
ધુલપ્પા ગૌડાને ત્યાં ઈ.સ. ૧૭૭૮માં એક પુત્રી રત્નનો જન્મ થયો. બેલગામ જિલ્લાનું કકટી ગામ. પિતા ધુલપ્પાગૌડા ત્યાંના જાગીરદાર હતા. દીકરીનું નામ રાખ્યું હતું ચેન્નમ્મા. તેના લગ્ન કિત્તુરના રાજા મલ્લસર્જ સાથે થયાં હતાં અને તે કિત્તુરની મહારાણી બની. અંગ્રેજ સામ્રાજયવાદ સામે ઝઝૂમનારી તે પહેલી વીરાંગના હતી. મલ્લસર્જ પણ દેશભકત અને લોકપ્રિય શાસક હતો. અંગ્રેજોને મજબૂત થતા રોકવા માટે દક્ષિણ ભારતના જાગીરદારો અને નાનાં રજવાડાંનો સંઘ બનાવવા મથી રહ્યો હતો. કકટી તરફ જતાં એક વાઘની ત્રાડ સાંભળી. મલ્લસર્જે શિકાર કર્યો પણ વીસ વરસની રૂપવતી યુવતીએ દાવો કર્યો કે વાઘ તેના તીરથી મર્યો છે. વાઘના શરીરમાં બે તીર ખૂંપેલા હતાં. મલ્લસર્જ યુવતીની બહાદુરી ઉપર વારી ગયો. તેના પિતાને સંગઠનમાં જોડાવા મલ્લસર્જે કહેણ મોકલ્યું અને સાથે સાથે ચેન્નમ્માનો હાથ પણ માગ્યો.
ચેન્નમા શિક્ષિત હતી, રાજકાજમાં કુશળ હતી, વીર હતી. તેણે મલ્લસર્જ સાથે દરબારમાં જવાનું શરૂ કર્યું અને રાજયનો વહીવટ સુધાર્યો. પ્રજા સાથે સીધો સંવાદ સાધ્યો, લોક કલ્યાણનાં ઘણાં કામ કર્યાં તે સમય દરમ્યાન કિત્તુર અંગ્રેજોની ભૂમિલાલસાનો ભોગ બન્યું. ઈસ્ટ ઈન્ડિયા કંપનીની ખાલસા નીતિએ અનેક રાજયોને ખંડિયાં કરી દીધાં હતાં. પણ તેમાંય તેમની ભેદભાવભરી નીતિ હતી. ૧૮૨૫ થી ૧૮૪૮માં કોટા અને વોરછાના દત્તક પુત્રોનો સ્વીકાર કર્યો પણ ઈ.સ. ૧૮૪૮માં સતારા અને ૧૮૫૩માં નાગપુરના દત્તકોનો અકારણ અસ્વીકાર કર્યો. કિત્તુર ખાલસા નીતિનો પહેલો ભોગ બન્યું.
મલ્લસર્જ સફળ રાજા હતો. પેશ્વા સરકરોનો તેને આશરો હતો. પણ ઈ.સ. ૧૮૧૬માં તેનું મૃત્યુ થયું. તેના પુત્ર શિવલિંગરુદ્રે ગાદી સંભાળી. તે રૂદ્રમ્માનો પુત્ર હતો અને ચેન્નમ્માને પ્રિય હતો. તે ચેન્નમ્માના માર્ગદર્શન નીચે રાજય ચલાવતો હતો અને ચેન્નમ્માનો પ્રિય હતો. તે ઈ.સ. ૧૮૧૮માં પેશ્વાઓની હાર થઈ અને અંગ્રેજોએ બાજીરાવ બીજાને બિઠુર ધકેલી દીધો. કિત્તુરનું રક્ષા કવચ તૂટી ગયું. અંગ્રેજોની દાનત બગડી. કિત્તુર ખંડિયું રાજ્ય બન્યું. ચેન્નમ્મા યોગ્ય સમયની રાહ જોતી હતી. વરસના અંતે તેણે ખંડણી મોકલી નહિ. શિવલિંગરુદ્ર બિમારીમાં મૃત્યુ પામ્યા. તે પહેલાં શિવલિંગપ્પાને દત્તક લેવા વિધિ કરી. કમિશ્નર ચેપ્લીન અને રેસિડેંટ થેકરે ધૂર્ત હતા. તેમણે દત્તક વિધાન બનાવટી કહી નામંજૂર કર્યું. ૧૮ ઓક્ટોબર ૧૮૨૪માં સ્ટિવન્સ અને ઈલિયાસ નામના બે અધિકારીઓને કિત્તુરની રાણી માટે દંડ નક્કી કરી સહી સિક્કા કરાવવા મોકલ્યા. સરદાર ગુરુસિધપ્પાએ સૈનિકોને ભગાડ્યા. બેઉ જણ પકડાયા. કિલ્લા સામે તોપો મંડાઈ. પણ ચેન્નમ્માએ અચાનક દરવાજા ખોલી વીજળી વેગે હુમલો કર્યો. તોપો કબજે કરી. તોપખાનાના વડા અધિકારીઓ મરાયા. સેનાપતિ સ્વેલ, કલેકટર તથા પોલિટિકલ એજન્ટ થેકરે પણ મરાયા. આ લડાઈમાં પકડાયેલાં અંગ્રેજ સ્ત્રી-બાળકોને આદરપૂર્વક ચેન્નમ્માએ પાછાં મોકલ્યાં.
કમિશ્નર ચેપલીને ચારેબાજુથી મદદ મંગાવી. પચ્ચીસ હજાર સૈનિકો સાથે કિત્તુર ઉપર હુમલો કર્યો. કિત્તુરને ઘેરી લેવામાં આવ્યું. પણ સફળતા ન મળી. કમિશરે સ્ટિવન્સ અને ઈલિયાસને છોડવાની શરતે શાંતિકરારની દરખાસ્ત કરી. બીજી ડિસેમ્બરે બંનેને મુક્ત કર્યા પછી એ ફરી ગયો. પણ કિત્તુર જીતાયું નહિ. તેમણે બે સરદારોને ફોડ્યા. તેઓએ દારુગોળામાં પાણી નાખ્યું. ખરે વખતે તોપો ફૂટી નહિ. દગાખોર વીરસંગપ્પા અને હુરકડવી મલપ્પાને જેર કર્યા પણ કિલ્લો બચ્યો નહિ. યુધ્ધમાં મોટા ભાગના સૈનિકો વીરગતિ પામ્યા. પચ્ચીસ હજારના સૈન્યની સામે માત્ર ૭૦૦૦ વીરોએ સાત દિવસ ઝીંક ઝીલી સેંકડો અંગ્રેજોને સ્વધામ પહોંચાડ્યા હતા.
૯મી. ડિસેમ્બરે કિત્તુર અંગ્રેજોના હાથમાં પડ્યું. ચેન્નમ્મા ભાગ્યાં પણ પકડાઈ ગયાં. ૨૧ ફેબ્રુઆરી, ૧૮૨૯ ના દિવસે બેંગહોંગલ કિલ્લામાં રાજકીય કેદી તરીકે મૃત્યુ પામ્યાં. તેમના મૃત્યુ પછી પણ શિવલિંગપ્પાએ (દત્તકપુત્ર) લડાઈ ચાલુ રાખેલી, ૧૮૫૭ ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં પણ તેણી વીરતા દાખવી હતી.
સંકલન: અનંત શુક્લ