
એ વાતને વરસોના વહાણા વહી ગયાં.
ભલે વરસો વહી ગયાં.
પરંતુ એ પ્રસંગ આજે પણ જે કોઈ જાણે છે તે એમના હૈયામાં એવો ને એવો છે. તાજગીસભર છે.
યાદગાર છે એનું કારણ છે: એમાં ઉત્તમ બલિદાન હતું.
નિ:સ્વાર્થ વૃત્તિ વરસી રહી હતી.
વ્યક્તિનો જીવ બચાવવાનો હતો.
જીવતદાન આપવાનું હતું.
અને એમ કરતાં પછી ભલે સ્વજીવ બચે યા ના બચે.
સ્વપ્રાણ જાય તો ભલે જાય.
પરંતુ અન્યનો જીવ બચાવવાની ઉત્કટ ઝંખના પ્રબળ રીતે પ્રગટ થઈ હતી.
ભાદરવો મહિનો. ઓતરા-ચીતરાના દિવસો. આકાશમાંથી સૂરજ એકલી અગન વરસાવી રહ્યો હતો.
લક્ષ્મીદાસ ઉર્ફે ઢેબરભાઈ. મલક આખું એમને ‘ઢેબરભાઈ’થી ઓળખે. એ નામ લોકજીભે ચઢી ગયેલું.
એમનું ખેતર. નામ એનું ઈસાવારી. બાજરીનો મોલ એ ખેતરમાં લહેરાઈ રહ્યો છે. ડૂડેડૂંડા ભરચક દાણાને કારણે આંખમાં વળગે તેવાં છે. પણ મૂળ તો ઢેબરભાઈનો એમાં ખંત, સતત મહેનત અને જાગૃતિ હતી.
હવે પાક લેવાની તૈયારીઓ થઈ રહી છે.
ખેતરમાં દાઢિયા-ખેતમજૂરો કામે વળગ્યા છે.
એ દિવસે બપોરનો સમય થયો. સૂરજ માથા પર આવ્યો. ‘રોટલા ખાઈ લેવાનો સમય.’
ને બધા આંબાના ઝાડ નીચે બેઠા. એમાં ક્યાંક કોયલ ટહૂકા કરતી અને મન ભરી દેતી.
રોટલા ખાધા-ખવડાવ્યા પહેલાં તો પાણીની વ્યવસ્થા ઢેબરભાઈ જાતે કરતા.
ખેતરની બાજુમાં જ કૂવો. નામ એનું ઝંડવાળો કૂવો. ઢેબરભાઈ ત્યાં જાય અને પાણી ભરી આવે.
ઊપડ્યા તેઓ એ ઝંડવાળા કૂવે. ખભે દોરડું નાખ્યું. હાથમાં લીધો દેગડો. ઉંમર કંઈ ખાસ નહિ. જવાનજોધ દેહ. તરવરાટ ભારે.
કૂવે પહોંચતા જ દેગડાને દોરડા સાથે બાંધ્યો, ને દેગડો કૂવામાં જવા દીધો. જેવો દેગડો પાણીને પસવાર્યો ને તરત જ કંઈક ચમત્કાર જેવું થયું!
કૂવામાં કોઈ માણસ પડેલો. દોરડું પકડ્યું. ઢેબરભાઈ પામી ગયા ‘કોક માણસ અંદર છે.’ નજર નાખી. બૂમ પાડી. ‘એ તો હું મુગટ ગોર.’ અંદરથી શબ્દો સંભળાયા.
કૂવામાં એ શબ્દો પડઘાયા કર્યા. ઢેબરભાઈએ નજર કૂવામાં કરી. જાણે કે ખાસ તળિયે. અવાજ અને પછી ચહેરો. - બસ પરખાઈ ગયો. આ તો મુગટલાલ ગોર.
ચાર આંખો એક બની.
બંનેએ એકબીજાને ઓળખ્યા.
ઢેબરભાઈને નવાઈ લાગી. અચંબો અનુભવ્યો.
‘ગોરજી કૂવામાં કેમ પડ્યા હશે? એમને માથે એવું શું આભ ફાટ્યું હશે?’ જેવા પ્રશ્નો ફૂટી નીકળ્યા.
પરંતુ એ અંગે વધુ વિચાર કરવાનો સમય ક્યાં હતો?
‘ચિંતા ના કરો ગોરજી. તમતમારે હવે દેગડાપર બેસી જાઓ. હું તમને બહાર કાઢું છું અબઘડી.’ ઢેબરભાઈના એ શબ્દોએ મુગટલાલને શ્રદ્ધા બક્ષી. આશા બંધાઈ જીવવાની, શ્રદ્ધાનું બીજ રોપાયું અંતરના ઊંડાણમાં. મનોમન ઈશ્વરનો આભાર માનવા લાગ્યા.
મુગટલાલ બેસી ગયા એ દેગડા પર. બસ, યમરાજાને જાણે થાપટ મારી. દોરડું ખૂબ જ તાકાતથી પકડી લીધું. પડીકે બંધાઈ ગયેલા જીવનમાં શ્રદ્ધા જન્મી. અંધકારમાં જાણે કે એક દીવડો પ્રગટ્યો. અજવાસ ફેલાઈ ગયું.
પુન: પેલા શબ્દો ઢેબરભાઈના મુખેથી નીકળી પડ્યા, ‘પકડજો જોરથી દોરડાને, ગોરજી.’
મુગટલાલે તો દોરડું ખુબ જ તાકાતથી કયારનુંય પકડ્યું હતું ને તાકાતથી ઢેબરભાઈ દોરડું ખેંચવા લાગ્યા. ગોરજીની કાયા હ્રષ્ટપુષ્ટ, વજન ભારે. ઢેબરભાઈ હાર્યા. દોરડું હાથથી છૂટી ગયું. પણ એનો છેડો હાથમાં રહી ગયો. મુગટલાલ વળી પાછા ધબાકદેતાકને કૂવામાં..... પાણીમાં જીવ બચવાની શ્રદ્ધામાં પાછી અશ્રદ્ધા જન્મી. થયેલા અજવાસમાં અધંકાર વ્યાપી ગયો. મુગટલાલના મોતીયા મરી ગયા.
પરંતુ ના.... ઢેબરભાઈની શ્રદ્ધામાં કંઈ ઓર વધારો થતો ગયો.
ગમે તેમ થાય હવે તો માણસને બચાવવાનો હતો. વળી માણસમાં પાછા એક ગોરજીને- બ્રાહ્મણને બચાવવાની ઝંખના જોર પકડતી હતી.
પોતાની ફરજ હતી.
પોતાનો મોટો ધર્મ હતો-માનવધર્મ. એને મરવા દે તો ઢેબરભાઈ શાના?
વળતી ક્ષણમાં જ પુન: દોરડું કૂવામાં ઊતાર્યું. જેવો દેગડો પાણીમાં પસવાર્યો કે કૂવામાં સાવ તળિયેથી ઉપર આવેલા મુગટલાલે દોરડું પકડી લીધું. બસ-પછી તો એમનું હૈયું ખરેખર નાચી ઊઠ્યું. અશ્રદ્ધા જન્મી હતી તેમાં પાર વગરની શ્રદ્ધાએ સ્થાન લઈ લીધું.
‘એ ગોરજી, પકડજો દોરડાને બેસી જાઓ દેગડા પર.’ ઢેબરભાઈએ ખૂબ જ ઊંચેથી સાદ કર્યો. કૂવામાં એ શબ્દો પણ જાણે પડઘાયા કર્યા.
મુગટલાલને શબ્દો કાને પડ્યા.
મુગટલાલે તો જીવનમાં હવે જીવતદાનનો મુગટ ધારણ કરી લીધો ! તેઓ ફરી બેઠા દેગડા પર !
ઢેબરભાઈ હિંમત હાર્યા નહોતા. તાકાત હવે સાવ છેલ્લામાં છેલ્લી કક્ષાએ અજમાવવાની હતી. જો એમ ન થાય તો? બ્રહ્મહત્યા જેવું-જેટલું જ પાપ લાગે ને? એમણે ઈશ્વર પાસે તાકાત માગી, બળ માગ્યું.
જીવ બચી ગયો. મુગટલાલ બોલી ઊઠ્યા, ‘ઢેબર ભૈ, તમે ભગવાન થૈ ને આવ્યા. તમે મારો પ્રાણ બચાવ્યો, તમારો ઉપકાર ભવભવ ન ભુલાય.’
પરંતુ ઢેબરભાઈ ફક્ત એ વાક્યો સાંભળી રહ્યા. એકબાજુ ધરતી પર લાંબા થઈને સૂઈ રહ્યા. બધી જ તાકાત-બધું જ બળ વપરાઈ ચૂક્યું હતું. મુખેથી મુગટલાલને કશો જ પ્રતિભાવ આપવા જેટલી તાકાત નહોતી.
બસ, બોલી ન શક્યા, એક વેણ કાઢી ન શક્યા.
આ બાજુ ખેતરમાં પેલા દાઢિયા-ખેતમજૂરો ઢેબરભાઈની પ્રતીક્ષા કરી રહ્યા હતા. સમય વધુ વ્યતિત થઈ ચૂક્યો હતો. ‘ઢેબરભાઈ હજુ પણ પાછા કેમ ન આવ્યા?’ બધાને નવાઈ લાગી. બેચાર જણ તો એ ઝંડવાળા કૂવે દોડી ગયા.
જોયું તો ઢેબરભાઈ કશું બોલી શકતા નહોતા. પેટમાં આંટી પડી ગઈ હતી.
મુગટલાલ સાવ બિચારા જેવા બની ગયા. સાવ છોભીલા બની ગયા !
હાજર રહેલા લોકોને એમણે વાત કરી.
થોડો સમય થયો. ઢેબરભાઈ સહેજ સ્વસ્થ થયા. બની ગયેલી ઘટના એમના માટે આનંદપૂર્ણ ઘટના બની રહી!-
એ પછી ઢેબરભાઈને એમના ઘેર લઈ જવામાં આવ્યા.
ને પછીથી તો બસ ..... છ એક માસ તેઓ ખાટલાવશ રહ્યા. કોઈ કામકાજ થઈ શકતું નહોતું.
ગામ આખાને મુગટલાલે જ વાત કરી દીધી હતી. ‘મને બચાવ્યો આપણા ઢેબરભૈએ.’
પરંતુ મુગટલાલને ક્ષોભ હતો, ભારોભાર સંકોચ હતો. પોતાને તો બચાવ્યા પરંતુ ઢેબરભાઈની દશા તો .....
ઢેબરભાઈના પરિવારજનોએ એમની ખૂબજ દવા-દારૂ કરી. પરંતુ એ કારગત ન નીવડી. તેઓ ફરી ઊભા ન થઈ શક્યા. છ માસ બાદ સ્વર્ગના વિમાનમાં બેસી આનંદભેર સ્વર્ગે પહોંચ્યા.
ઢેબરભાઈનું જીવન એ માનવ માટે સમર્પિત થઈ ગયું!
એમના પરિવારજનો માટે ઢેબરભાઈનું નિધન અત્યંત આઘાતજનક ઘટના હતી કારણ સ્પષ્ટ હતું.
ઢેબરભાઈની ઉંમર હજુ ખાસ મોટી નહોતી.
હજુ પરિવારનું લાલન-પાલન કરવાનું હતું.
પરંતુ મધ્યાહ્ને જ સૂર્યાસ્ત થઈ ગયો !
નાની ઉંમરે સ્વર્ગની વાટ પકડી !
આમ હોવા છતાંય પરિવારજનો માટે, ગ્રામજનો માટે, તેમજ આજુબાજુના વિસ્તારના લોકો માટે એ ઘટના કેટલી મહાન હતી !
એમનું જીવન એક ફૂલ જેવું હતું. એમાં સુગંધ પાર વગરની હતી. જે કંઈ કેટકેટલાય માઈલો સુધી પ્રસરી ચૂકી હતી !
આ ઢેબરભાઈ એજ લક્ષ્મીદાસ. લક્ષ્મીદાસ મોતીદાસ પટેલ. વતન મગોડી, તા. જિ. ગાંધીનગર
એવું ફૂલ તું થાજે,
મનવા ! એવું ફૂલ તું થાજે.
સુગંધ બીજાને ખપ લાગે,
ત્યાં દોડી દોડી જાજે.
જીવન સફળ કરવાને,
મનવા ! ભમરો ના તું થાજે;
અર્પી અર્પી સઘળું દેતાં,
મંગલ ગાન તું ગાજે.
લેખક: ગોવિંદ દરજી ‘દેવાશું’ વાર્તા: માનવતાનાં પુષ્પો