Monday, December 27, 2010

સ્વપ્રયત્ને સત્ય શોધો



નાનપણથી જ નરેન્દ્ર વહેમ અને ભયથી મુક્ત હતો. એનો એક દાખલો બસ થશે. તેમના ઘરની બાજુમાં એક બાઈબંધ રહેતો હતો. તેના આંગણામાં એક ઝાડ હતું. એની ઉપર બંને દોસ્તો ચડતા અને તોફાનમસ્તી કરતા. તેથી તેના મિત્રના વયોવૃદ્ધ દાદાને છોકરાઓ પડી જશે તેવો ડર લાગ્યો. તેમણે કહ્યું : છોકરાઓ, એ ઝાડ ઉપર ન ચડતા. એની ઉપર એક બ્રહ્મરાક્ષસ રહે છે અને ઝાડ ઉપર જે ચડે તેની ડોક મરડી નાખે છે. આમ, કહી ડોસા ચાલ્યા ગયા એટલે નરેન્દ્રએ ઝાડ ઉપર ચડવા માંડ્યું. પેલા મિત્રે ગભરાઈને કહ્યું : અરે નરેન, ઉપર ન ચડીશ. રાક્ષસ ડોક મરડી નાખશે. એ સાંભળીની નરેન્દ્ર ખડખડાટ હસી પડ્યો અને બોલ્યો : તું સાવ મૂર્ખ છે. દાદાની વાત સાચી હોત તો મારી ડોક એ રાક્ષસે ક્યારની મરડી નાખી હોત.

આગળ ઉપર આ અનુભવની વાત કરતાં સ્વામીજી શ્રોતાજનોને કહેતા ; પુસ્તકોમાં લખેલી છે માટે કોઈ વાત સાચી માનશો નહીં, કોઈ માણસ કહે છે તેટલા માટે એ વાત સાચી માનશો નહીં; પોતાના પ્રયત્નથી જે સત્ય શોધી કાઢો તેને જ સાચું માનજો. એનું નામ સાક્ષાત્કાર.

પ્રકાશક: સ્વામી ધ્રુવેશાનંદ

(સ્વામી વિવેકાનંદ-સંક્ષિપ્ત જીવન)