Monday, November 29, 2010

બુલબુલ અને ખિસકોલી


એક જંગલમાં વડના ઝાડ પર એક મોટી જાડી ડાળીની બખોલમાં ચમુ ખિસકોલી રહેતી હતી અને એ જ ડાળી ઉપર બકોર બુલબુલનો સુંદર માળો હતો. ચમુ અને બકોર ખાસ મિત્રો હતાં. ચમુને ત્રણ બચ્ચાં હતાં એમાનું એક બચ્ચું તોફાની હતું. ખૂબ જ નાનાં નાનાં બચ્ચાં અને ચમુ બુલ બુલ સાથે દરરોજ ડાળી પર બેસી વાતો કરતાં. પણ પેલું તોફાની બચ્ચું ઝાડની ઉપર નીચે દોડાદોડ કરવામાં જ મસ્ત રહેતું. એક દિવસ સાંજે ચમુ અને બકોર બેઠાં બેઠાં વાતો કરતા હતાં ત્યારે ચમુએ બકોરને કહ્યું, મારું આ નાનકું ખૂબ જ તોફાની છે. કયારેય મારી વાત સાંભળતું નથી. જ્યારે બાકીનાં બે ખૂબ જ ડાહ્યાં છે. પેલા તોફાનીને મારે કેમ કરીને સમજાવવું ? બકોર બુલબુલે કહ્યું, હમણાં તું એને અહીં બોલાવી લાવ. મારે એક વાર્તા કહેવી છે. ચમુ દોડતી દોડતી પેલા તોફાની બચ્ચાને બોલાવી લાવી. આમેય વાર્તા સાંભળવી કોને ન ગમે ?

ચમુ, બકોર અને પેલું તોફાની બચ્ચું બેઠાં હતાં. બુલબુલે વાર્તા શરૂ કરી. આ જંગલમાં ઘણે દૂર એક મોટું તળાવ હતું તેના કિનારે ઘણા બધા હાથીઓના પરિવારો રહેતા હતા. એમાંના એક હાથીના પરિવારમાં બે બચ્ચાં હતાં. એમાનું એક બચ્ચું ખૂબ જ તોફાની હતું. તેની માતા કે પિતાની વાત તે કયારેય માનતું ન હતું. પેલું તોફાની બચ્ચું એકીટશે બુલબુલ સામે જોઈ વાર્તા સાંભળી રહ્યું હતું. બુલબુલે વાર્તા આગળ ચલાવી.

હાથીઓનું આ ટોળું દરરોજ તળાવમાં સાંજે નહાવા જતું. તે સમયે નાનાં બચ્ચાંને ઊંડાં પાણીમાં ન જવા માટે કહેવામાં આવતું. એટલે બધાં નાનાં બચ્ચાં તળાવનાં છીછરા પાણીમાં નહાતાં. પણ પેલા તોફાની બચ્ચાના મગજમાં હંમેશ એક સવાલ ઊભો થતો અમને કેમ ઊંડાં પાણીમાં નહાવા નથી દેતાં ? દરરોજના ક્રમ પ્રમાણે હાથીઓનું ટોળું નહાવા નીકળી પડતું. પેલા તોફાની બચ્ચાને ઊંડાં પાણીમાં નહાવા જવાની ઈચ્છા પોતાના મનમાં જ દબાવી દેવી પડતી. મનમાં ને મનમાં તે ખૂબ ગુસ્સે થઈ જતું, પણ કરે શું ?

એક દિવસ એણે મનમાં નક્કી કર્યું કે આજે કોઇ પણ ભોગે હું ઊંડા પાણીમાં નહાવાનો આનંદ મેળવીને જ જંપીશ. આવું મનમાં નક્કી કરી સાંજે બધાં નહાવા જાય તે પહેલાં કોઇને પણ કહ્યા વગર તે નીકળી પડયું. સીધું પહોંચ્યું તળાવે ! આજે એની ખુશીનો પાર ન હતો. તળાવમાં ધીમે ધીમે તે ઊંડાં પાણી તરફ જતું હતું તેવામાં જ તળાવમાં એક ભૂખ્યો મગર શિકારની શોધમાં ત્યાં આવી ચઢયો. તેણે હાથીના નાના બચ્ચાને જોયું. ચોર પગે ધીમે ધીમે સરકતો મગર હાથીના બચ્ચા સુધી આવી ગયો. હાથીના બચ્ચાને તો નહાવાની મજા પડી હતી તેથી તે તો પોતાની મસ્તીમાં મસ્ત હતું. આજુબાજુ શું બને છે તેનું તેને કંઈ પણ ભાન રહ્યું નહિ.પેલો મગર બરાબર લાગ જોઈને તેના પગે વળગી પડયો. પોતાનાં મજબૂત જડબાં પેલા બચ્ચાના પગ પર ભરાવીને તેને ઊંડાં પાણી તરફ ખેંચવા લાગ્યો. પેલું તોફાની બચ્ચું પરસેવે રેબઝેબ થઈ ગયું. બચવા માટે તેણે પોતાની સંપૂર્ણ તાકાત વાપરી દીધી. આમ મગર અને હાથીના બચ્ચા વચ્ચે ખેંચતાણ ચાલતી હતી. તળાવનું પાણી લોહીથી લાલ થતું હતું એવામાં એક વયોવૃદ્ધ હાથી તળાવ પાસેથી નીકળ્યો અને એણે આ ખેંચતાણ જોઈ. તે દોડયો સીધો તળાવ તરફ જોરથી તળાવમાં કૂદ્યો. મગરભાઈના છકકા છુટી ગયા. પેલા હાથીએ મગરની પૂંછડી પોતાની સૂંઢમાં કસીને પકડી લીધી અને જોરથી હવામાં અધ્ધર કર્યો, મગરના જડબાં ઢીલા થઈ ગયાં અને હાથીએ પોતાની પૂરેપૂરી તાકાતથી મગરને ઊંચે હવામાં ફંગોળ્યો. મગર જમીન પર પટકાતાં તેના રામ રમી ગયા. વૃદ્ધ હાથી પોતાના રસ્તે ચાલતો થયો.

પેલું વડિલોનું કહ્યું ન માનનાર તોફાની બચ્ચું હવે ક્યા મોઢે ઘરે જાય એ વિચારમાં ઘર તરફ આગળ વધતું હતું. ગમે તેમ કરીને ઘરે પહોચ્યું તો બધા નહાવા ગયાં હતાં. હાશ, ઘરમાં કોઈ નથી. હવે વાંધો નથી એમ વિચારી બાજુના ખાબોચિયામાં રહેલા પાણીથી તેણે ઘવાયેલો પગ બરાબર ધોઈ નાંખ્યો. વેદના સખત થતી હતી પણ કહે કોને ? અંધારું થતાંની સાથે બધા હાથીઓ પોતાના ઘરે આવ્યા. પેલા હાથીના તોફાની બચ્ચાના મા-બાપ પણ બીજાં બચ્ચાં સાથે ઘરે આવ્યાં. રસ્તામાં માબાપને પેલા તોફાની બચ્ચાની ચિંતા થયા કરતી હતી. આજે તે તેમની સાથે ન હતું. ઘરે આવ્યા પછી પેલા બચ્ચાને સૂતેલું જોયું. મા સીધી જ તેની પાસે પહોંચી સૂંઢથી વહાલ કરવા લાગી એણે પૂછયું, બેટા, તું કયાં હતું ? મા, હું તો જંગલમાં ફરવા ગયું હતું, બચ્ચાએ જવાબ આપ્યો. એવામાં માની નજર તેના પગ તરફ ગઈ. અરેરે! આ તને શું થયું ? પગમાંથી તો લોહી નીકળે છે. મા, કંઈ નહિ, એ તો એમ જ કાંટા અને ઝાંખરાંમાં મારો પગ પડી ગયો હતો એટલે કાંટા વાગ્યા છે. બચ્ચું જૂઠ્ઠું બોલ્યું. પિતાએ તેની પાસે જઈ ઘા બરાબર જોયો અને પામી ગયા કે આ મગરના દાંતના ઘા લાગે છે. તેમણે પેલા તોફાની બચ્ચાને પૂછયું, સાચું બોલ, તું તળાવમાં ઊંડાં પાણીમાં નહાવા ગયું હતું ને ? હવે પેલા તોફાની બચ્ચાને છટકવાનો કોઈ વારો ન હતો. તેણે કબૂલી દીધું. મા અને પિતાની આંખમાં આંસુ આવી ગયાં.

માએ કહ્યું, બેટા વડિલો આપણા ભલા માટે જે કાંઈ કહેતા હોય છે તેમાં વિશ્વાસ રાખવો જોઈએ. તેમણે ઘણી દુનિયા જોઈ હોય છે. તેમણે ખૂબ અનુભવો કર્યા હોય છે. તમે નાનાં છો એટલે વડિલોએ ના પાડેલું કામ કરવાનું શું પરિણામ આવે તે તમને ખબર પડતી નથી. તમે ખૂબ નજીકનું જ જોઈ શકો છો, જ્યારે વડિલો પોતાના અનુભવોને આધારે ઘણું દૂરનું જોઈ શકે છે. તેથી હવે પછી કયારેય તેમની અવગણના કરશો નહિ, નહિ તો આજે તો તમારો જીવ બચી ગયો અને જીવતા રહ્યા છો; પરંતુ કયારેક જીવ ગુમાવવો પણ પડે.

માની વાત સાંભળી પેલા તોફાની બચ્ચાની આંખમાં આંસુ આવી ગયાં. તે દિવસથી તેણે નક્કી કર્યું કે હવે બધાંની સાથે હળીમળીને રહેવું અને વડિલો આપણા ભલા માટે જે સારી વાત કરે તેનો સ્વીકાર કરી તે પ્રમાણે પોતાનું વર્તન કરવું.

ચમુ ખિસકોલી પોતાના તોફાની બચ્ચા સામે જોઈ રહી હતી. બકોર બુલબુલે વાર્તા પૂરી કરી. ચમુએ તેનાં બચ્ચાં ને કહ્યું સાંભળ્યું ને ! વડિલો જે કંઈ કહેતા હોય છે તેની પાછળ બાળકોનું ભલું કરવાનો જ વિચાર હોય છે. તને મેં કેટલીવાર કહ્યું કે હજુ તું નાનું છે, આમ દોડાદોડ કરીશ નહિ; આ ઝાડ નીચે ઊતરી દૂર દૂર જતું નહિ. પણ તું કયાં માને છે ? તારી પણ કોઈક દિવસ આવી દશા થશે તો મને કેટલું બધું દુ:ખ થશે ? તું દરરોજ આ બકોર કાકા પાસે આવીને બેસજે. તે તને નવી નવી વાતો કહેશે. તને ખૂબ જ મજા આવશે. પણ વાતો ખાલી સાંભળવાની નથી, જીવનમાં તેનો સારાંશ ઉતારવાનો છે, સમજ્યું ? માની વાત સાંભળી હકારમાં ડોકું હલાવી પેલું નાનું તોફાની બચ્ચું કૂદીને બીજી ડાળીએ જતું રહ્યું. બકોર બુલબુલ તેના માળામાં ગયું અને ખિસકોલી તેની બખોલમાં.

લેખક: અનંત શુક્લ