Sunday, December 12, 2010

સોમદેવનો પસ્તાવો


તરી ગામના મોટા ખેડૂતોમાં ભૂષણ પણ હતો. તેનું ઘર ઘણું મોટું હતું. ચારેય ભાઈઓ સાથે એ જ ઘરમાં રહેતા હતા. રોજ સાંજે પાડોશીઓનાં અને ઘરનાં બાળકો ભેગા થતાં હતાં અને સાથે-સાથે રમતાં હતાં. તેમની રમતથી કોલાહલ મચી જતો હતો.

એક દિવસ સૂર્યાસ્ત પછી જ્યારે અંધારુ છવાઈ રહ્યું હતું ત્યારે ઘરની સામે એક ઘોડા-ગાડી આવીને ઉભી રહી. બાળકોએ આતુરતાથી જોયું કે અંદર કોણ છે? ત્યાં સુધી ગલીના ચબૂતરા પર બેઠેલો ભૂષણ અને તેનો નાનો ભાઈ ઉઠીને ગાડીની પાસે આવ્યા અને ગાડીમાંથી ઉતરતી વૃદ્ધાને પૂછવા લાગ્યા, “તાઈ, કેમ છે? તબીયત તો બરાબર છે ને ?”
તે ડોસીને જોઈને બાળકોના મોઢાં આનંદથી ખીલી ઊઠયાં. બધા બૂમો પાડવા લાગ્યા, “દાદી આવી ગઈ, દાદી આવી ગઈ.” કહેતાં તેણે ડોસીને ઘેરી લીધી.

આ ડોસી ભૂષણની મોટી મા સાવિત્રી જે દૂર ગોકુળમાં રહે છે. તેને ભૂષણના કુટુંબ અને ખાસ કરીને બાળકો પર ખૂબ પ્રેમ છે. તે તેમને વાર્તાઓ સંભળાવે છે, જે સાંભળતાં બાળકો ખાવાનુંય ભૂલી જાય છે.
રાત પડી ગઈ. બધાં બાળકો ભોજન પછી એક જગ્યાએ ભેગાં થયાં. દાદીએ ભૂષણના સહુથી નાના દીકરાને જોતાં પૂછ્યું, “અરે ગોપી, હાથ પર પાટો કેમ બાંધ્યો છે?”

ગોપી જવાબમાં કંઈ કહેવા જતો હતો કે ભૂષણની પત્નીએ વચ્ચે દખલ દેતા કહ્યું, “સાસુજી, આ શાળામાં દરેક નટખટ બાળકો સાથે દોસ્તી કરે છે. કોઈ વાત પર તેઓ અંદરો અંદર ઝગડે છે અને આ ઘાયલ થઈને પાછો આવે છે.”
ત્યારે દાદીએ તેને પોતાની ગોદમાં લીધો અને કહ્યું, “આ પણ તોફાની જ હશે. તોફાની જ બીજા નટખટ છોકરાઓ સાથે દોસ્તી કરે છે. ગોપી ધ્યાનથી સાંભળ. સહુથી ઉત્તમ છે, સજ્જનની સંગતિ, એનો અર્થ છે સારા લોકો સાથે મિત્રતા બાંધવી. હવે હું તમને એવી જ સજ્જનની સંગતિની એક વાર્તા સંભળાવું. ધ્યાનથી સાંભળો.” એમ કહી તે વાર્તા કહેવા લાગી.

ઘણા સમય પહેલાંની વાત છે. રામપુરમાં એક ભૂસ્વામી રહેતા હતા. તે બહુ જ ધાર્મિક અને દયાળુ હતા. શ્રીકાંત નામે તેમને એક દીકરો હતો. તે પિતાની જેમજ સારા સ્વભાવનો હતો. બીજા સાથે તેનો વ્યવહાર પણ ઘણો સારો હતો. લોકો તેના સારા સ્વભાવની પ્રશંસા કરતા હતા.

તે જ ગામમાં રાજીવ નામનો એક ખેડૂત રહેતો હતો. તેના દીકરાનું નામ સોમદેવ હતું. તે તોફાની હતો, પણ તેને અભ્યાસમાં ખૂબ જ રસ હતો. તેથી રાજીવ પોતાના દીકરાને ગામમાં જ રહેતા અધ્યાપક નારાયણ ત્રિવેદીને ત્યાં ભણવા માટે મોકલવા લાગ્યો.

સોમદેવની જ ઉંમરનો શ્રીકાંત પણ ત્યાં ભણવા આવતો હતો. તે સોમદેવ સાથે ખૂબ સભ્યતાથી વર્તતો હતો. તેનો આદર કરતો હતો અને મીઠા સ્વરે તેની સાથે બોલતો હતો પણ સોમદેવનો વ્યવહાર તેનાથી તદ્દન જુદો હતો. તે શ્રીકાંતની પરવા જ નહોતો કરતો. તેની દરેક વાતમાં અભિમાન છલકતું.
થોડા સમયમાં જ બંન્નએ વિદ્યાભ્યાસ પૂરો કર્યો. શ્રીકાંત ઉચ્ચ શિક્ષણ માટે ત્યાંથી બે કોસ દૂર આવેલી જમીનદારની ઉચ્ચ શિક્ષણ આપતી શાળામાં જવા લાગ્યો. રાજીવે શ્રીકાંતના પિતા સાથે વાત કરીને તેના દીકરાને પણ તે જ ગાડીમાં તેની સાથે જ મોકલવાનો બંદોબસ્ત કર્યો.

એક દિવસ સોમદેવે સાથે જ ભણતા જમીનદારના દીકરા રાજા પર પથ્થર ફેંક્યો. તે પથ્થર રાજાના માથા પર વાગ્યો. ઘા પડયો અને તેમાંથી લોહી વહેવા લાગ્યું. આ સમાચાર આખી શાળામાં ફેલાઈ ગયા.
પ્રધાન આચાર્ય વિષ્ણુ શર્માએ વૈદને ખબર મોકલાવી, અને એક ભીના કપડાને ઘા પર મૂકતા પૂછ્યું, “કોણે રાજા પર પથ્થર ફેંક્યો? આવી બદમાશી કોણે કરી?” તેમણે ગુસ્સે થઈને પૂછ્યું.

આ સાંભળતાં જ સોમદેવ કાંપવા લાગ્યો. એટલામાં બે-ત્રણ વિદ્યાર્થીઓએ સોમદેવને તે માટે દોષી ગણાવ્યો.
એ સાંભળતાં જ આશ્ચર્યમાં ડૂબેલા વિષ્ણુશર્માએ કહ્યું, “સોમદેવ અમારા શ્રીકાંતનો મિત્ર છે. ભલા તે આવું કેમ કરે?”
ગુરુનું કહેવું સાંભળીને સોમદેવની આંખમાં આંસુ આવી ગયા. હવે તેને ખબર પડી ગઈ કે તે કેટલો ખરાબ છોકરો છે તે. તેને તેના કાર્ય માટે પસ્તાવો થવા લાગ્યો.

વિષ્ણુશર્માએ સોમદેવની સ્થિતિ જોઈ અને જે છોકરાઓએ તેને દોષી ગણાવ્યો હતો તેમને કહ્યું,”જોયું, હજી તો હું ગુસ્સે પણ નથી થયો, છતાં તમે જોઈ શકો છો કે સોમદેવને કેટલું દુ;ખ થઈ રહ્યું છે? તે બિચારો આવું કામ કરે જ નહિ? હવેથી કોઈ માસૂમ પર દોષ ન લગાવશો.”

બીજી જ ક્ષણે રાજાએ સ્નેહથી સોમદેવ તરફ જોતા કહ્યું, “સોમદેવ, માત્ર શ્રીકાંતનો જ નહીં, પણ મારો પણ મિત્ર છે. તે આવું તોફાન કરનારો નથી.”
તે સાંભળી સોમદેવ અવાચક રહી ગયો, પોતાની જાતને સંભાળતો તે વિષ્ણુ શર્માની પાસે પહોંચ્યો અને માથું ઝુકાવીને કહેવા લાગ્યો, “ગુરુજી, રાજા પર મેં જ પથ્થર ફેંક્યો હતો. કેમકે રાજા અને શ્રીકાંત સારા છોકરાઓ છે, તેથી તેઓ મને નિર્દોષ કહે છે. પણ મને તમે સજા કરો.”
સોમના પશ્ચાતાપને જોતાં વિષ્ણુ શર્મા કંઈ કહેવા જતા હતા કે એટલામાં રાજા અને શ્રીકાંતે કહ્યું, “ગુરુજી, અમને ખબર છે કે સોમદેવે જ પથ્થર ફેંક્યો હતો, પણ અમે જોયું કે તેને તેની ભૂલ માટે પશ્ચાતાપ થઈ રહ્યો છે, તેથી અમે તેને નિર્દોષ કહ્યો. મહેરબાની કરીને તેને સજા ન કરશો.”
વિષ્ણુશર્માએ બંન્નેનો ઉદાર સ્વભાવ જોઈ કહ્યું, “જો, સોમ, હવે તને સજ્જનની સંગત મળી ચૂકી છે. ખરેખર ભાગ્યશાળી છે.”
દાદીએ વાર્તા પૂરી કરતા કહ્યું, “બાળકો, તમનેય હવે ખબર પડી ગઈ ને કે સજ્જનની મિત્રતા કેટલી મહત્વપૂર્ણ હોય છે?”
બાળકોએ ખુશ થતાં કહ્યું, “હાં, હાં, અમે બરાબર સમજી ગયા. હવેથી અમે પણ સારા લોકોની સાથે જ દોસ્તી કરીશું.”

સૌજન્ય : ચાંદામામા (ઓગસ્ટ – ’૧૦)