
ચૈત્રના આ દિવસો.....
બપોરની સ્તબ્ધતા પર રોજ-રોજ કાબરો કલબલનું ભરતકામ કરતી રહે છે. સૂર-લય-તાલ કશું નહીં; છતાં કલબલનું સંગીત પણ માણવા જેવું! કાબર મોજીલું પંખી છે. ભલે એને ટહુકો કરતા ન આવડતું હોય; પણ બોલે છે તો મીઠા વેણ જ! કોઈ એને ‘કજિયાળી’ કહે છે પણ હું તો એને મીઠું પંખી કહું છું.
કાબરનો રંગ સાવ સામાન્ય. પીંછાય અનાકર્ષક. ચાંચ પીળી ને પગ પણ એવા જ પીળાશ પડતા. આંખો પપૈયાના બી જેવી. આ બધી સામાન્ય બાબતોમાં વિશેષ એનું ઓળેલું માથું! પોતાની બાબરી કયારેય બગડવા ન દે, કાબર સવારે કુંડામાં ન્હાતી વેળાએ પોતાના માથાની વિશેષ કાળજી લ્યે! બે-ચાર વખત કુંડા પર બેસે, ચાંચ બોળીને પાણી કેવું છે? – એની તપાસ કરીને પછી જ ન્હાવા પડે.
ન્હાઈને કોઈ ઊંચી ડાળે બેસીને શરીર સૂકવે. પાંખો ખોલીને ચાંચ વડે પીંછાની સફાઈ પણ કરે. માથું સૂકવવા એ સૂર્યનારાયણ તરફ શિર ઝુકાવીને થોડીવાર બેસી રહે : જાણે સૂર્યનમસ્કાર ન કરતી હોય!
બસ, થઈ ગયા કાબરબાઈ તૈયાર!
હવે ઉડવાનું, કલબલવાનું ને ચણ શોધવા ફરવાનું! કેવી સરસ જિન્દગી! કાબરની ચાલ મને બહુ ગમે છે. એ મદમાતી ચાલે, ચાલે ત્યારે એનો ઠસ્સો જોવા જેવો હોય છે. આંખોમાં અન્ય પંખીઓ જેટલું વિસ્મય નથી હોતું ને ડર પણ ઓછો. ચણવા માટે આંગણમાં ઊતરે ત્યારે એકલા ખાવું એને ન પોસાય. એકલી હોય તો તરત કલબલ કરીને બીજી સખીઓને બોલવી લ્યે! પછી સહુ સાથે મળીને જ ચણે! ચણતાં-ચણતાં ય ચૂપ રહી તો કાબર શાની? એનું ગળું કૈંક અવાજો રેલાવ્યા જ કરે. બોલતાં-બોલતાં કૂદવાનોય એને ભારે શોખ! થોડું ચણી લીધા પછી મોજ પડે તો શરીર ફુલાવીને, ડોક નમાવતાં-નમાવતાં એ મુક્ત રીતે આનંદ વ્યક્ત કરે! એનો આ રાજીપો હુંય રાજી થઈને માણું છું....
ઘડીભર ભૂલી જાઉં છું કે હું માણસ છું ! થાય છે કે હું ય કાબર છું ! કાબર ‘સંગમાં રાજી-રાજી’ રહેનારું પંખી છે. ભાગ્યે જ એ એકલી જોવા મળે. બે-ચાર કે છ-સાતના ટોળામાં રહેવાનું એને વધારે ગમે છે. વાચાળ હોવાથી એકલું એને ક્યાંથી ગોઠે! માળો બનાવવા માટે ય નર-માદાની જોડી સહિયારો શ્રમ કરે!
ચૈત્રના દિવસોમાં લીમડા પર ઝૂલવાનું એને ખૂબ ગમે છે. ઉનાળાની કાળઝાળ બપોરે બધું ખામોશ થઈ જાય ત્યારે કાબરબાઈ તો મુક્તકંઠે મહેફિલ જમાવે છે. અનિયંત્રિત અવાજો કાઢવાની એની વિશેષતા ગમે પણ ખરી. ક્યારેક કોયલની જેમ ‘કુહૂ’ એમ ટહુકી લે તો બિલાડીના બચ્ચાનીં જેમ ‘મ્યાઉં’ પણ કરી લે! લીમડાની ઘટામાં એ બેસે પણ એવી રીતે કે પહેલી નજરે જોનારને તો એના દર્શન પણ ન થાય! જો કે ઝાઝીવાર છુપાઈ રહેવું કાબરને પાલવે નહીં. તરત જ એ નીચી ઊતરે. પાણીના કુંડા પર બેસીને થોડું પાણી પીએ ને પછી કુંડામાં જોયા કરે. જાણે પાણીમાં ધ્યાનપૂર્વક પોતાનું પ્રતિબિમ્બ ન જોતી હોય! પોતાની બાબરી તો બરોબર છે ને? – એમ એ પાણીનું દર્પણ જોયા કરે.
ચોમાસું આવતાં કાબર ગામમાંથી વિદાય લઈ લે. પછી તો એ સીમમાં જ ધામા નાખે. ગામમાં તો શિયાળો-ઉનાળો જ વધુ રહે. જો કે, શહેરોની કાબરો તો હવે બારેમાસ હોટલોની આસપાસ ગાંઠિયા-જલેબીના ભૂક્કાની જ્યાફત ઉડાવતી જોવા મળે છે! એટલું જ નહીં; ચાની લારી, બાગ-બગીચા, તળાવની પાળ, સિનેમાગૃહ, રેલવે સ્ટેશન વગેરે સ્થળોએ પણ કાબરના દર્શન થઈ જ જાય! શહેરમાંય લગભગ સર્વત્ર કાબર દેખાય. અન્ન-જળ મળે એટલે એ રાજી! ને ત્યાં જ એનો મુકામ! શહેરની ભીડમાં પણ એ કલબલાટ કરવામાં જરાય સંકોચ ન અનુભવે! એન્ટેના હોય, ઈલેકિટ્રકના તાર હોય કે લીમડો હોય – બધું એને મન સરખું ! આનંદમાં રહો, સાથે મળીને રહો- એ જ એનો જીવનમંત્ર!
લેખક : કિરીટ ગોસ્વામી