સ્વર્ણિમ ગુજરાતની ઉજવણીના ભાગ રૂપે ખેલ મહાકુંભ ઉજવાઈ રહ્યો છે. સમગ્ર ગુજરાતની શાળાના બાળકોની રમતોથી રમતના મેદાનો ધમધમી રહ્યાં છે. શિયાળાની સવારના સુરખીભર્યા વાતાવરણમાં, હુંફાળા સૂર્યપ્રકાશમાં, બાળકોના કિલકિલાટથી ગૂંજી રહેલા મેદાનોમાં ઉમંગભેર રમતાં બાળકોને નિહાળવાં એ એક લ્હાવો છે. આ જ બાળકોમાંથી કોઈ સચીન કે કોઈ સાનિયા કે કોઈ અભિનવ કે કોઈ શાઈના જેવા ભારતને ગૌરવ અપાવનારા સર્જાશે.
રમતો દ્વારા બાળકનું શરીર સુદ્રઢ તો બને જ છે પણ સાથે સાથે તેનું મનોબળ પણ દ્રઢ બને છે. શરીરની ચપળતાની સાથે સાથે તેના મનની એકાગ્રતા પણ વધે છે. મનની એકાગ્રતા કેળવવા તેને કોઈ કઠિન સાધના કરવી પડતી નથી. કોઈ પણ પ્રકારની રમતમાં રમનારનું મન જો સંપૂર્ણ એકાગ્ર ન હોય તો, તે સારી રીતે રમી જ શક્તો નથી. રમતોમાં તો શરીર, મન અને પ્રાણશક્તિ ત્રણેયનું અનુસંધાન સધાય, તો જ રમતમાં જીતી શકાય છે કે ધાર્યા લક્ષ્યાંકો સિદ્ધ કરી શકાય છે. આ રીતે જોતાં રમતો દ્વારા ધ્યાન અને એકાગ્રતા આપોઆપ આવી જાય છે, જે લાંબા સમય સુધી ધ્યાનનો અભ્યાસ કર્યા પછી પણ પ્રાપ્ત થતાં નથી. આથી જ સ્વામી વિવેકાનંદ યુવાનોને ઉદ્દબોધન કરતાં કહે છે, “તમે ફક્ત ગીતાનો પાઠ કરવા કરતાં જો ફૂટબોલ રમશો તો ઈશ્વરની વધુ નજીક જઈ શકશો.”
રમતો બાળકોને નિરોગી શરીર અને એકાગ્ર મનની ભેટ તો આપે જ છે, પણ સાથે સાથે બીજા અનેક ગુણોની ભેટ પણ આપે છે. જેવા કે ચપળતા, શીધ્ર નિર્ણયશક્તિ, કુશાગ્રબુદ્ધિ, સાવધાની, સજાગતા, સહિષ્ણુતા, દ્રઢ સંકલ્પશક્તિ, ઉદારતા, ક્ષમા અને સામૂહિક જીવનની ભાવના. રમતો દ્વારા આ બધા આંતરિક ગુણો બાળકોમાં સહજ પણે આવે છે અને વિકસે છે. મહાત્મા ગાંધીજી કેળવણી વિષે કહે છે, “કેળવણી એટલે બાળકનાં શરીર, મન અને આત્માના જે ઉત્તમ અંશો હોય તેમનો સર્વાંગી વિકાસ સાધીને તેમને બહાર લાવવા.” આથી જ પુસ્તકોનો અભ્યાસ શિક્ષણ માટે જેટલો આવશ્યક છે, તેટલાં જ રમતો અને વ્યાયામ પણ આવશ્યક છે. પુસ્તકોનો અભ્યાસ માનસિક શક્તિઓનો વિકાસ કરે છે, પણ તેનાથી શરીરનો વિકાસ થતો નથી. જો શરીર દુર્બળ હશે તો બુદ્ધિ ગમે તેટલી તીક્ષ્ણ હોવા છતાં પણ તેનાથી ઉત્તમ કાર્યો થઈ શકશે નહીં. ઉત્તમ સંગીતકારને જો તૂટેલું વાજિંત્ર આપવામાં આવે તો તે તેની આવડતથી તેમાંથી પણ સંગીતના સૂરો સર્જી તો શકશે પણ એ સંગીત શ્રેષ્ઠ નહીં હોય. પરંતુ જો એને ઉત્તમ વાજિંત્ર આપવામાં આવશે તો તેનું સંગીત અદ્દભુત બની રહેશે. તેવું જ આપણા મનનું પણ છે. વિકાસ પામેલાં મનને જો સશકત શરીરનો સાથ મળે તો મન પણ અદ્દભુત કાર્યો કરી શકે. સંસ્કૃતમાં એક સુભાષિતનું ચરણ છે કે, “શરીર માદ્યં ખલુ ધર્મ સાધનમ્” પરંતુ માત્ર ધર્મની સાધના જ નહીં પરંતુ સર્વપ્રકારના શ્રેષ્ઠ કાર્યો માટે નિરોગી શરીરની પ્રથમ આવશ્યકતા છે.
બાળકોનાં શરીર તંદુરસ્ત રહે તે માટે તેમને દરરોજ ઓછામાં ઓછો એક કલાક સુધી મુક્ત વાતાવરણમાં ખુલ્લા મેદાનમાં રમવા દેવા જોઈએ. ગયા અઠવાડિયાથી સમગ્ર ગુજરાતમાં ખેલ મહાકુંભ શરૂ થયેલ છે. આ ખેલ મહાકુંભના ઉપક્રમે દરેક શાળા અને કોલેજમાં ભણતાં બાળકો રાજ્યના તાલુકા તથા જિલ્લા કક્ષાએ અલગ અલગ રમતોમાં ભાગ લઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવેલી છે. કબડ્ડી, ખોખો, ફુટબોલ, વોલીબોલ જેવી રમતોની સાથે ચેસ ટૂર્નામેન્ટની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે. પરંતુ બાળકો અને યુવાનોએ માત્ર ખેલ મહાકુંભ માટે જ નહીં, પણ દરરોજ રમવું જોઈએ. રમત-ગમત બાળકોના જીવનના ભાગરૂપે બની જવાં જોઈએ તો જ ખરા અર્થમાં સાર્થક બનશે કે:
“રમશે ગુજરાત, જીતશે ગુજરાત
અને ખીલશે ગુજરાતની નવી પેઢી”
શ્રીમતિ જયંતી રવિ