
એક ખેતર હતું. ખેતરમાં જાતજાતનાં પંખી રહે. કાબર, કબૂતર, કાગડા, પોપટ, મોર, ઢેલ, લેલાં..... ક્યારેક કોયલ પણ આવી ચડતી.
બધાં પંખીઓ પ્રેમાળ હતાં. હળીમળીને રહેતાં. મુશ્કેલીના સમયે એકબીજાને મદદ પણ કરતાં, પરંતુ તેઓમાં આવી જતા અભિમાનને કારણે વિખવાદ પેદા થતો. પોપટને પોતાની બોલી અને રંગનું. વળી ક્યારેક પોતાની લાલ રંગની વાંકડિયા ચાંચનું અભિમાન આવી જતું. કબૂતર કહે, “હું શાંતિનું દૂત છું. મારી બરોબરી કોઈ કરી શકે નહિ.”
કાબર કલબલાટ કરીને કહેતી, “મારી જેમ કોઈ ઝડપથી બોલી શકે નહિ,” તો વળી લેલું કહેતું કે “મારી જેમ ઠેકડા તો મારી જુઓ.” આ રીતે દરેક પંખીને પોતાની જાતનું અભિમાન હતું.
મોર અને ઢેલ ઘણાં જ રૂપાળાં હતાં. તેમના રૂપનાં વખાણ બીજાં કરતાં. તેઓ અભિમાની હતાં નહિ. બીજાં પંખીઓનો આવો સ્વભાવ જોઈને તેમને દુ:ખ થતું, પણ તેઓ ક્યારેય કોઈને કંઈ કહેતાં નહિ. કોયલ પણ ઘણી જ સમજુ હતી. તેણે મોર અને ઢેલને કહ્યું, “જવા દો ને, એમનું અભિમાન જ એમને નડશે.”
કાગડો બિચારો કંઈ બોલતો નહિ. તેના રંગ અને બોલીને બધાં ધિક્કારતાં. જાહેરમાં એનું અપમાન થતું. કાગડો ધીમે રહીને કહેતો પણ ખરો કે ભાઈઓ, કાળો રંગ અને આવો કંઠ પ્રભુએ આપ્યાં છે. મારો વાંક નથી. તમે શા માટે મને ધિક્કારો છો એની જ ખબર પડતી નથી.
બધાં પંખીઓ એની વાતને હસવામાં કાઢી નાખતાં. કાગડો ચૂપચાપ ઊડી જતો.
એક દિવસ એવું બન્યું કે ખેતર વચ્ચે રંગબેરંગી ઈંડું સૌની નજરે ચડ્યું. ઈંડું એટલું સુંદર હતું કે પંખીઓ ઈંડાને જોઈને ખુશ થઈ ગયાં.
ઘણા જ વિચારને અંતે પંખીઓએ ઈંડાને સેવવાનું નક્કી કર્યું. પંખીઓ વારા ફરતી ઈંડા ઉપર બેસતાં ગયાં. કાગડો પણ બેસવા જતો હતો, પણ તેને ધક્કો મારીને નીચે ઉતારી દેવામાં આવ્યો. કાગડાની આંખમાં આંસુ આવી ગયાં. અપમાન સહન કરીને તે ઊડી ગયો.
દિવસો વીત્યા. ઈંડું સેવાઈ ગયું, પણ તેમાંથી બચ્ચું ન નીકળ્યું. તેમાંથી એક સુંદર પરી નીકળી. પરી ઘણી જ રૂપાળી હતી. તે પાંખો પહોળી કરીને બધાંની સામે જોવા લાગી.
મોર, ઢેલ અને કોયલ હાજર હતાં નહિ. કાગડો બિચારો ઝાડ ઉપર બેસીને ચુપચાપ બધું જોતો. દૂરથી પણ તે પરીને જોઈને આનંદમાં આવી ગયો.
પંખીઓ તો નવાઈ પામીને પરીની સામે જોવા લાગ્યાં. પરીએ ધીમે રહીને કહ્યું, “વહાલાં પંખીઓ, તમે મને ખૂબ જ ગમો છો. તમે પ્રેમથી ઈંડું સેવ્યું એ જોઈને પણ મને આનંદ થયો, પરંતુ મને એ વાતનું દુ:ખ છે કે વાતવાતમાં તમે અભિમાનથી ફુલાઈ જાવ છો. વળી, કાગડો પણ પંખી છે, તેને અપમાન કરીને કાઢી મૂકો એ મારાથી સહન થતું નથી. અભિમાન મૂકી બધાંને પ્રેમથી જુઓ એ મારી શિખામણ છે.”
પંખીઓ પરીની વાત સાંભળી એકબીજાની સામે જોવા લાગ્યાં. તેઓ બોલતાં ગભરાવા લાગ્યાં.
પરીએ વાત લંબાવતાં કહ્યું, “વહાલાં પંખીઓ, હવેથી હું રોજ તમારી મુલાકાત લઈશ. તમારાં સુખ-દુ:ખ સાંભળીશ, પણ મારી શિખામણ માનજો.”
પરી આટલું બોલીને ચુપચાપ અદ્રશ્ય થઈ ગઈ. તેના પ્રકાશથી બધાં અંજાઈ ગયાં.
પછી તો રોજ સાંજ પડે, પરી આવે, પંખીઓ ટોળે વળે. પરી બધાંની વાતો સાંભળે. જાતજાતનું ખાવાનું આપે. પંખીઓ ખાયપીવે અને મઝા કરે.
પરી રોજ આવે, પણ કાગડાને જુએ નહિ. કાગડો ધીમે ધીમે આવતો, પણ બધાં પંખીઓ ઝઘડીને તેને કાઢી મૂકતાં તે પણ પરીએ ત્રાંસી આંખે જોઈ લીધું. પરીએ કોઈ ચમત્કાર કરીને પંખીઓને બોધપાઠ આપવાનું નક્કી કર્યું.
મોર, ઢેલ અને કોયલ દોડતાં આવ્યાં. તેઓ પરીને મળ્યાં. તેની સાથે માંડીને વાત કરી. પરીએ પણ પોતાની વાત કરી. ચમત્કાર વિશે પણ કહ્યું, મોર. ઢેલ અને કોયલ આનંદમાં આવી ગયાં.
રોજના નિયમ પ્રમાણે પરી આવે અને પંખીઓ મજા કરે. એક સાંજે પંખીઓ રાહ જોઈ જોઈને થાક્યાં, પણ પરી આવી નહિ. પંખીઓ દુ:ખી દુ:ખી થઈ ગયાં.
પંખીઓ રાહ જોતાં, પણ પરીએ આવવાનું બંધ કર્યું. એક સાંજે એવું બન્યું કે પરી આવતી હતી એ દિશામાંથી એક કાગડો આવતો દેખાયો. છી... છી... કરીને પંખીઓ આઘાંપાછાં થવા લાગ્યાં. ‘અરે, આ તો પેલો કાગડો છે’ કહી હસવા લાગ્યાં.
એવામાં એક અવાજ સંભળાયો. એ અવાજ પરીનો જ હતો. પંખીઓ ઓળખી ગયાં. ધ્યાનથી સાંભળવા લાગ્યાં:
“વહાલાં પંખીઓ, આ કાગડો એ હું જ છું. મારી જગ્યાએ હવે એ આવશે. તમારી ફરિયાદો સાંભળશે. આજ સુધી તમે એને ધિક્કારતાં હતાં, પણ હવે તમારે એનો સ્વીકાર કરવો પડશે. અભિમાનમાં ભાન ભૂલી તમે ભેદભાવ રાખતાં હતાં તે ભૂલી જાઓ.”
પંખીઓ નીચી ડોકે જોવાં લાગ્યાં. તેઓ ઝટ કાગડા પાસે ગયાં. પ્રણામ કર્યા. ભૂલની માફી માગી. કાગડાએ બધાંની માફી આપી. હળીમળીને રહેવાના શપથ લીધા.
આજે આ ખેતરમાં તમામ પંખીઓ હળીમળીને પ્રેમથી રહે છે. પરીનો આનંદ માતો નથી. મોર અને ઢેલ નાચે છે. કોયલ ગાય છે. કાગડો બધાંની ફરિયાદો સાંભળે છે.... મદદ કરે છે.
લેખક: ફિલિપ ક્લાર્ક