
શાઈન. શાઈન .... સાયના !
કલ્કિ ઊભી થઈ. બધાં બાળકો, વાલીઓ અને શિક્ષકોએ તાળીઓ પાડીને તેને આવકારી. પોતાના નાજુક પગ વડે નાનાં નાનાં પગલાં પાડતી તે સ્ટેજ પાસે ગઈ. સાવચેતીપૂર્વક સ્ટેજનાં પગથિયાં ચડી. માઈક પાસે પહોંચી. માઈક થોડું ઊંચુંનીચું હતું. તેથી ઈલેક્ટ્રીશિયને તેની ઊંચાઈ મુજબ તેને નીચું કર્યું. કલ્કિએ ગળું ખોખાર્યું અને બોલવાનું શરૂ કર્યું.
‘વીસ વર્ષની ઉંમરમાં વિશ્વ-પ્રસિધ્ધ થવું હોય તો આપણે સાયના નેહવાલ વિશે જાણવું જોઈએ. પ્રગતિ અને સિદ્ધિ માટે કોઈ ઉંમર નાની નથી હોતી. મહેનત, ધગશ અને યોગ્ય માર્ગદર્શનથી ધારો તે સિદ્ધ કરી શકાય.
તમે કહેશો કે વેંત જેવડી કલ્કિ તાડ જેવી ઊંચી વાતો કેવી રીતે કહી શકે? શું અનુભવ છે, તેની પાસે? શું આધાર છે તેની વાતોનો?.... તો મારે તમને પૂછવું છે કે ખાડામાં પડીએ તો વાગી જાય, તે માટે શું પોતાનો અનુભવ જરૂરી છે?.... તેવી જ રીતે સવારે વહેલા ઊઠીને ચાલવાની, કસરત કરવાથી અને પ્રભુસ્મરણ કરવાથી દિવસ આખો સ્કૂર્તિ જળવાઈ રહે છે, તે વાત કોઈ કરે તો તેમાં અવિશ્વાસ કરવા જેવું શું છે? ટૂંકમાં, બીજાના અનુભવોમાંથી પણ આપણે ઘણું શીખી શકીએ અને પ્રગતિને પંથે આગળ વધી શકીએ.
૧૯૯૦માં જન્મેલી અને હજુ હમણાં જ જેણે વીસ વર્ષ પૂરાં કર્યાં છે, તેવી સાયના નેહવાલને ભારત સરકાર ‘ખેલ-રત્ન’નું સન્માન આપવાની છે. તેવું સમાચાર માધ્યમો વડે જાણવા મળ્યું. બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન દ્વારા તેને દુનિયાની બીજા ક્રમની ખેલાડી જાહેર કરવામાં આવી છે. આ ઍવોર્ડ વિશે જાણીને તે ખૂબ ખુશ છે. તેને વિશ્વાસ છે કે આવું બહુમાન તેને હજુ પણ કંઈક વિશેષ કરવાની પ્રેરણા આપશે. તેને આશા છે કે, તે તેના પરિવાર, પ્રશિક્ષક, મિત્રો, દેશવાસીઓ અને દુનિયાની અપેક્ષાઓ પૂરી કરશે અને સિદ્ધિનું આકાશ આંબશે.
હરિયાણાના જાટ પરિવારમાં હરવીરસિંઘને ત્યાં જન્મેલી સાયનાનું બચપણ હૈદ્રાબાદમાં વીત્યું. તેના પિતા હૈદ્રાબાદની એક સરકારી કચેરીમાં વૈજ્ઞાનિક તરીકે કામ કરતા હતા. બેડમિન્ટન રમવાનું તેને વારસામાં મળ્યું હતું. કારણ કે, માતા ઉષા નેહવાલ અને પિતા કરવીરસિંધ-બંને રમતનાં ચાહક અને અનુભવી ખેલાડીઓ હતાં.
હૈદ્રાબાદ મોટું શહેર છે અને બેડમિન્ટનનું સારું મેદાન સાયનાના ઘરથી લગભગ પચ્ચીસ કિલોમીટર દૂર હતું. આઠ વર્ષની સાયનાને તેના પિતા સવારે ચાર વાગ્યે ઊઠાડતા. તેને સ્ટેડિયમમાં લઈ જતા. ત્યાં સાયના બે કલાક સતત અને સખત અભ્યાસ કરતી. પાછા વળતાં સાયનાને શાળાએ જવાનું થતું. પ્રૅક્ટિસ કરીને થાકી ગયેલી સાયના શાળાએ આવતાં પહેલાં સૂઈ જતી. તે કંટાળીને પોતાનો પુરુષાર્થ છોડી ન દે તે માટે તેના માતા-પિતાએ પૂરા પ્રેમથી તેને સહકાર આપ્યો. તેની હિંમત વધારી, તેને બીજા બધાંથી વિશેષ બનવા માટે પ્રેરણા આપી.
સાયનાના પિતા માટે એક ઊગતા સિતારાનો ભારે ખર્ચ ઊપાડવાનું ખૂબ મુશ્કેલ હતું. બધું મળીને રૂ. ૧૨,૦૦૦/- નો વધારાનો ખર્ચ તેમણે સાયનાના સપનાને સાકાર કરવા ઊપાડવો પડતો. પેટે પાટા બાંધીને તેમણે આ શક્ય બનાવ્યું. સાયનાએ પણ અથાક મહેનત કરી. તેનો પરિશ્રમ રંગ લાવ્યો. ચાર વર્ષના પ્રશિક્ષણ પછી સાયના પર ‘યોનેક્સ’ નામની કંપનીની નજર ઠરી. ખર્ચમાં મદદ કરી. નેહવાલ પરિવાર બમણા જોશથી સ્વપ્ન-સિદ્ધિ માટે કટિબદ્ધ થયો. વધુ બે વર્ષ પછી માત્ર ચૌદ વર્શની ઉંમરે સાયના એક ખેલાડી તરીકે આવક મેળવતી થઈ. ત્યાર પછી તેનો સિતારો ચમકતો ચાલ્યો.
૧૯ વર્ષની નાની ઉંમરે સાયનાએ રાષ્ટ્રીય ચેમ્પિયનનું બિરૂદ મેળવ્યું હતું. તેણે એશિયન સેટેલાઈટ બેડમિન્ટન ટુર્નામેન્ટ બે વાર જીતીને એક રૅકોર્ડ સ્થાપિત કર્યો હતો. ૨૦૦૬ની સાલમાં ફિલિપાઈન્સ ઑપન ટુર્નામેન્ટ જીતીને તેણે પોતાનું નામ દુનિયાના બેડમિન્ટન ખેલાડીઓને યાદ કરાવી દીધું હતું. ૨૦૦૮માં વર્લ્ડ જૂનિયર બેડમિન્ટન ચેમ્પિયનશીપ જીતનારી તે પ્રથમ ભારતીય મહિલા બની હતી. આજ વર્ષમાં તેની પ્રગતિને પાંખો આવી અને તે ઑલિમ્પિકની ક્વાર્ટર ફાઈનલ સુધી રમી તથા દુનિયાની શ્રેષ્ઠતમ હરીફાઈઓમાં સેમી ફાઈનલમાં પ્રવેશી.
વીસમાં વર્ષની શરૂઆત ધૂમ-ધડાકાથી થઈ. તેણે ઈન્ડોનેશિયામાં જીત મેળવી. આમ કરીને તેણે પોતાના ગુરુ પુલેલા ગોપીચંદની બરાબરી કરી અને ગુરુ-દક્ષિણા આપી. ભારત સરકારે પણ તેની આ સિદ્ધિને વધાવી. સાયનાને અર્જુન ઍવોર્ડ અને ગોપીચંદને ગુરુ દ્રોણાચાર્ય ઍવોર્ડ આપ્યો... પણ, અહીં અટકી જાય તે સાયના શાની? દુનિયાની બીજા નંબરની ખેલાડીને પ્રથમક્રમે આવવું છે. ચાલો ‘આપણે આપણી શુભેચ્છાઓ તેને આપીએ. તમે બધાં મારી સાથે બોલો,
‘શાઈન... શાઈન... સાયના... ! શાઈન... શાઈન... સાયના...!’ મને શાંતિથી સાંભળવા બદલ આપ સહુનો આભાર. આ રજૂઆતને પ્રભાવશાળી બનાવવા માટે મારા મમ્મી-પપ્પા અને ઈન્ટરનેટને ધન્યવાદ.’
કલ્કિ પોતાની રજૂઆત કરીને બેસી ગઈ, પણ ઘણાના દિલમાં સાયના જેવું કંઈક કરી બતાવવાના કોડ જાગી ગયા. શિક્ષકો અને વાલીઓએ કલ્કિનો આભાર માન્યો.
લેખક: હરિતા દવે વાર્તા: જનનીની જોડ