Monday, November 29, 2010

અભિમાની દેડકો


નવચેતન નામનું એક નાનું ગામ.

ગામ નજીક તળાવ.

તળાવમાં અનેક દેડકાં રહે.

એક મોટો દેડકો. તે રાત-દિવસ ડ્રાઉં ડ્રાઉં કર્યા કરે.

એક દિવસની વાત.

ચોમાસાની ઋતુ. અષાઢ મહિનો. ભારે વરસાદ પડ્યો. તળાવ તો સાવ છલોછલ. તેનું પાણી છલકાઈને તળાવની બહાર વહેવા લાગ્યું.

આ મોટો દેડકો પણ તળાવમાંથી વહેતા પાણી સાથે જ બીજે ચાલ્યો ગયો. પાણીનો પ્રવાહ તેજ હતો.

બીજે દિવસે તે બીજા તળાવમાં પહોંચ્યો.

એ તળાવનાં દેડકાંને નવાઈ લાગી.

આ તો કોઈ નવા દેડકાભાઈ!

તેનું અભિમાન તો એવું ને એવું. તે તળાવના બધાં દેડકાંઓનો વડો બનવાના વહેમમાં આવી ગયો.

તળાવના દેડકાંઓએ સભા ભરી. અભિમાની દેડકાને ખબર પડે નહિ તે રીતે બધા જ ભેગા થયા.

દેડકાંઓએ નિર્ણય કર્યો કે, જો આ અભિમાની દેડકો તેનું અભિમાન ન છોડે તો તેને આપણે ગમે તેમ કરીને અહીંથી તગેડી મૂકીએ. આ કામ સંપથી જ થાય. સંપ વિના કશું જ ન થાય. કહેવાય છે ને કે સંપ ત્યાં જંપ.

માવજીભાઈ નામના એક ખેડૂત. તેઓ રોજ તેમના બળદોને પાણી પીવડાવવા આવે. તેમને પણ નવાઈ લાગી. આ અભિમાની દેડકો તો તળાવ કિનારે આવીને કૂદાકૂદ કરી મૂકે. આવું તો ઘણું ઘણું ચાલ્યું.

પેલા તળાવનાં દેડકાંઓને તો શાંતિ થઈ ગઈ હતી કે જે તળાવમાં આ અભિમાની દેડકો રહેતો હતો. તેમને તો બધાંને થયું કે સારું થયું.

પરંતુ આ નવા તળાવના દેડકાંઓના દુ:ખનો કોઈ પાર નહિ. માવજીભાઈનું ખેતર તળાવની નજીક. બે દેડકાં કૂદતા કૂદતા તેમના ખેતરમાં ગયા. માવજીભાઈને વંદન કર્યા. કહ્યું, માવજીકાકા, અમારું દુ:ખ દૂર કરો ને?

તમને વળી શું દુ:ખ છે? માવજીભાઈએ પ્રશ્ન કર્યો.

એ જ કે પેલો અભિમાની દેડકો આવ્યો છે ત્યારથી અમને બિલકુલ શાંતિ નથી. કહેતાં પહેલા દેડકાની આંખમાં તો આંસુ આવી ગયાં.

પણ હું તમને કઈ રીતે મદદ કરી શકું? મારાથી કઈ રીતે મદદ થાય? માવજીભાઈએ સવાલ કર્યો.

કંઈ પણ કરો. તમે ભલા માણસ છો. બીજા દેડકાએ કહ્યું.

સારું, કંઈક કરીશું. હું તે માટે કંઈક જરૂર વિચારીશ. એમ કહીને માવજીભાઈએ એ બંને દેડકાંને આશ્વાસન આપ્યું.

તે પછી બંને દેડકાં ત્યાંથી કૂદતાં કૂદતાં તળાવે પહોંચ્યાં.

પેલો અભિમાની દેડકો તો કિનારા પર જ બેઠો હતો. તેણે આંખો કાઢીને બંને દેડકાંને પૂછ્યું, અલ્યા, એઈ ! તમે અત્યારે ક્યાં ગયા હતા?

બંને દેડકાંઓ ખૂબ જ ગભરાઈ ગયાં. તેમને આ અભિમાની દેડકાની બીક લાગી. કશો જ ઉત્તર આપ્યા વગર તળાવમાં કૂદી પડ્યાં ને પાણીમાં ગરકાવ થઈ ગયા.

અભિમાની દેડકાનું અભિમાન વધવા લાગ્યું.

તળાવકિનારે કાગડો, કાબર, કબૂતર, હોલો જેવા પક્ષીઓ આવતા. કિનારે બેસીને તેઓ પાણી પીતા. પરંતુ આ દેડકો તેમને શાંતિથી પાણી પણ પીવા ન દે. રોજ રોજ આમ થયા કરતું.

એક દિવસ પક્ષીઓએ સભા ભરી. કાગડાઓનું ટોળું તેમાં અગ્રેસર હતું.

શું કરીશું પેલા અભિમાની દેડકાને? એક મોટા કબૂતરે સવાલ કર્યો.

એને જાનથી મારી નાંખીએ, એક કાગડાએ ઉપાય બતાવતાં કહ્યું.

ના, આપણાથી એમ થાય નહિ. હિંસા તો થાય જ નહિ. કબૂતરે કહ્યું.

તો સહેજ ચમત્કાર બતાવીએ. ચમત્કાર વગર નમસ્કાર નથી. બીજા એક કાગડાએ ઉપાય સૂચવતાં કહ્યું.

ઠીક છે. કબૂતરે કહ્યું.

ને બીજે જ દિવસે કાગડાઓનું ટોળું એ તળાવ કિનારે ગયું. દેડકાભાઈ તો ત્યાં કિનારે જ બેઠા હતા. એક પછી એક કાગડા એ દેડકાના શરીર પર ચાંચો મારવા લાગ્યા. દેડકાભાઈ તો પાણીમાં ગાયબ થઈ ગયા.

બે-ત્રણ દિવસ આમ કર્યું.

પેલા દેડકાભાઈ તો પછી તળાવ કિનારે ભાગ્યે જ બહાર આવે.

પેલા માવજીભાઈએ જાણ્યું. તેમને મનમાં થયું, આ અભિમાની દેડકા માટે હું કોઈ ઉપાય સૂચવી શક્યો નહિ. પરંતુ પક્ષીઓએ ભેગા મળીને અજબની યુક્તિ કરી. તેમને નવાઈ લાગી. પક્ષીઓના સંપથી તેમના આનંદનો કોઈ જ પાર રહ્યો નહિ.

તળાવના બધા દેડકાં પછી શાંતિથી જીવવા લાગ્યા.

અભિમાની દેડકાને કોઈ જ પૂછતું નહિ.

અભિમાનીની આવી જ દશા થાય ને?

લેખક: ગોવિંદ દરજી દેવાશું

વાર્તા: આપણી ટુકડી ઝિદાબાદ