Monday, November 29, 2010

સુનીલની સચ્ચાઈ


રવિવારનો દિવસ હતો. બપોરનો સમય હતો. સુનીલ તેના મિત્ર રાકેશના ઘેર જઈ રહ્યો હતો. રસ્તો સૂમસામ અને નિર્જન હતો. તે અચાનક ઊભો રહી ગયો. તેના પગ નીચે કોઈ સુંવાળી વસ્તુનો સ્પર્શ થયો. તેણે નીચે જોયું તો કોઈનું પાકીટ હતું, તેના મનમાં વિચારના તરંગો ઊઠયા, આ કોનું પાકીટ પડી ગયું હશે ? એને લઉં કે ના લઉં ? તેણે આમતેમ જોયું. કોઈ જ ન હતું ઘણી મૂઝવણ સાથે પાકીટ લેતાં તેણે વિચાર્યું, જોઉં, પાકીટમાં શું
છે ? કદાચ પાકીટના માલીકનું નામ કે સરનામું તેમાંથી મળી પણ જાય !

સુનિલે પાકીટ ઉઘાડીને જોયું તો તેમાં દસ-દસ રૂપિયાની નોટો, થોડુંક પરચુરણ અને બે-ત્રણ કાગળિયાં પણ હતાં. કાગળિયાં જોતાં કોઈનું નામ ઠેકાણું દેખાયું નહીં.

તેણે ફરીથી આમતેમ દૂરદૂર જોયું. કદાચ પાકીટનો માલિક શોધતો આવે, પણ એટલામાં કોઈ દેખાયું નહીં. આટલી ગરમીમાં સૌ પોતપોતાને ત્યાં જંપી ગયા હશે !

તેના મનમાં વિચાર-તરંગો ઊઠયા,

પાકીટ હું મારી પાસે જ રાખું...?

પાકીટને અહીં જ મૂકી દઉં ...?

પાકીટ પોલીસ-સ્ટેશને જઈને સોંપી દઉં....?

શું કરું ? શું કરું ? તેની બુદ્ધિમાં મંથન ચાલ્યું.

કોઈની ચીજ મારી તો ન જ કહેવાય, મારી પાસે તો શી રીતે રખાય ?

જો તેને અહીં જ મૂકીને ચાલી જાઉં તો બીજો કોઈ લઈ જાય.

પરંતુ બિચારો પાકીટનો માલિક શોધતો શોધતો અહીં આવી પણ પહોંચે તો ?

પાકીટ ગુમાવનારને કેટલું દુ:ખ થયું હશે ? કદાચ ગરીબ હોય તો પૈસા વિના શું કરશે ? પાકીટ તો તેના માલિકને મળવું જોઈએ.

તેણે પાકીટ ફરીથી ફંફોળ્યું. ધ્યાનપૂર્વક જોતાં તેમાંથી એક ચીઠ્ઠી મળી. તેમાં નામ અને સરનામું હતું. સુનીલ ખુશ ખુશ થઈ ગયો. તે તરત જ પાકીટના માલિકને ઘેર પહોંચી ગયો અને દરવાજો ખટખટાવ્યો.

દરવાજો ખૂલ્યો. ખોલનાર માણસે પૂછયું. કોનું કામ છે ભાઈ ?

આપની કોઈ ચીજ ખોવાઈ ગઈ છે ? સુનીલે પૂછયું.

હા ભાઈ, હમણા જ હું બહારથી આવું છું, ગજવામાંથી પાકીટ પડી ગયું છે. અંદર પચાસ રૂપિયા અને બે-ત્રણ જરૂરી કાગળો પણ હતા. પેલા ભાઈએ કહ્યું.

લો, આ તમારું જ પાકીટ છે ને ? સુનિલે પૂછયું

હા, હા, આ જ પાકીટ. ધન્યવાદ ! ધન્યવાદ ! ખૂબ ખૂબ આભાર ; બેટા, અંદર આવ, અહીં બેસ. તું કેટલો ભલો અને પ્રામાણિક બાળક છે ! તારાં મા-બાપને પણ ધન્ય છે ! આજે દેશને તારા જેવાં બાળકોની જરૂર છે. (દસ રૂપિયાની નોટ કાઢીને ધરતાં) લે બેટા, તારી પ્રામાણિકતાનું ઈનામ લઈને જા.

સુનીલ : ના જી. આપને આપનું પાકીટ મળી ગયું એ જ મારે મન ઈનામ છે. મારી ચિંતા દૂર થઈ. તમને ખુશી થઈ એ જ તો ઈનામ છે. હવે મને રજા આપો. મારે મારા દોસ્તને ત્યાં અભ્યાસ કરવા જવું છે.

પેલા ભાઈએ કહ્યું : આટલું મારું માન રાખ ભાઈ, ઈનામ લેતો જા. હું રાજી થઈને આપું છું.

સુનીલ : મેં તો મારી ફરજ બજાવી છે. ઈનામના પૈસા કોઈ ગરીબ વિદ્યાર્થી માટે વાપરી શકો છો. સારું ત્યારે, નમસ્કાર.

પેલા ભાઈ તો સુનીલ તરફ આદરની નજરે જોતા જ રહ્યા.

વાર્તા: સમગ્ર વિકાસ અભ્યાસક્રમ, ભાષાપોથી-૪