
પરદેશની આ વાત છે. હાવર્ડ કેલી નામનો એક છોકરો અત્યંત ગરીબાઈ સાથે ભણી રહ્યો હતો. નિશાળની ફી ભરવાના પૈસા કમાવા માટે ફાજલ સમયમાં એ ફેરિયાનું કામ કરતો. એક સ્ટોરની વસ્તુઓ એ એક ઘરેથી બીજા ઘરે ભટકીને વેચતો એ વેચાણના પૈસામાંથી જે કમિશન મળે તેમાંથી શાળાની ફી ભરતો અને જો ફી ભરતાં થોડા પૈસા વધે તો ચોપડીઓ અથવા તો કપડાં ખરીદતો.
એક દિવસ આમ જ ફેરી કરતાં કરતાં બપોરનો સમય થઈ ગયો. આકરો તડકો કેલીને પરેશાન કરી રહ્યો હતો. એના થેલામાં છેલ્લી થોડીક ચીજો જ બચી હતી. પણ એ દિવસે એટલી વસ્તુઓ કોને ખબર કેમ પણ કોઈ ખરીદતું જ નહોતું. ભૂખ અને તરસથી એ હેરાન થઈ ગયો હતો. તડકો પણ એની તકલીફમાં વધારો કરી રહ્યો હતો. કયાંક બેચાર ક્ષણ અટકીને આરામ કરવાની એને ઈચ્છા થતી હતી, પરંતુ કમિશન ઓછું મળશે એ વિચાર એને કયાંય બેસવા નહોતો દેતો. થોડીક વાર આમ જ રખડયા પછી એને પોતાની ગરીબી અને લાચારી પર ગુસ્સો આવવા લાગ્યો. હતાશાના ભાવ સાથે એણે એક ઘરનું બારણું ખખડાવ્યું. એક સુંદર યુવતીએ બારણું ખોલ્યું.
‘મેમ! મારી પાસે વેચવા માટેની થોડીક ચીજો છે. તમે કંઈ ખરીદવા માંગો છો ?’ એના અવાજમાં નિરાશા, હતાશા અને થાક ભરેલાં હતાં.
‘ હા દીકરા! કેમ નહીં ?’ જાણે કે કેલીની પરિસ્થિતિનો એક પળમાં જ અંદાજ આવી ગયો હોય તેમ એ યુવતી બોલી. ઉત્સાહપૂર્વક એણે કેલીની બાકી બચેલી વસ્તુઓમાંથી થોડીક વસ્તુઓ ખરીદી પણ ખરી.
કેલીના મનને ખૂબ જ શાતા થઈ. જેવું મન શાંત થયું કે તરત જ કેલીના પેટે પોતાની ફરીયાદ શરૂ કરી. પેટમાં ગલૂડિયાં બોલાતાં હતાં એ યાદ આવતાં કેલી બોલ્યો, ‘મેમ ! એક ગ્લાસ પાણી મળી શકશે ?’
પેલી યુવતીએ કેલી સામે જોયું. કેલીના મોઢા પર એ ખાલી તરસ્યો જ નહીં, ભૂખ્યો પણ છે એવું સ્પષ્ટ લખાયેલું હતું. એ બોલી, ‘તને ભૂખ લાગી છે, બેટા ?’
કેલી કંઈ બોલ્યો નહીં. ભૂખ તો એને કકડીને લાગેલી જ હતી. એની નાની નાની આંખોમાં મોટાં મોટાં આંસુ ડોકાઈ આવ્યાં. પણ એમ આંસુ પડી જવા દે તો કેલી શેનો ? તરત સ્વસ્થ થઈ, બહાર નીકળે એ પહેલાં જ આંસુને પાછાં ધરબીને એ બોલી ઊઠયો, “ના મેમ ! ફકત પાણી જ જોઈએ છે, મળશે ?”
આટલા નાના બાળકની ખુમારી પર એ યુવતી આફરીન થઈ ગઈ. કેલી માટે એને ખૂબ જ માન થઈ આવ્યું. એ અંદર ગઈ. થોડી વાર પછી એ પાછી આવી ત્યારે એના હાથમાં સાકર નાખેલું દૂધ ભરેલો એક મોટો ગ્લાસ હતો. આ યુવતીએ પોતાની ભૂખ તેમજ તરસ બંનેનો ઉપાય કરી દીધો છે એ વાત કેલી તરત જ સમજી ગયો. શાંત મને એણે એ ઠંડા દૂધનો ગ્લાસ પૂરો કર્યો પછી પોતાના ખિસ્સામાંથી પૈસા કાઢીને બોલ્યો, ‘મેમ ! આ દુધના ગ્લાસના મારે કેટલા પૈસા આપવાના છે ?’
“એક પણ પૈસો નહીં બેટા ! સારા કામમાં પૈસા થોડા લેવાય ? ઊલટાનો હું ભગવાનનો પાડ માનું છું કે તારા જેવા ખુમારીથી ભરેલ દીકરાનું કામ કરવાનો એણે મને મોકો આપ્યો. અને ભગવાનના કામના પૈસા થોડા હોય ?” લાગણીથી ભીના થઈ ગયેલા અવાજે એ બોલી.
અંતરના ઊંડાણથી એ યુવતીનો આભાર માનીને કેલી બહાર નીકળ્યો. આ નાનકડા પ્રસંગથી એના મનની હતાશા ખંખેરાઈ ગઈ હતી. નિરાશાની જગ્યાએ એક નવો ઉત્સાહ પ્રગટી ચૂકયો હતો. એના પગમાં નવું જોમ આવી ગયું હતું. એક અનેરા ઉત્સાહ સાથે એ આગળ વધ્યો.
ઘણા બધાં વરસો પછી પેલી સ્ત્રીને કોઈ ભયંકર રોગ લાગુ પડયો. સ્થાનિક ડૉકટર્સ એના રોગનું નિદાન ન કરી શકયા. એ બહેનની તબિયત દિન-પ્રતિદિન બગડતી જ ચાલી. એને બાજુના મોટા શહેરમાં આવેલ ખૂબ જ આધુનિક હોસ્પિટલમાં મોકલવામાં આવી. ત્યાંના તબીબોએ પણ નિદાન પકડવા ખૂબ માથાકૂટ કરી. કંઈ કેટલીયે તપાસ કરાવી, પણ પરિણામ શૂન્ય જ આવ્યું. એનો રોગ કોઈ પારખી જ ન શકયું. બધાં થાકી ગયાં પછી એમણે આ સ્ત્રીની મંજૂરી લઈ એ શહેરના સૌથી મોંઘાદાટ તબીબને બોલાવ્યા. એમની કુનેહ તથા કાબેલિયતને કારણે રોગ તરત જ પકડાઈ ગયો. દિવસોથી રિબાઈ રહેલી એ સ્ત્રી ઝડપભેર સાજી થવા માંડી. પરંતુ એના ચહેરા પર સાજા થવાની ખુશીના બદલે ચિંતા છવાવા લાગી. એ ચિંતા હતી હોસ્પિટલના બિલની. એને થતું હતું કે એની બાકીની જિંદગી આ બિલનું કરજ ચૂકવવામાં જ વીતી જશે. કેમ કરીને એ આવી અદ્યતન હોસ્પિટલનું આવડું મોટું બિલ ચૂકવી શકશે ?
આવી બધી ચિંતાઓની વચ્ચે એને હોસ્પિટલમાંથી રજા આપવાનો દિવસ આવી પહોંચ્યો. પટાવાળો બિલનું કવર લઈને આવી પહોંચ્યો. ધ્રૂજતા હાથે એ યુવતીએ કવર ખોલ્યું. બિલની મસમોટી રકમના આંકડા પર લાલ અક્ષરે લખેલું હતું કે, “સંપૂર્ણ ચૂકતે ! એક ગ્લાસ દૂધે બધું જ ચૂકવી દીધું છે.” અને નીચે સહી: ડૉ. હાવર્ડ કેલી ! હોસ્પિટલ
સુપરિન્ટેન્ડન્ટ!
કેલીની સહીના શબ્દો પેલી સ્ત્રીના આંસુથી ભીંજાઈ રહ્યા હતા... ...
ડૉ. આઈ. કે. વિજળીવાલા