
“સરપંચજી, આજે તમે બહાર ગામ જશો નહિ” વિદુરના શબ્દો સાંભળી સરપંચ અચંબામાં પડી ગયા. ૮-૧૦ વરસનું છોકરું મને કેમ બહાર જતાં અટકાવતું હશે તે પ્રશ્ન તેમને મુંઝવતો હતો. પણ એમ કોઈ આવા ટાબરિયાનું માને? સરપંચે તો વિદુરની વાત એક કાને સાંભળી બીજા કાને રવાના કરી દીધી. હાથમાં લાકડી લઈ એ તો બાજુના ગામમાં રહેતા તેમના સંબંધીને મળવા ઉપડ્યા. માંડ ગામનો ચૉરો છોડ્યો હશે ને ક્યાંકથી ભેંસ દોડતી આવી. સરપંચને લીધા અડફેટે. ધડામ્ લઈને સરપંચ પછડાયા. પણ માથે પાઘડી બાંધી હોવાથી માથું બચી ગયું પણ હાથે ફ્રેક્ચર થયું. આજુબાજુના લોકોએ તેમને ઊભા કર્યા અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લઈ ગયા. હાથનો દુ:ખાવો અસહ્ય હતો. ત્યાંથી શહેરની ઓર્થોપેડિક હોસ્પીટલમાં મોકલવામાં આવ્યા. વિદુરને ખબર પડી. સરપંચ હોસ્પીટલમાં છે તરત જ દોડ્યો. ગામના ચૉરેથી એક વાહન જતું હતું તેમાં બેસી ગયો ને પહોંચ્યો હોસ્પીટલે. ખાટલે હાથમાં પાટા સાથે સરપંચ સૂતા હતા. બંનેની આંખ મળી અને સરપંચને પેલા શબ્દો યાદ આવ્યા, “સરપંચજી, આજે........” “બેટા, તારું માન્યું હોત તો મારી આ દશા ન થાત.” સરપંચની આંખો જાણે વિદુરની માફી માગતી હતી. ખબર અંતર પૂછી વિદુર ઘરે આવ્યો.
મમ્મી ઢોકળાં બનાવવાની તૈયારી કરતી હતી. “મા, આજે બીજું કંઈ બનાવને, કહી વિદુર બહારના રૂમમાં ગયો. ! ઢોકળાંની કઢાઈ પર ઢાંકેલી થાળી તેણે ઉપાડી અને થાળી છટકી ગઈ. અંદરની વરાળથી તેનો હાથ દાઝી ગયો. “ઓ...મા...”ની બૂમ પડી. વિદુર બહારથી દોડતો આવ્યો. મમ્મીનો હાથ દાઝી ગયો હતો. તરત જ દવાખાને જઈ સારવાર કરાવી. આમ આવા અનેક કિસ્સાઓ બનવા લાગ્યા. વિદુરના મિત્રો તો તેને ગાંડો જ ગણતા હતા. પણ જેમ જેમ વિદુરની ભવિષ્યવાણીનો અનુભવ બધાંને થતો ગયો તેમ તેમ લોકોને “વિદુરમાં કોઈ અજબ ચમત્કારિક શક્તિ છે” તેવું લાગવા લાગ્યું.
એક દિવસની વાત છે. વિદુર ગામ બહારના પીંપળાના વૃક્ષ નીચે બેસી કંઈક ગણગણી રહ્યો હતો. તેના શિક્ષક ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. તેમણે આ જોયું. તેમને પણ વિદુરના ચમત્કારની વાત સાંભળવા મળી હતી. તેમણે આ જોયું. દબાતા પગે તે વિદુર શું તંત્ર-મંત્ર કરે છે તે જોવા ઝાડ પાછળ આવીને ઊભા રહ્યા. તેમણે સાંભળ્યું તો તેમના આશ્વર્યનો પાર ન રહ્યો. વિદુર ભગવાન શંકરની ઉપાસનાના મંત્રો બોલતો હતો. આ તેનો નિત્યક્રમ હતો. અને તેથી જ એક રાત્રે ભગવાન સ્વયં પ્રગટ થઈ વિદુરને વરદાન માગવા કહ્યું હતું. વિદુરે તે સમયે ખૂબ જ વિચાર કર્યો હતો અને અંતે નિર્ણય પર આવ્યો કે “એવું કંઈક માંગુ કે જેના કારણે લોકોને હું મદદગાર બની શકું અને દુ:ખમાંથી તેમને ઉગારી શકું...” અને તેણે માંગેલું, “ભગવાન, મારા માટે મારે કશું જ માગવું નથી પણ જો આપ મને ભવિષ્ય જાણવાની વિદ્યા આપો તો હું અન્ય લોકોને મદદગાર બની શકું.” અને ‘તથાસ્તુ’ કહી ભગવાન અદ્રશ્ય થઈ ગયેલા. પરંતુ આ વાત એણે કોઈને પણ કરી નહોતી. શિક્ષક તો ઊભા ઊભા થાક્યા એટલે એની સામે આવીને બેસી ગયા. વિદુરની આંખો બંધ હતી. મનમાં મંત્રજાપ ચાલુ હતો. શરીર સ્થિર હતું. શિક્ષકને આશ્ચર્ય લાગ્યું “આટલો નાનો છોકરો અને આવું ગજબનું ધ્યાન ! વાહ, ધન્ય છે તેના મા-બાપને” ને એટલામાં વિદુરે આંખો ખોલી. જોયું તો પોતાના ગુરુ સામે બેઠેલા આમ તો તેને ધ્યાનમાં ખબર પડી જ ગઈ હતી. ગુરુને સાષ્ટાંગ પ્રણામ કર્યા. શિક્ષક તો ગદ્દગદ્દ થઈ ગયા. પછી તો આખીય શાળામાં વિદુરનું નામ પડી ગયું. ‘વિદુર યોગી’. પરંતુ વિદુરને કોઈ અભિમાન ન હતું. એણે તો લોકોના કલ્યાણ માટેની વિદ્યા માગી હતી.
‘હમણાં હમણાં વિદુર મારી ખૂબ જ સાંભળ લેતો થઈ ગયો છે.’ તેના પિતાએ વિદુરની મા ને કહ્યું, “હા, મને પણ એમ જ લાગે છે. પણ એમાં નક્કી કંઈક હશે જ.” બેઉ જણ વાત કરી રહ્યા હતા અને વિદુર તે ઓરડામાં આવ્યો. પોતાના પિતાજીને ગળે વળગી ખૂબ જ રોયો. તેનાં આંસુ બંધ થતાં ન હતાં. તેની મા ને લાગ્યું કે ચોક્કસ કંઈ અઘટિત બનવાનું છે. આમ ચાલતું હતું ને વિદુરના પિતાને ખાંસી ઉપડી. બંધ જ ન રહે. વિદુરે અને તેની મા એ પાણી પાવા ખૂબ કોશિશ કરી પણ મોં બંધ થાય જ નહિ અને આ સ્થિતિમાં તેમને હ્રદયનો એક જોરદાર આંચકો આવ્યો અને શરીર ઢળી પડ્યું. ઘરમાં રોકકળ થઈ ગઈ. વિદુરની સ્થિતિતો વધારે દયનીય હતી. તે જાણતો હતો પરંતુ તેનો કોઈ ઉપાય ન હતો. જે જન્મે છે તે મરવાનું પણ હોય છે જ. વિદુર ખૂબ જ રડ્યો.... લોકો ભેગા થઈ ગયા. ઘણાએ વિદુરની મજાક પણ કરી લીધી..... ‘મોટો ભવિષ્ય કહેનારો ન જોયો હોય તો ! પોતાના બાપને બચાવી શક્યો?” વિદુર પિતાજીના અવસાનથી દુ:ખી હતો જ ને સાથે સાથે લોકો આવા ચાબખા મારતા હતા... તેને પોતાની જાત પર ગુસ્સો આવ્યો. આગ્નિદાહની વિધિ થઈ ગઈ. દિવસો વીત્યા.
વિદુર પેલા પીંપળા નીચે બેઠો હતો. આજે તેની સમાધિ અત્યંત ઊંડી હતી. ભગવાનનું સ્મરણ કરતો હતો. અંધારું થવા આવ્યું. લોકો ઘરમાં ભરાયાં. વિદુર હજી ત્યાં જ હતો અને ભગવાન સાક્ષાત્ આવ્યા. “બેટા, કેમ દુ:ખી છે.” “પ્રભુ, હું જાણુ છું કે મારા બાપુને મેં કહ્યું હોત તો પણ હું બચાવી શક્યો ન હોત. પણ આવું જાણીને દરેક વખતે હું દુ:ખી થયો છું મારાથી કોઈનું દુ:ખ સહન નથી થતું. આપ, મહેરબાની કરી આપનું વરદાન પાછું ખેંચી લો, બસ આટલી મારા પર કૃપા કરો...’ ને “તથાસ્તુ” કહી ભગવાન અદ્રશ્ય થઈ ગયા
અનંત શુક્લ