‘દોડો, દોડો, ગુરુકુળમાં આગ લાગી છે.’ રીડિયા અને કિકિયારા ચારેય બાજુથી સંભળાવા લાગ્યા. કોઈકે ઢોલીને જાણ કરતાં, આગ ઓલવવા મદદે આવવાનો બૂંગિયો ઢોલ પણ વાગવા માંડ્યો.
હાથે ચડ્યું એ વાસણ પાણીથી ભરી ગુરુકુળ બાજુ હાંફળાંફાફળાં બની સૌ દોડવા લાગ્યાં. ચારે બાજુથી પાણીનો છંટકાવ થવા લાગ્યો. પણ આજે અગ્નિદેવે જાણે રુદ્રરૂપ ધારણ કર્યું હોય એમ, આગ કાબૂમાં આવતી જ નહોતી.
કોઈકનું ધ્યાન ગુરુકુળના કૂવા તરફ ખેંચાયું. ગુરુકુળના બગીચાને પાણી પાવા, કૂવા પર રહેંટ મૂકેલો હતો. પણ રહેંટ સાથે જોડાતો બળદ ત્યાં ન હતો.
મહેમાનને મૂકવા માટે દમણિયા સાથે એને જોડવામાં આવ્યો હતો.
આગ ઓલવવામાં નિષ્ણાત મનાતા ચાર-પાંચ માણસોને ખબર પડી કે કયાંયથી પણ બળદ લઈ આવવામાં આવે અને રહેંટ સાથે જોતરવામાં આવે તો પાણી વિપુલ પ્રમાણમાં ટાંકીમાં ભરવા લાગે અને પાણીનો પુરવઠો ઝડપથી આગ ઓલવનારાઓને મળવા લાગે તો, આગ તરત કાબૂમાં આવ્યા વિના ન રહે.
બે-ત્રણ વિદ્યાર્થીઓ બળદ લેવા દોડયા. પાંચ-સાત વિદ્યાર્થીઓ સ્થિતપ્રજ્ઞની માફક ઊભા રહ્યા. પણ એ સૌમાં એક કૃશકાય વિદ્યાર્થી હતો.
એ તો આગળ-પાછળનો કંઈ પણ વિચાર કર્યા વિના, રહેંટ સાથે બળદની માફક જોતરાઈ ગયો.
એ દૂબળાપાતળા શરીરમાં અત્યારે ગજબની શક્તિ આવી ગઈ.
સમગ્ર શક્તિને એકઠી કરી, બળદની માફક વિદ્યાર્થી ગોળ ગોળ ફરવા લાગ્યો.
ટાંકીમાં પાણી ઠલવવા લાગ્યું. ડોલો ને ડોલો એમાંથી ભરી ભરી આગ ઓલાવનારાઓ આગ ઓલવવા લાગ્યા.
પંદર મિનિટમાં તો આગ સંપૂર્ણ કાબૂમાં આવી ગઈ.
આગ બિલકુલ ઓલવાઈ ગઈ એટલે ગુરુ પણ આ જગ્યાએથી આઘા ખસતાં બોલ્યાં :
’આગ ઓલવવા માટે આટલું બધું પાણી કયાંથી લાવ્યા ? રહેંટ તો આજ સવારથી બંધ છે.’
એક વિદ્યાર્થીએ ગૃહપતિ પાસે આવી વાત કરી :
‘ગુરુજી, રહેંટ તો અત્યારે પણ ધમધોકાર ચાલી રહ્યો છે. આપત્તિ વેળાએ માનવશક્તિ અશ્વશક્તિ જેવી જ તાકાત બતાવી શકે છે, એ દ્રશ્ય નજરે નિહાળવું હોય તો મારી સાથે અત્યારે જ ચાલો.’
ગૃહપતિ તેમજ ત્યાં હાજર હતા એ બધાય પેલા વિદ્યાર્થી સાથે, ગુરુકુળનો કૂવો જ્યાં આવ્યો હતો એ દિશામાં ચાલ્યા.
દૂરથી જ એ દ્રશ્ય નિહાળી સૌ દંગ થઈ ગયા. એ કૃશકાય કિશોર પૂરી તાકાત લગાવીને બળદની માફક હજી પણ ગોળ ગોળ ફરી રહ્યો હતો અને ટાંકીમાં પાણીનો ધોધ ઠલવાઈ રહ્યો હતો.
એ દ્રશ્ય જોતાં જ ગૃહપતિ દોડતા એની પાસે પહોંચી ગયા.
રહેંટને જોતરેથી એ વિદ્યાર્થીને છોડી નાખી ભેટી પડયા.
હૈયાસરસો ચાંપતાં બોલ્યા :
‘ભાઈ, તેં તો આજે ગુરુકુળને અગ્નિમાં ખાક થતું બચાવી લીધું. વિદ્યા તો અહીં હજારો વિદ્યાર્થીઓ લઈ ગયા છે. અત્યારે પણ સેંકડો વિદ્યાર્થીઓ વિદ્યા ગ્રહણ કરી રહ્યા છે. પણ આપત્તિ વેળાએ શું કરવું તે તને તરત જ સૂઝી ગયું. તેં વિદ્યા સાર્થક કરી. તારા ભણતરને તેં ઉજાળ્યું.’
રહેંટ સાથે બળદની માફક જોતરાનારા એ કૃશકાય વિદ્યાર્થી હતા ભિક્ષુ અખંડાનંદ.
વાર્તા: સમગ્ર વિકાસ અભ્યાસક્રમ, ભાષાપોથી-૪