો પ્રાણીબાગ જોઈને હોડીમાં પાછા ફરતાં એક છોકરાને ઊલટી થઈ. તેથી હોડીવાળા તેની ઉપર ચીડાયા અને કહે કે હોડી સાફ કરી નાખો. છોકરાઓએ બમણું ભાડું આપવા કહ્યું તો પણ હોડીવાળા ન માન્યા અને હોડી સાફ કર્યા વિના નીચે ઊતરવા દેવાની ના પાડી. આમ હોડીવાળા સાથે રકઝક ચાલતી હતી તે દરમિયાન નરેન્દ્ર હોડીમાંથી કિનારે કૂદીને રસ્તા ઉપર પહોંચ્યો. ત્યાંથી પસાર થતા બે અંગ્રેજ સોલ્ઝરને તેણે ભાંગી તૂટી અંગ્રેજીમાં બધી હકીકત જણાવીને પોતાના મિત્રોને મદદ કરવા વિનંતી કરી અને તેમનો હાથ ઝાલીને તેમને હોડી પાસે લઈ ગયો. ગોરા સોલ્ઝરોએ હોડીવાળાઓને ધમકાવ્યા અને છોકરાઓને ઉતારી મૂકવા હુકમ કર્યો. હોડીવાળાઓએ તુરત છોકરાઓને ઉતારી મૂકવા હુકમ કર્યો. પેલા બંને સોલ્ઝરો નરેન્દ્ર ઉપર ખુશ થયા અને તેને પોતાની સાથે નાટક જોવા આવવા કહ્યું. નરેન્દ્ર તેમનો આભાર માની પોતાના મિત્રો સાથે ઘેર ગયો.

એકવાર નવગોપાલની વ્યાયામશાળામાં સૌ મિત્રો મળીને એક ભારે હીંચકો ઊભો કરવાનો પ્રયત્ન કરતા હતા. રસ્તે જતા લોકોનું ટોળું છોકરાનું એ સાહસ જોઈ રહ્યું હતું. તેમાં એક અંગ્રેજ ખલાસી પણ હતો. નરેન્દ્રે તેની મદદ માગી. એ ઉત્સાહી કિશોરોના સાહસમાં સહાય કરવા તે ખલાસીને સખત વાગ્યું અને તે બેભાન થઈ ગયો. ઘડીભર તો સૌને એમ જ થયું કે ખલાસી મરી ગયો છે. નરેન્દ્ર અને એના એક બે દોસ્તો સિવાય સૌ ત્યાંથી નાસી ગયા. પરંતુ નરેન્દ્રએ હિંમત અને સમય સૂચકતાથી એ બેભાન ખલાસીના ઘા ઉપર પોતાના ધોતિયાનો છેડો ફાડીને મજબૂત પાટો બાંધી દીધો, તેના મોં ઉપર પાણી છાંટયું અને ધીમે ધીમે પવન નાખવા લાગ્યા. થોડી વારે ખલાસી ભાનમાં આવ્યો. મિત્રોની મદદથી એને ઉપાડી બાજુની એક નિશાળમાં લઈ ગયા. ત્યાં એક જાણીતા ડૉકટરને બોલાવીને તેની સારવાર કરાવી. સતત એક સપ્તાહ સુધી નરેન્દ્રે તેની સારવાર કરી. એ તદ્દન સાજો થયો ત્યારે મિત્રો પાસેથી ઉઘરાણું કરી, તેને પૈસા આપ્યા અને પ્રેમથી તેને વિદાય કર્યો.

લેખક: સ્વામી વિવેકાનંદ

જ્ઞાનપ્રાપ્તિ માટે ભણતર


શ્રી અરવિન્દે આઈ.સી.એસ. ની પરીક્ષા તો પાસ કરી લીધી. પણ હવે તેમને બ્રિટિશ સરકારની ગુલામી જેવી નોકરી કરવી ન હતી એથી સીધે સીધી ના પાડે તો તેમના પિતાજી નારાજ થાય માટે તેમણે યુક્તિ વાપરી. આઈ.સી.એસ. માટે જરૂરી એવી ઘોડેસવારીની પરીક્ષામાં જાણી જોઈને તેઓ ગેરહાજર રહ્યા. બીજીવાર તેમને તક આપવામાં આવી તો બીજીવાર મોડા પહોંચ્યા. આમ ઘોડેસવારીની પરીક્ષા ન આપવાથી બ્રિટિશ સરકારે એમને આઈ.સી.એસ.ની પદવી ન આપી ! સરકારે અગાઉ ઘણાંની ઘોડેસવારીની પરીક્ષા પાછળથી પણ લીધી હતી. પરંતુ શ્રી અરવિન્દે બ્રિટિશ સરકાર વિરુદ્ધ આપેલાં ભાષણની નોંધ લેવામાં આવી અને તેથી એમને પદવી ન આપી. બી.એ.ની પદવીમાં પણ એવું જ થયું. તેઓ એટલા બધા હોંશિયાર હતા કે બી.એ. ના ત્રણ વરસનો અભ્યાસ એમણે બે વરસમાં જ પૂરો કરી લીધો. બી.એ. ની પરીક્ષામાં પ્રથમ વર્ગમાં પાસ પણ થઈ ગયા. પણ યુનિવર્સિટીનો નિયમ એવો હતો કે ડીગ્રી તો ત્રણ વરસે જ મળે. બી.એ. ની ડીગ્રી લેવી હોયતો તેમણે એક વરસ વધુ રોકાવું પડે તેમ હતું પણ હવે સ્કોલરશીપો બંધ થઈ ગઈ. આવક બિલકુલ નહોતી. એટલે તેઓ લંડનમાં રોકાઈ શકે તેમ નહોતા. આથી તેમણે ડિગ્રી જતી કરી ! આમ પ્રથમ વર્ગમાં બી.એ. માં પાસ થવા છતાં તેમની પાસે બી.એ.ની ડિગ્રી પણ નહોતી. પરંતુ એમને ડિગ્રીનું તો કોઈ જ મહત્વ નહોતું. જ્ઞાન પ્રાપ્ત કરવા અભ્યાસ કરવો હતો અને તેમણે તે હેતુ બરાબર સિદ્ધ કર્યો.

લેખિકા: જ્યોતિબહેન થાનકી

Wednesday, April 13, 2011


વાહ રે જાંબુડી

ખિસકોલી તો આવે

તેને જાંબુ ભાવે

આવી હતી આજે

જાંબુ ખાવા કાજે

મેં કહ્યું : બાપુ?

જાંબુ ક્યાંથી આપું

સાત જાંબુ સીધાં

ચકાએ લઈ લીધાં

એમ વાત છે કે

જાંબુ નથી એક કે

વાહ વાહ રે જાંબુજી

એને હું ન આંબુજી

જાંબુડી છે લચ્ચી

ઉગી બહું ઉંચી

ઉંચી ઉંચી અંજેડી

મે તો ઝાઝી ઝંઝેડી

ઝંઝેડીને સીધાં

સાત જાંબુ લીધાં

હચમચ હાંબુડી

સાંભળ તુ જાંબુડી

દિવસ પછી રાત

જાંબુ દે સાત

- સોલંકી ઉર્વશી

ધો. ૮-અજોઠા

Tuesday, April 12, 2011

Editorial

આજે રામનવમી.

શ્રીરામનો જન્મદિવસ.

સમગ્ર દેશમાં આ પવિત્ર દિવસની ઉજવણી હર્ષોલ્લાસથી થઇ રહી છે.આપણે પ્રતિવર્ષ રામનવમી,જન્માષ્ટમી,બુદ્ધપૂર્ણિમા,મહાવીર જયંતી વગેરે આપણા યુગપુરૂષો અને મહાત્માઓની જન્મજયંતીની ઉજવણી કરીએ છીએ.એ નિમિત્તે આપણે એ મહાન જ્યોતિર્ધરો,પથપ્રદર્શકોની દિવ્યચેતના સાથે સંલગ્ન થઇએ છીએ. માનવચેતનાના વિકાસ માટે,તેના ઊર્ધ્વીકરણ માટે આ યુગપુરૂષોએ પોતાના જીવનકાળ દરમિયાન જે કાર્ય કર્યું, એ કાર્ય એમના દેહવિલય પછી કંઇ સમાપ્ત થઇ જતું નથી.તેઓનું આ કાર્ય તેમની દિવ્યચેતના દ્વારા મનુષ્ય જાતિને પ્રેરણા આપતું અને વિકાસના માર્ગે આગળ લઇ જતું અવિરત ચાલતું જ રહે છે.પ્રત્યેક મહાપુરૂષો પૃથ્વી ઉપર એક વિશિષ્ટ કાર્ય લઇને આવે છે.એ કાર્યનું બાહ્ય રૂપ સ્થળ,કાળ અને તત્કાલીન જરૂરિયાત પ્રમાણે ભલે અલગ-અલગ જણાતું હોય, પરંતુ સર્વનું મૂળ હાર્દ તો એક જ હોય છે, અને તે છે મનુષ્યોને દુ:ખમાંથી મુક્ત કરવાનું અને તેમના મૂળ એવા પરમતત્વ પ્રત્યે જાગૃત કરવાનું.

રામ ત્રેતાયુગમાં આવ્યા.તે સમયે આર્યાવતની સ્થિતિ કંઇક આવી હતી: આસુરિક શક્તિઓનો રંજાડ,સમાજમાં લૂંટ-ફાટ,નિમ્નજાતિઓની ઉપેક્ષા,રાજ્યો વચ્ચે વેરઝેર,બહુપત્નીત્વને લઇને સ્ત્રીઓની અસલામતી આ બધાંને લઇને રાજ્યમાં સ્થિરતા નહોતી.રામ પિતાની આજ્ઞાનું પાલન કરી વનમાં ગયા.રાક્ષસોનો સંહાર કર્યો.વનવાસીઓની સાથે આત્મિયતા કેળવી,નિષાદરાજા ગુહની સાથે મૈત્રી સ્થાપી નિમ્નજાતિઓનું સન્માન કર્યું,વાનરજાતિના રાજા સાથે મૈત્રી સ્થાપીને એ જાતિને પણ ગૌરવ અપાવ્યું.દુષ્ટ રાવણનો અને તેની રાક્ષસી સેનાનો સંહાર કરી લંકાની પ્રજાને નવું જીવન અને પ્રજાવત્સલ ન્યાયી રાજા વિભિષણ આપ્યો. આ રીતે રામે એ સમયના આર્યાવતને પ્રેમ,મૈત્રી અને સદભાવ દ્વારા એક કર્યું.વળી અયોધ્યાનો રાજ્યવહીવટ પણ એવી કુશળતાથી ચલાવ્યો કે પ્રજામાનસમાં રામરાજ્યનો આદર્શ એવો દૃઢબની ગયો,કે એ આજપર્યંત ટકી રહ્યો છે ! આદર્શ રાજ્ય કેવું હોય અને તે માટે રાજાએ પોતે શું શું કરવું જોઇએ એનું સ્પષ્ટ દર્શન શ્રીરામના જીવનમાંથી મળે છે.

તે ઉપરાંત શ્રીરામે ઉત્તમ મનુષ્યનો આદર્શ પણ પૂરો પાડ્યો છે.જીવનમાં મનુષ્યે કેટકેટલાં રૂપો ધારણ કરવાં પડે છે ! પણ ઉત્તમ મનુષ્ય બધાં જ રૂપોમાં ઉત્તમ જ રહે છે.તેનું શ્રેષ્ઠ ઉદાહરણ શ્રીરામનું જીવન છે. આદર્શ પુત્ર,આદર્શ પતિ, આદર્શ ભાઇ, આદર્શ પિતા, આદર્શ મિત્ર, આદર્શ રાજા અને આદર્શ શત્રુ ! શ્રીરામનું પ્રત્યેક રૂપ શ્રેષ્ઠતાને જ વ્યક્ત કરે છે. આ સંદર્ભમાં સ્વામી વિવેકાનંદ કહે છે કે,સત્ય અને નીતિમત્તાના મૂર્તિમંત સ્વરૂપ એવા રામને મહાન ૠષિ વાલ્મિકીએ આપણી સમક્ષ આદર્શ પુત્ર,આદર્શ પતિ,આદર્શ પિતા અને એ બધાથી ઉપર આદર્શ રાજા તરીકે રામાયણમાં સરળ ભાષા અને સુંદર શૈલીમાં સહજ રીતે રજૂ કર્યા છે.

આજના આ પવિત્ર દિવસે આપણે શ્રીરામની પૂજા,ભક્તિ,આરાધના તો કરીએ જ છીએ. પણ સાથે સાથે એમના ગુણો અને આદર્શોને જીવનમાં અપનાવીને જીવન જીવવાનો સંકલ્પ કરીએ તો મને લાગે છે કે આપણે આ જન્મદિવસની સાચી ઉજવણી કરી ગણાશે.

શ્રીમતી જયંતી રવિ