
મનુના મહોલ્લામાં એક સરસ કૂતરી હતી. તેને કપાળમાં સફેદ ટીલડી હોવાથી બધા તેને ‘ભગતડી’ કહેતા. બધાને ભગતડી બહુ વહાલી. ખાસ તો મનુના મહોલ્લાના મનુ, કનુ, મુન્નો, ચંપા જેવાં ભૂલકાંઓને.
ભગતડીનેય બાળકો બહુ વહાલાં. ‘ભગતડી...!’ એવી બૂમ પડે એટલે ગમે ત્યાંથી આવીને હાજર થઇ જાય. હાથ-પગ ચાટવા મંડી પડે. પૂંછડી પટપટાવે અને ઉંવા ઉંવા અવાજ કરી ગેલ કરે.
મહોલ્લાનાં બધાં જ છોકરાં, કંઇ ને કંઇ ખાવાનું લાવી એને ખવરાવે. મનુ રોટલા પર ઘી ચોપડીને લાવે. મુન્નો ભાત લાવે. ભગતડીને બહુ મજા પડે. બીજાં કૂતરાં તેને કનડે નહિ, તેનું બધા જ ધ્યાન રાખે.
મહોલ્લાના છોકરાં ભેગાં મળી રમે, એટલે ભગતડી પણ હાજર થઈ જાય. બધાં ટોળે વળી બેસી જાય એટલે ભગતડી પણ કોઈની બાજુમાં બેસી જાય. બધાં નાચે એટલે તે પણ ચારે પગે નાચે. બધાં ચિચયારી પાડે એટલે તે પણ ઉંવા ઉંવા કરીને આનંદ પ્રદર્શિત કરે. બધાં દોડે એટલે ભગતડી પણ દોડતી આગળ નીકળી જાય. આમ ભગતડીને સહુની ભાઈબંધી.
શિયાળો આવ્યો, કડકડતી ઠંડી પડવા લાગી. ભગતડી હવે વિયાવા જેવી થઈ ગઈ. ભગતડી ગલૂડિયાંને જન્મ આપે તે પહેલાં કનુ-મનુએ તેને માટે સુંદર જગા શોધી કાઢી હતી. એને ટાઢ ન વાય અને બીજાં કૂતરાં હેરાન ન કરે તેવી સગવડવાળી તે જગા હતી. બધાં જ બાળકો, કુરકુરિયાં કેટલાં આવશે, તેનો અડસટ્ટો લગાવતા, શરતો મારતાં, કુરકુરિયાં સુંદર હશે અને પોતે પણ એકાદ પાળશે. એવી કલ્પનામાં દિવસો વિતાવવા લાગ્યાં. રમતાં રમતાં અત્યારથી ગલૂડિયાંની વહેંચણી કરવા લાગ્યા!
એક રાત્રે ભગતડીએ નક્કી કરેલી જગાએ સુંદર નાનાં, પોચાં રૂ જેવાં પાંચ કુરકુરિયાંને જન્મ આપ્યો. બધાં બાળકો, એ જ પળની રાહ જોતાં હતાં. રોજ સવારે ઊઠીને ભગતડીના રહેઠાણે જઈ જોઈ આવે, ભગતડીએ ગલૂડિયાં મૂક્યાં કે કેમ?
આજે પણ મનુ દાતણ ચાવતો ચાવતો જ ત્યાં પહોંચી ગયો. ગલૂડિયાં આવેલાં જોઈ તે આનંદ પામ્યો. એટલામાં કનુ પણ આવી પહોંચ્યો. મુન્નો તો ભગતડીને ખવરાવવા રોટલો પણ લેતો આવ્યો, પણ ભગતડીએ ન ખાધો. સહુ બાળકો વગર આમંત્રણે આવી ચડ્યાં. બધાં ગલૂડિયાં ગણવાં મંડી પડ્યાં, પણ મનુએ અટકાવ્યાં.
મનુ બોલ્યો, “ગલૂડિયાં ગણી તો ઓછાં થાય! ના ગણીએ” બધાંને એ વાત યાદ આવી. પછી કોઈ ગલૂડિયાં ગણતું નહિ. કોઈ પૂછે તો કહે કે ઘણાં ગલૂડિયાં છે.
મનુએ ઘેર જઈ તેની બાને વાત કરી. મનુની બાએ ભગતડી માટે શીરો બનાવ્યો. ચંપાની બાએ પણ બનાવ્યો. કનુ ક્યાંકથી ફૂટેલું માટલું લઈ આવ્યો તેમાં નાંખી સહુ ભગતડીને શીરો ખવરાવવા લાગ્યાં. થોડા દિવસ ભગતડીને રોજ શીરો મળવા લાગ્યો. આથી તે બીજું કશું ખાતી નહિ. છોકરાં ભગતડી પાસે બેસે તો પણ ના કરડે. બા તો ધમકાવે કે વિયાયેલી કૂતરી કરડે. ન જઈએ, છતાં તેઓ જતાં.
થોડા દિવસોમાં કુરકુરિયાંએ આંખો ખોલી. પછી બખોલની બહાર પણ આવવા લાગ્યાં. એમાંનાં બેને, મા જેવી કપાળમાં સફેદ ટીલડી હતી. બે એકદમ કાળાં હતાં, એક ચટાપટાળું.
સહુ બાળકો તડકે ખોળામાં લઈ બેસી જાય. તેમની સાથે ગેલ કરે. રોજ નવાં નવાં નામ પડે. મા-બાપ લેસન કરવાનું કહે, પણ બાળકોને મન ન થાય. ગલૂડિયાં રમાડવામાં તો તેમનું રમવાનુંય ઓછું થઈ ગયું!
એક દિવસ ભગતડી ક્યાંક બહાર જઈને આવી. બધાંએ જોયું તો એના ગળામાંથી લોહી ટપકતું હતું. બધાં ટોળે વળી ઊભા રહી ગયા. તે દર્દથી ઉંવા.. ઉંવા કરતી હતી. બહુ વાગ્યું હતું. ઘા ઊંડો લાગતો હતો. આ જોઈ બધા બાળકો દુ:ખી થઈ ગયાં.
મનુ: “બિચારીને કોણે મારી હશે?”
ચંપા: “આવું તે મરાય? જોને કેવો ઘા પડ્યો છે?”
મુન્નો: “ઊભાં રહીશું તો કંઈ નહિ વળે, ચાલો કંઈક દવા કરીએ.”
મનુ દોડતો ઘરે ગયો. મનુના કાકા ડૉક્ટરનું ભણતા હતા. મનુ કાકાને પરાણે હાથ ઝાલીને ત્યાં ખેંચી લાવ્યો. કાકાએ ભગતડીના ગળા પરનો ઘા જોયો. ભગતડી તેમના પગ ચાટવા લાગી. કાકાએ ઘા ધોઈ, પાટો બાંધ્યો, બાળકો થોડાં રાજી થયાં ખરાં.
હવે ભગતડી બહુ બહાર જતી ન હતી. બાળકો પાસે આવી પહેલાંના જેવી ગમ્મત કરતી ન હતી. ફક્ત ઉંવા.. ઉંવા કરી દુ:ખ જ વ્યક્ત કરતી હતી. બધાં બાળકો તેની ખૂબ જ સંભાળ લેતાં.
પણ ઘા ભયંકર નીવડ્યો. તે પાક્યો. તેમાં જીવડાં પડ્યાં. તે ગંધાવા લાગ્યો. માખીઓ બણબણવા લાગી. ભગતડી દિવસે દિવસે દૂબળી પડવા લાગી. સહુ બાળકો બહુ ચિંતા કરવા લાગ્યાં. હવે મા-બાપ તેમને ભગતડી પાસે જવા દેતાં નહતાં. ભૂલેચૂકે જતાં, ને ખબર પડતી તો ધમકાવતાં, પણ બાળકો કોને કહેવાય? તેઓ માને ખરાં? એ તો છાનાંમાનાં જઈ ભગતડીની ખબર કાઢી આવતાં.
ગલૂડિયાં મોટાં થઈ ગયાં હતાં. બાળકો છાશ પીવરાવીને તથા ઘીવાળો રોટલો અને ભાત એવું એવું ખવરાવીને અલમસ્ત રાખતાં હતાં. ભગતડી ન ધવરાવે તો પણ હવે ચાલે એમ હતું. બાળકો આવી જાતે બખોલમાંથી ગલૂડિયાં લઈ જતાં. ભગતડી મૂંગી મૂંગી જોયા કરતી.
બાળકો ભગતડી માટે ખાવાનું લાવતાં, પણ ભગતડીને દર્દ ઘણું ઊપડ્યું હતું. તે ખાઈ શકતી ન હતી. કેવળ થોડી છાશ જ પી શકતી હતી. બાળકો રોટલા ધરે તો પણ ચૂપચાપ જોઈ રહેતી. આ જોઈ બાળકો ગળાંગળાં થઈ જતાં.
એક સવારે બધાંએ જોયું તો ભગતડી લાંબી થઈને પડી હતી. તેનામાં હાલવા-ચાલવાની શક્તિ ન હતી. ગલૂડિયાં તેની આસપાસ બેઠાં હતાં. ઉંવા ઉંવા કરી ધાવવા પ્રયત્ન કરતાં હતાં, પણ ધાવણ આવતું ન હતું. બાળકો ગલૂડિયાંને રમાડતાં, આઘે લઈ જતાં, પણ તેઓ દોડી દોડીને માની સોડમાં જ ભરાઈ જતાં હતાં.
મનુ: “બિચારી ભગતડી હવે નહિ જીવે..!”
કનુ: “પહેલાં કેવી સરસ હતી, નહિ?”
મુન્નો: “જાણે કહેતી ન હોય કે મનેય રમાડો!”
મનુ ; “ને હવે ભગતડી જેવી બીજી કૂતરી આપણાં વાસમાં નહિ આવે.”
ચંપા: “ભગતડી તો ભગતડી જ છે!”
બધાં બાળકો ગળગળાં થઈ ગયાં.
બપોરે જમવા બેઠાં, પણ કોઈને ખાવાનું ન ભાવ્યું. મા-બાપે પૂછ્યું, ત્યારે દરેકે કહ્યું કે ભગતડી હવે જીવે તેમ નથી ને એટલે. ત્યારે મા-બાપ પણ બાળકોની એક પ્રાણી પ્રત્યેની આવી લાગણી જોઈ નવાઈ પામ્યાં. કેવો નિર્દોષ પ્રેમ!
એ દિવસે શાળામાં રજા હતી, એટલે બધાં જ બાળકો ભગતડીની ચોમેર બેસી રહ્યાં. ખૂબ દુર્ગંધ મારતી હતી તો પણ, મા-બાપ ધમકાવતા હતા તોય જાણે કે મરનારને મળવાં તેનાં સગાવહાલાં ન આવ્યાં હોય તેમ! ભગતડીની આંખો બાળકો પર સ્થિર હતી. જાણે કહેતી ન હોય કે, “મારાં આ બાળકોને સાચવજો. હવે તો હું જાઉં છું.”
છેવટે ઢળતા પહોરે લગભગ ચાર વાગે ભગતડી મરી ગઈ. સહુ બાળકો રામ રામ કરતાં ઊઠ્યાં.
ગામનો સફાઈ કામદાર મડદું તાણી ગયો ત્યારે બધાં જ બાળકો રડી પડ્યાં!
બીજે દિવસે બધાં બાળકો ભગતડીને યાદ કરતાં કરતાં ગલૂડિયાંને રમાડવા લાગ્યાં. ગલૂડિયાં પણ હજી માને યાદ કરતાં હતાં.
ગલૂડિયાં પાંચ હતાં. ત્રણ કૂતરાં ને બે કૂતરીઓ. જે બે ટીલાવાળાં હતાં, તેમાં એક કૂતરો અને બીજી કૂતરી હતી.
મનુએ ટીલાવાળા ગલૂડિયાંમાંના એકનું નામ “ભગત” બીજીનું નામ “ભગતડી” પાડ્યું. બધાં બાળકોને આ વાત કહી. બધાં બાળકો નાની ભગતડીને વળગી પડ્યાં. જાણે કે પેલી જ ભગતડી ન આવી હોય!
સહુ એકી સાથે નાચતાં કૂદતાં ગાવા લાગ્યાં:
”ભગતડી આવી, ભગતડી આવી!
ભગતનેય એ લેતી આવી!”
સંપાદક: ફિલિપ ક્લાર્ક
વાર્તા: નટવર પટેલની શ્રેષ્ઠ બાળવાર્તાઓ