Sunday, December 12, 2010

ગુણવત્તા એ જ લક્ષ

તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવેલા ગુણોત્સવ કાર્યક્રમનો બીજો તબક્કો સંપન્ન થયો. ગુણોત્સવનો હેતુ રાજયની શાળાઓમાં શિક્ષણની ગુણવત્તામાં સુધારો લાવવાનો છે. રાજ્યના મંત્રીમંડળના સભ્યશ્રીઓ, સનદી અધિકારીશ્રીઓ સહીત લગભગ 3000 જેટલા અધિકારીશ્રીઓ અને પદાધિકારીશ્રીઓ દ્વારા 8850 જેટલી શાળાઓનું ત્રણ દિવસમાં મૂલ્યાંકન હાથ ધરવામાં આવ્યું હતું. રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રીએ પણ પ્રત્યક્ષ શાળાઓમાં જઈ વિધાર્થીઓના શિક્ષણનું સ્તર ચકાસ્યું હતું.

રાજ્યમાં 32994 જેટલી સરકારી પ્રાથમિક શાળાઓ આવેલી છે જેમાં 1.21 લાખ જેટલા વિધાસહાયકોની ભરતી કરવામાં આવી છે. શાળાઓમાં નવા વર્ગખંડોના બાંધકામો થયાં છે. સેનિટેશન અને સ્વચ્છતા સંકુલો બન્યાં છે. પ્રયોગશાળા, વિજળીકરણ, કોમ્પ્યૂટરલેબ પ્રાર્થનાકક્ષ, શિક્ષણનાં સાધનો, શાળાબાગ, કંપાઉન્ડ વોલ સહીત અનેક ભૌતિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આમ આજે પ્રાથમિક શળાઓની ભૌતિક સ્થિતિ ઘણી સારી જોવા મળે છે. વિધાર્થીઓને પણ જુદીજુદી યોજનાઓ હેઠળ અનેક લાભ મળતા થયા છે.

જ્યારે સુવિધાઓ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ હોય ત્યારે ગુણવત્તા એ જ લક્ષ હોય તે સ્વાભાવિક છે. ગુણોત્સવના કાર્યક્રમથી શિક્ષણની ગુણવત્તા અંગે શિક્ષકો અને લોકોમાં જાગૃતિ આવે છે. શૈક્ષણિક પ્રવૃત્તિઓ અને ભૌતિક સુવિધાઓના ઉપયોગનું મૂલ્યાંકન થાય છે. વિધાર્થીઓની લેખન, વાંચન અને ગાણિતિક આવડતનું પણ મૂલ્યાંકન કરવામાં આવે છે. તારીખ 9, 10 અને 11 ડિસેમ્બર દરમિયાન ગુણોત્સવ કાર્યક્રમ અંતર્ગત કેટલીક શાળાઓની મુલાકાત લેવાનું થયું હતું.

ગુણોત્સવ કાર્યક્રમ વખતે શાળાની મુલાકાત વિશેષ પ્રકારની મુલાકાત બની રહે છે. સામાન્ય રીતે શાળાની મુલાકાત 2 કે 3 કલાક પૂરતી હોય છે પરંતુ ગુણોત્સવ કાર્યક્રમ વખતે લેવાતી શાળાની મુલાકાત એ લાંબા સમય સુધી યાદગાર બની રહે છે કારણકે આ મુલાકાત દરમિયાન સાંજ સુધી શાળામાં રોકાવવાની તક મળે છે પરિણામે શાળાના બાળકો સાથે લાગણીભર્યાં દ્રશ્યો સર્જાય છે અને બાળકો સાથે ખૂબજ ઓતપ્રોત થઇ જવાય છે જે બાળકો માટે આ બહુજ મોટી ઘટના હોય છે. બાળકોને મુલાકાતી સાથે અને મુલાકાતીને બાળકો સાથે તાદાત્મ્ય કેળવવાની તક મળે છે જેથી આપણને એક નવી ઉર્જા મળે છે, નવી તાકાત મળે છે અને મીઠી વૃત્તિ કેળવાય છે. આ મુલાકાત વખતે શ્રી જ્યોતિબહેન થાનકી (જાણીતા લેખીકા અને શિક્ષણવિદ્દ્) પણ સાથે હતાં. જ્યોતિબહેને બાળકોને સ્વામી વિવેકાનંદના જીવન પ્રસંગો ઉપર આધારિત એક સુંદર વાર્તા ‘ઘેટું અને સિંહ’ કહી હતી. આજ વાર્તાને શાળાના બાળકોએ એજ દિવસે નાટક સ્વરુપે ખૂબજ સરસ રીતે ભજવી બતાવી પોતાની કુશળતાનો પરિચય કરાવ્યો હતો. બાળકોનો આ પ્રયાસ ખૂબજ પ્રભાવિત કરી ગયો હતો. શાળાના આચાર્યા શ્રી હર્ષિદાબહેને આ માટે સારી પ્રેરણા પૂરી પાડી હતી. ગુણોત્સવ કાર્યક્રમ વખતે ગત વર્ષે જે શાળાની મુલાકાત લીધી હતી તે શાળાની એક વર્ષ બાદ મુલાકાત લેતાં શાળાની ગત વર્ષની ઓળખ પુન: જીવંત બની હતી. શાળાના બધાજ વિધાર્થીઓ મને ઓળખી ગયા અને મારી સાથે વાતો કરવા લાગ્યા હતા. વિધાર્થીઓ વડે આ પ્રકારનો આવકાર મળવાથી આનંદ અને પ્રકાશની અનુભૂતિ થાય છે અને મને પણ પ્રેરણા મળે છે. શિક્ષકોને બિરદાવવાની તક મળે છે.

શાળાની મુલાકાત દરમિયાન પ્રાર્થના કાર્યક્રમમાં બાળકો સુંદર રીતે પ્રાર્થના કરતા જોવા મળ્યા હતા. કેટલાંક બાળકો ઝડપથી વાંચી શકતા હતા તો કેટલાંક વાંચનમાં ધીમા હતા. કેટલાંક બાળકો લેખન અને ગણનમાં પણ હોંશિયાર જણાતા હતા તો કેટલાંક નબળા પણ હતાં. એક બાબત ચોક્કસ છે કે જો સરકારી શાળાઓમાં ભણતા બાળકોને વધારે સારી રીતે ધ્યાનથી ભણાવી એતો આ બાળકો ચોક્કસ સારો દેખાવ કરી શકે તેમ છે. ગુણોત્સવ કાર્યક્રમથી શિક્ષકોમાં પણ જાગૃતિ વધી છે. વાલીશ્રીઓ પણ જાગૃત બન્યા છે. શાળાએ ગામનું ઘડતર કરતી સંસ્થા માત્ર નથી પરંતુ શાળાએ રાષ્ટ્રના ભાવિ ઘડવૈયાઓનું ઘડતર કરતી મહત્વની સંસ્થા છે. નાનકડા ગામની શાળામાં ભણેલો વિધાર્થી વૈજ્ઞાનિક પણ બની શકે છે અને મુખ્યમંત્રી કે વડાપ્રધાન પણ બની શકે છે. પરંતુ આ માટે સુવિધાઓ અને યોગ્ય વાતાવરણ બાળકોને પુરું પાડવાની ખાસ જરુર છે.

પ્રત્યેક બાળક મહત્ત્વનું છે અને પ્રત્યેક બાળક શક્તિશાળી છે. પ્રત્યેક બાળકમાં કૌશલ્યો રહેલાં છે. પ્રત્યેક બાળકમાં આંતરસૂજ રહેલી છે. શિક્ષકનું કાર્ય વિધાર્થીની આંતરસૂઝ જગાડવાનું છે. કોઇ વિધાર્થીને નબળા રહેવું ગમતું નથી તેમ પ્રત્યેક શિક્ષકને પોતાનો કોઇ વિધાર્થી નબળો રહે તે ગમવું ન જોઇએ. નબળા બાળકો શિક્ષણથી વિમુખ ન થાય તે માટે દરેક શાળાએ અલગ પદ્ધતિથી શિક્ષણકાર્ય કરાવી નબળા બાળકોને હોશિયાર બાળકોની હરોળમાં લાવવા પ્રયત્નો કરવા જોઇએ. આ પ્રકારના પ્રયાસો કરવાથી શિક્ષણમાં ગુણવત્તા એ જ લક્ષ સિદ્ધ થશે. આશા રાખીએ કે આપણું રાજ્ય આ લક્ષ પણ ખુબ જલદી હાંસલ કરે.

શ્રીમતી જયંતી રવિ