Friday, November 12, 2010

ગુરુભક્ત કૃષ્ણ-સુદામા


ગુરુ, સાંદીપનિ ઋષિના આશ્રમમાં કોઈ પણ જાતના ભેદ-ભાવ વગર શિષ્યને દાખલ કરવામાં આવતા હતા. શિષ્ય બ્રાહ્મણ હોય કે ક્ષત્રિય હોય, રાજકુમાર હોય કે રંકપુત્ર હોય, દરેકને સમાન ભાવથી અને પ્રેમથી દાખલ કરીને ભણાવવામાં આવતા હતા. તેથી જ કૃષ્ણ જેવા રાજકુમારો અને સુદામા જેવા બ્રાહ્મણો ગુરુ સાંદીપનિના આશ્રમમાં દાખલ થયા હતા.
ગુરુ-આશ્રમમાં શિષ્ય ગરીબ છે કે અમીર, બ્રાહ્મણ છે કે ક્ષત્રિય, એ જોવાતું ન હતું. તેથી બધા શિષ્યો એકબીજા પ્રત્યે સમાનભાવ રાખતા હતા. અને આ કારણે જ કૃષ્ણ અને સુદામાની દોસ્તી થઈ હતી.

બંનેની દોસ્તી પણ કેવી સુંદર હતી ! જ્યાં કૃષ્ણ હોય ત્યાં સુદામા હોય અને જ્યાં સુદામા હોય ત્યાં કૃષ્ણ હોય. બેઉ સાથે જ ભણવા બેસતા હતા અને સાથે જ આશ્રમનું કામ કરતા હતા. એક અઢળક સંપત્તિનો માલિક હતો ને બીજો દરિદ્રનારાયણ હતો. એક બ્રાહ્મણ હતો ને બીજો ક્ષત્રિય હતો. અસમાનો વચ્ચે થયેલી દોસ્તી જોઈને ગુરુ સાંદીપનિ પણ રાજી થતા હતા.

એક વાર ગુરુ બહારગામ કામે ગયા હતા ત્યારે ગુરુ-પત્નીએ કૃષ્ણ-સુદામાને બોલાવીને કહ્યું: ‘વત્સો ! આશ્રમમાં ઈંધણ ખલાસ થઈ જવા આવ્યાં છે. કાલે ઈંધણ ખૂટી જશે. માટે આજે તમે જંગલમાં જઈને બે ભારી ઈંધણ લઈ આવો !’
સાંજના સમયે કૃષ્ણ અને સુદામા બે કુહાડીઓ લઈને બળતણ લેવા માટે જંગલમાં ઊપડી ગયા.

ચાલતાં-ચાલતાં તેઓ જંગલમાં દૂર-દૂર નીકળી ગયા. ત્યાં તેમણે એક સૂકું વૃક્ષ પડેલું જોયું. તે તેઓ કુહાડીઓ લઈને કાપવા લાગ્યા. બળતણની બે ભારીઓ બાંધી લીધી. પછી ભારીઓ ઉપાડીને બંને જણ આશ્રમ તરફ ચાલવા લાગ્યા.
એટલામાં ઠંડો-ઠંડો પવન વાવા લાગ્યો. સુદામાએ કહ્યું: ‘કૃષ્ણ ! ક્યાંક વરસાદ પડતો લાગે છે. ચાલો, ઝટપટ આશ્રમમાં પહોંચી જઈએ !’

ત્યાં તો આકાશમાં વાદળાંનો ગડગડાટ થવા લાગ્યો, વીજળી ઝબૂકવા લાગી અને કડાકા સંભળાવા લાગ્યા. સૂરજ ડૂબવાની થોડી વાર હતી છતાં ઘોર અંધકાર છવાઈ ગયો, અને ખળખળ કરતો વરસાદ તૂટી પડ્યો. બેઉ ભીંજાવા લાગ્યા એટલે કૃષ્ણે કહ્યું : ‘સુદામા ! ચાલ, પેલા પલાશના વૃક્ષ નીચે થોડી વાર ઊભા રહીએ.’
બંને ઝાડ નીચે જઈને ઊભા રહ્યા. સૂરજ ડૂબી ગયો. વનમાં ઘોર અંધારું થઈ ગયું. વરસાદ તો હજુ ચાલુ જ હતો. સુદામાએ કહ્યું : ‘કૃષ્ણ ! ગુરુ અને ગુરુપત્ની આપણી ચિંતા કરતાં હશે. ચાલ, આપણે ધીમે ધીમે આશ્રમમાં જતા રહીએ !’

બેઉ ચાલવા લાગ્યા. ઘોર અંધકારમાં રસ્તો સૂઝતો નહોતો. અટકળે આશ્રમની દિશા નક્કી કરીને તેઓ ચાલતા હતા. ઘણું ચાલવા છતાં આશ્રમ આવતો નહોતો. એટલે કૃષ્ણ બોલ્યો : ‘સુદામા ! આપણે રસ્તો ભૂલી ગયા હોય એમ લાગે છે !’
સુદામાએ કહ્યું : ‘મને પણ એવું લાગે છે !’

પછી બંને જણા પલળતા અને થથરતા એક વૃક્ષની નીચે ઊભા રહીને સવાર પડવાની રાહ જોવા લાગ્યા.
સંધ્યાટાણે ગુરુ ઘેર આવ્યા એટલે ગુરુપત્નીએ કહ્યું : ‘કૃષ્ણ-સુદામાને ઈંધણ લેવા માટે મેં જંગલમાં મોકલ્યા છે !’
તરત જ ગુરુ સાંદીપનિ બે શિષ્યોને લઈને કૃષ્ણ-સુદામાને શોધવા માટે જંગલમાં ગયા. પરિચિત રસ્તાઓ પર જઈને ગુરુએ બૂમો પાડી : ‘કૃષ્ણ-સુદામા ! તમે ક્યાં છો? બોલો, કૃષ્ણ-સુદામા ! તમે શું કરો છો? ઓ સુદામા ! ઓ કૃષ્ણ ! ....’

આખી રાત જંગલમાં ભટકીને ગુરુએ કૃષ્ણ-સુદામાને શોધવા માટે પ્રયત્ન કર્યો. પરંતુ ક્યાંયથી તેમનો પત્તો મળતો ન હતો, એટલે ગુરુ ચિંતાતુર થઈ ગયા હતા : ‘મારા કૃષ્ણ-સુદામા ક્યાં હશે? તેઓ શું કરતા હશે...?’
વરસાદ બંધ થઈ ગયો હતો. સવાર પડી. સૂરજના બાલકિરણો જંગલમાં પ્રવેશવાના માર્ગો શોધી રહ્યાં હતાં. ત્યાં એક વટવૃક્ષ નીચે દૂરથી ગુરુ સાંદીપનિએ કૃષ્ણ-સુદામાને જોયા. ગુરુ દોડતા તેમની પાસે પહોંચી ગયા અને ગળગળા અવાજે બોલ્યા : ‘ઓ મારા પુત્રો ! તમને કાંઈ થયું તો નથી ને?’

કૃષ્ણ-સુદામાએ ધ્રુજતાં-ધ્રુજતાં પ્રણામ કરીને કહ્યું : ‘ગુરુજી ! અમે હેમખેમ છીએ. અમારી ચિંતા કરશો નહિ !’
‘પુત્રો ! તમે અમારે માટે ભારે દુ:ખ વેઠ્યું છે. પ્રાણની પરવા કર્યા વગર આખી રાત થથરતા જંગલમાં રહ્યા. આટલી નાની ઉંમરમાં ગુરુસેવા માટે તમે કરેલું આ કામ કાંઈ નાનું નથી. ગુરુભક્તિથી પ્રેરાઈને તમે ઈંધણ લેવા ગયા અને ભારે દુ:ખ સહ્યું. આ ઘટનાને યાદ કરીને જુગના જુગ સુધી લોકો તમને યાદ કરશે.’ ગુરુએ આશીર્વાદ આપ્યા.
પછી બળતણની ભારીઓ લઈને બધા આશ્રમમાં આવ્યા.

લેખક: સાંકળચંદ પટેલ વાર્તા: જનનીની જોડ