Sunday, December 12, 2010

પારકું અને પોતાનું


એક વખતે બાજીરાવ પેશવાએ માળવા દેશ પર ચડાઈ કરી. બાજીરાવે માળવાના રાજાને હરાવ્યો. રાજા પાસેથી ખૂબ ધન વગેરે લઈને તે પાછો ફર્યો. થોડા દિવસ પછી રસ્તામાં એ લોકો પાસે અનાજ ખૂટી ગયું. મહારાષ્ટ્ર દેશ ત્યાંથી ખૂબ દૂર હતો. અનાજ વિના કેમ ચાલે? બાજીરાવે નદીના કિનારા પોતાનો પડાવ નાખ્યો. તેણે પોતાના નાયકને બોલાવીને કહ્યું: “થોડા માણસોને લઈને તમે આસપાસના પ્રદેશમાં ફરી વળો. ત્યાંથી આપણને જોઈતું અનાજ કોથળાઓમાં ભરી આવો. થોડા દિવસ ચાલે એટલું મળે તોયે બસ છે. આગળ પછી જોઈ લેવાશે.” નાયક તરત જ થોડા માણસોને લઈને ઘોડા પર બેસી નીકળી પડ્યો. આસપાસનો પ્રદેશ વેરાન હતો. ડુંગરાળ અને ઉજ્જડ પ્રદેશમાં તેઓ કેટલાય ગાઉ સુધી ભટક્યા. પરંતુ ક્યાંયે માણસ કે અનાજ તેમની નજરે ન પડ્યું ! તેઓ આગળ ને આગળ ગયા. છેવટે એ લોકોએ એક ઘરડા માણસને સામેથી આવતો જોયો. તેઓ તરત જ એની પાસે ઘોડા ઝડપથી દોડાવીને ગયા. ડોસાને ઊભો રાખીને નાયક બોલ્યો:
“એ ડોસા, અમે બાજીરાવ પેશવા મહારાજાસાહેબને માણસો છીએ. અમારી પાસે અનાજ ખૂટી ગયું છે. આટલામાં કોઈ અનાજવાળું ખેતર છે કે ? ‘ચાલ અમારી સાથે. અમને એવું ખેતર જલદી બતાવ. નહિ તો આજે તને જીવતો જવા નહીં દઈએ.” પેલા ઘરડા માણસે શાંતિથી કહ્યું : “ભાઈઓ ! મારી પાછળ પાછળ આવો. તમને સારા અનાજવાળું ખેતર બતાવું.”

નાયક અને તેના માણસો ડોસાની પાછળ પાછળ ધીમે ધીમે ઘોડા હાંકીને અનાજવાળા ખેતરે જવા લાગ્યા. થોડે દૂર ગયા, એટલે એક ખેતર આવ્યું. તે જોઈને નાયક અને તેના સાથીદારો રાજી રાજી થઈ ગયા. પરંતુ પેલા ઘરડા માણસે કહ્યું : “સરદારસાહેબ, આ ખેતર કરતાં પણ વધારે સારા અનાજવાળું ખેતર થોડે દૂર છે. ત્યાંથી આપને જેટલું અનાજ જોઈએ તેટલું ખુશીથી લેજો.” નાયકે તેનું કહ્યું માનીને આગળ ચાલવા માંડ્યું. થોડે દૂર ચાલ્યા પછી એક બીજું ખેતર નજરે પડ્યું. એ ખેતર પેલા ખેતર કરતાં મોટું ન હતું. તેમાં પાક પણ સારો ન હતો. ડોસો ત્યાં થોભીને બોલ્યો : “સરદારસાહેબ, આ ખેતરમાંથી તમને જોઈએ એટલું અનાજ ખુશીથી લો.” આ સાંભળીને નાયક ગુસ્સે થઈ બોલી ઊઠ્યો : “અરે ડોસા, તારા પર મોત ભમતું લાગે છે ! અમને આટલું બધું રખડાવીને આવા નકામા ખેતર પાસે શા માટે લઈ આવ્યો ? તારું આવી બન્યું છે કે શું ?” પેલો ઘરડો ખેડૂત શાંતિથી બોલ્યો: “સરદારસાહેબ, પેલું ખેતર પારકાનું હતું. પારકાના માલને આમ લૂંટાવી દેવાનો મને શો અધિકાર છે ? આ ખેતર તો મારું પોતાનું છે. તમને એમાંથી અનાજ આપવામાં મને જરાયે સંકોચ ન થાય. તમે ખુશીથી જેટલું જોઈએ એટલું અનાજ લઈ જઓ.”
આ સાંભળીને નાયક અને તેના સાથીદારો ખૂબ નવાઈ પામ્યા ! આવા પરોપકારી વૃદ્ધ ખેડૂતને જોઈ જ રહ્યા.

વાર્તા: સમગ્ર વિકાસ અભ્યાસક્ર્મ ભાષાપોથી ભાગ-૪