Wednesday, October 27, 2010

સાચો વારસદાર


ચોમાસાની ઋતુ હતી.
અષાઢ મહિનો. રાત્રિનો સમય.
વરસાદ ધોધમાર વરસી રહ્યો હતો. આકાશમાં વીજળી ચમકારા કરી રહી હતી. નદીમાં મોટું પૂર આવ્યું. મધરાતે શાંતિમાં તેનો અવાજ રામપુર ગામમાં સંભળાય.
સવાર થયું. નદીના પૂરને કારણે ચોતરફ પાણે ફેલાઈ ગયું.

લોકોની ઊંઘ તો રાતથી જ હરામ થઈ ગઈ હતી. ગામના આજુબાજુના લોકોના પણ જીવ પડીકે બંધાઈ ગયા.
રામપુર ગામમાં છગનભાઈ નામના એક બહાદુર માણસ. તેઓ ભારે તરવૈયા. અગાઉના વરસોમાં પણ તેમણે પૂર વખતે ઘણા લોકોને નદીમાં ઝંપલાવીને બચાવેલા. જીવના જોખમે તેમણે એવું બહાદુરીભર્યું કામ કરેલું. ગામલોકો તેમની વાહ વાહ કરતા.
પરંતુ .... આ વખતે ભારે પૂર આવેલું. નદી જાણે દરિયો બની ગયેલી. છગનભાઈએ જાણ્યું. નજરોનજર જોયું. તેઓએ નદીમાં ઝંપલાવી દીધું. ગામના કિનારે ઊભેલા લોકો જોતા જ રહ્યા. છગનભાઈ એક પછી એક નદીમાં તણાતા લોકોને બચાવવા લાગ્યા.
નજરોનજર જોનાર ગામલોકો છગનભાઈને હૈયેથી વંદન કરવા લાગ્યા.
બે દિવસ થયા.
પરંતુ નદીના નીર હજુ ઓસરતા નહોતા.
છગનભાઈએ સહેજ પણ આરામ વગર તેમનું સેવાનું કાર્ય ચાલુ રાખ્યું.
તેમને બે દીકરા. પહેલો તે રામજી અને બીજો તે કાનજી.
મોટો દીકરો રામજી તરવામાં ઠીકઠીક હતો. તેને પણ મનોમન થતું, “મારા પિતાજી હયાત નહીં હોય ત્યારે આવું સેવાનું કામ કોણ કરશે?”
ને ખરેખર તે પણ સમય જતાં તરવૈયો બની ગયો.
છગનભાઈના મનમાં ટાઢક વળી. ઈશ્વરની કૃપાથી નદીનું પાણી ઓસરવા લાગ્યું.
વરસો વીતવા લાગ્યાં.
ત્રણ વર્ષ બાદ નદીમાં ફરીથી પૂર આવ્યું. છગનભાઈ અને રામજી-બાપ અને દીકરાએ નદીમાં ઝંપલાવી દીધું. રામજી તો હવે નિષ્ણાત તરવૈયો બની ગયો. બાપ-દીકરાએ ઘણાને નદીમાં તણાતા બચાવી લીધા. બધે જ વાહવાહ થઈ.
સમય વીતવા લાગ્યો. હવે છગનભાઈની પાકટ ઉંમર થઈ, છતાંય પ્રલયકારી પૂર વખતે તેઓ જીવના જોખમે પાણીમાં ઝંપલાવી દેતા.
ચાર વર્ષ પછી એવું જ નદીમાં ભારે પૂર આવ્યું. છગનભાઈએ નદીમાં ઝંપલાવી દીધું. પરંતુ ઉંમરને કારણે તેમની શક્તિ ઓછી થઈ ગઈ હતી. તેઓ બીજા માણસને બચાવવા ગયા, પરંતુ તેઓ બેભાન થઈ ગયા. રામજી નદીમાં કૂદી પડ્યો. તે છગનભાઈને નદીમાંથી બહાર ખેંચી લાવ્યો. છગનભાઈએ સાન-ભાન ગુમાવી દીધાં હતાં. ખાટલામાં પોઢાડવામાં આવ્યા. તેમની આંખો બંધ થઈ ગઈ હતી. હજુ શ્વાસોશ્વાસ ચાલુ હતો. તેમનો જીવ કશાકમાં હશે તેવું માનીને રામજીએ કહ્યું, “બાપા તમે તમારો જીવ કશામાં રાખતા નહિ,” કહેતાં તેની આંખ ભીની થઈ ગઈ. તેણે અટકીને કહ્યું, “હું તમારો વારસો સાચવીશ. પાણીમાં તણાતા માણસને જીવને જોખમે બચાવીશ.”
ને આ શબ્દો છગનભાઈના કાને પડ્યા. એકદમ નાડ તૂટી ગઈ. શ્વાસ થંભી ગયો. સ્વર્ગે ગયા.
ને તે પછી રામજીએ તેના પિતાની જેમ જ ઊજળાં કાર્યો કરવા લાગ્યો. ખરેખર રામજી તેના બાપનો સાચો વારસદાર બની ગયો.

લેખક: ગોવિંદ દરજી ‘દેવાશું’ વાર્તા: આપણી ટુકડી ઝિદાબાદ