Monday, December 27, 2010

ધ્યેય પ્રાપ્તિનો માર્ગ

બાળકો,
તમે મહર્ષિ પાણિનિનું નામ સાંભળ્યું છે? તેઓએ સંસ્કૃતના વ્યાકરણનો મહાન ગ્રંથ-અષ્ટાધ્યાયી રચ્યો. સમગ્ર વ્યાકરણને તેમણે સૂત્રબદ્ધ કર્યું. બે ચાર શબ્દોના નાનાં નાનાં સૂત્રોમાં વ્યાકરણના અટપટા નિયમોને તેમણે સમાવી લીધા. સંસ્કૃત ભાષાનું સમગ્ર વ્યાકરણ તેમણે આ નાની પુસ્તિકામાં સમાવી લીધું છે. તેમની કેવી પ્રભર બુદ્ધિપ્રતિભા હશે !

પરંતુ તમને એ જાણીને આશ્ચર્ય થશે કે સંસ્કૃતના આવા પ્રકાંડ પંડિતની બાળપણમાં સામાન્ય વિદ્યાર્થી જેટલી પણ બુદ્ધિ નહોતી. વર્ગમાં ગુરુજી જે ભણાવતા, તેમાંનું કશું પણ તેના મગજમાં ઉતરતું નહીં. તેથી બધા સહાધ્યાયીઓ ‘મૂર્ખનો સરદાર’ કહીને તેની મશ્કરી કરતા રહેતા. તેણે પણ એ સ્વીકારી જ લીધું હતું. એટલે વર્ગમાં પણ તે સહુથી છેલ્લે બેસતો અને બધાના મોઢાં જોયા કરતો. તેના સહાધ્યાયીઓની મશ્કરીઓથી તેને દુ:ખ તો બહુ જ થતું હતું, પણ તે કરે પણ શું ? તેને કંઈ સમજાતું જ નહોતું, મગજમાં કંઈ ઊતરતું જ નહોતું એટલે પછી તેણે પોતાની આ સ્થિતિ સ્વીકારી લીધી અને ઘણીવાર મનોમન કહ્યા કરતો, “ખબર નથી કે ભાગ્યદેવતાને ક્યારે મારા ઉપર દયા આવશે?” તેના મનની આવી સ્થિતિ હોવા છતાં તે દરરોજ બરાબર યોગ્ય સમયે વિદ્યાલય પહોંચી જતો.

એક દિવસ ગુરુજીએ વર્ગમાં તેને પૂછ્યું, તે તો ગુરુજીના મોઢા સામે જોતો જ રહ્યો. પ્રશ્ન જ સમજાતો ન હોય ત્યાં ઉત્તરની તો વાત જ શી કરવી? ગુરુજીને આ મૂર્ખ બાળકની આવી મૂઢમતિ પર ગુસ્સો તો હતો જ. પણ આજે એ બહાર ભભૂકી ઊઠ્યો. એમણે હાથમાં સોટી લીધી અને પાણિનિને કહ્યું, “મુઠ્ઠી ખોલી નાંખ ને હથેળી મારી સામે ધર.” પાણિનિ ધ્રૂજી ઊઠ્યો. ડરથી ફફડતાં તેણે મુઠ્ઠી ખોલીને હથેળી ગુરુજીની સામે ધરી! હથેળી ઉપર ઉગામેલી સોટી મારવા જતા હતા, ત્યાં તેમની નજર હથેળી પર પડી અને તેઓ ચોંકી ગયા અને તેમના હાથમાંની સોટી અધ્ધર જ રહી ગઈ. તેઓ સ્તબ્ધ બની ઊભા જ રહી ગયા. પાણિનિ એકદમ ચોંકી ગયો કે ગુરુજી કેમ સોટી મારતા નથી. એક લાંબો નિ:શ્વાસ નાંખીને ગુરુજીએ સોટી પાછી મૂકી દેતાં કહ્યું, “જા બેટા, તારી જગ્યાએ જઈને બેસી જા.”
બાળક આંખો ફાડી ફાડીને જોઈ રહ્યો ને પછી પૂછ્યું, “ગુરુજી શું થયું?”

“અરે, તને ભલા વિદ્યા કેવી રીતે આવડે? તારા હાથમાં વિદ્યાની રેખા જ નથી !”

ગુરુજીના આ શબ્દોએ જાણે બાળકના હૃદય પર વજ્રાઘાત કર્યો કે ‘વિદ્યાની રેખા જ નથી.’ બાળક લાકડા જેવો જડ બની ગયો. ગુરુજીએ તેને બોલાવ્યો. ત્યારે બાળક અચાનક બોલી ઊઠ્યો, “ગુરુજી, તમારો હાથ બતાવો ને? વિદ્યાની રેખા ક્યાં હોય છે? એ તો બતાવો.”

ગુરુજી હવે આ બાળકને વધારે નિરાશ કરવા માગતા નહોતા. એટલે તેમણે પોતાની હથેળી ખુલ્લી કરી તેમાંથી વિદ્યાની રેખા તેને બતાવી.

બસ એ ક્ષણે બાળકના હૃદયને હચમચાવી દીધું. હવે તેની ભૂખ-તરસ ઊડી ગયાં. ઉંઘ ચાલી ગઈ. રાત્રિના અંધકારમાં જ્યારે બધાં સૂતાં હતાં ત્યારે આ નાનકડા હૃદયમાં ઉલ્કાપાત મચી રહ્યો હતો. તે ઘરમાંથી બહાર નીકળી ગયો. કૂવા પાસે પડેલા એક ધારદાર પથ્થરથી પોતાના નાજુક હાથ પર એક રેખા કંડારી દીધી. એ હતી વિદ્યાની રેખા. તેની હથેળી લોહીથી લાલ બની ગઈ. હાથમાં ભારે પીડા થતી હતી છતાં તે અપાર આનંદ અનુભવતો હતો કેમકે તે હવે વિચારતો હતો કે, “ઓહ, હવે તો મારા હાથમાં વિદ્યાની રેખા દોરાઈ ગઈ. હવે મને બધું જ આવડવા લાગશે. હું પણ હવે બીજાની જેમ ખૂબ સરસ રીતે ભણી શકીશ.” તીવ્ર પીડાને લઈને તેની આંખોમાંથી આંસુ વહેતાં હતાં, પણ હૃદયમાંથી તો વહેતું હતું આત્મ સંતોષનું અમૃત.

બીજા દિવસે વહેલી સવારે તે વહેલો વહેલો શાળાએ આવી ગયો. ગુરુજી વર્ગમાં હજુ તો પ્રવેશ કરે તે પહેલાં જ તે દોડતો તેમની પાસે પહોંચી ગયો. પોતાનો સૂઝેલો લાલ હાથ દેખાડતાં બોલી ઊઠ્યો, “ગુરુજી, જુઓ મેં મારી હથેળીમાં વિદ્યાની રેખા દોરી લીધી છે. હવે તો વિદ્યા મેળવવામાં મને કોઈ રોકી શકશે નહીં.”

લોહીથી ખરડાયેલી તેની હથેળી જોઈને ગુરુજી ભાવવિહ્વળ બની ગયા અને તેને છાતી સરસો ચાંપીને ગદ્દગદ્દિત અવાજે કહ્યું, “અરે બેટા, આ તેં શું કરી નાંખ્યું? હા, પરંતુ હવે ખરેખર વિદ્યા પ્રાપ્ત કરવામાં તને કોઈ રોકી શકશે નહીં. જા બેટા, આજે તેં મારા હૃદયમાં સ્થાન મેળવી લીધું છે. આથી હવે તો મારી એ ફરજ બને છે કે તારી અંદર જાગેલી અભ્યાસની આ જ્વાળાને ભભૂકતા અગ્નિમાં પરિવર્તિત કરી દઉં.”

ધીમે ધીમે પાણિનિની હથેળીમાં રુઝ આવવા માંડી. થોડા દિવસો સુધી ત્યાં સફેદ રેખા દેખાતી રહી પણ પછી સમય જતાં એય અદ્રશ્ય થઈ ગઈ અને તેનો હાથ પહેલાં જેવો જ થઈ ગયો. પરંતુ એના હૃદયમાં દ્રઢ સંકલ્પની જે રેખા કોતરાઈ ગઈ હતી તે તો સમય જતાં વધુ ને વધુ ઊંડી બનતી ગઈ. જ્યાં સુધી તે પોતાનો પાઠ બરાબર ન સમજી લે, ત્યાં સુધી ખાવું-પીવું-ઊંઘવું બધું જ બંધ થઈ જતું. એના આવા પ્રયત્ન અને ખંતને લઈને એક વખતનો ‘મૂર્ખનો સરદાર’ સંસ્કૃત ભાષાનો મહાન વ્યાકરણશાસ્ત્રી બની ગયો.

પાણિનિનું જીવન આપણને એ સંદેશ આપે છે કે સામાન્યમાં સામાન્ય વિદ્યાર્થી કે જેને બધા મૂર્ખ માને તેવો મૂઢ વિધાર્થી, પણ જો સંકલ્પ કરે અને તેને પાર પાડવાનો અવિરત પુરુષાર્થ કરે તો મૂર્ખ મહાવિદ્વાન બની શકે છે. મનુષ્ય જે ધારે અને ઈચ્છે તે બની શકે છે, તે મેળવી શકે છે, પણ જરૂર છે માત્ર અડગ સંકલ્પ અને નિષ્ઠાપૂર્વકના પ્રયત્નોની. આ સંદર્ભમાં સ્વામી વિવેકાનંદ કહે છે, “વિજય મેળવવા માટે તમારામાં અદ્દભુત ખંત તથા પ્રબળ ઈચ્છાશક્તિ જોઈએ. ખંતીલી વ્યક્તિ તો કહેશે કે હું સમુદ્રને પણ પી જઈશ, મારી ઈચ્છા થાય તો પર્વતો પણ ભાંગીને ભૂક્કો થઈ જાય. આ જાતનો ઉત્સાહ, આ જાતની ઈચ્છાશક્તિ ધારણ કરો. ખૂબ મહેનત કરો અને તમે લક્ષ્યસ્થાને જરૂર પહોંચશો.”

તો બાળકો,

જીવનને ઉત્તમ અને મહાન બનાવવા તમારી અંદર સુષુપ્ત રહેલી શક્તિઓને પ્રગટ કરી તેમને વિકસાવવા માટે દ્રઢ સંકલ્પ કરી પ્રયત્નમાં લાગી જાઓ તો તમે પણ પાણિનિની જેમ તમારા ક્ષેત્રમાં અદ્રિતીય બનશો.

જ્યંતી રવિ