સ્વામી વિવેકાનંદનું મૂળ નામ શું ?
નરેન્દ્ર. સૌ તેમને ‘નરેન’ કહેતા.
નરેન શાળામાં ભણતો હતો.
એક દિવસની વાત છે.
શિક્ષક વર્ગમાં કશું ભણાવતા હતા.
તે વખતે નરેન અને તેના દોસ્તદારો શું કરતા હતા ?
તેઓ બધા અંદરોઅંદર કશી વાતની ગુસપુસ કરતા હતા.
શિક્ષકનું એ તરફ ધ્યાન ગયું.
શિક્ષકે એ બધાને ઊભા કર્યા.
શિક્ષકે પોતે શું ભણાવતા હતા એ વિશે સવાલો પૂછવા માંડ્યા.
શિક્ષકે પોતે શું ભણાવતા હતા એ તરફ તે વિદ્યાર્થીઓનું જરાયે ધ્યાન ન હતું.
હવે શું થાય ?
તેઓ કશો જવાબ આપી શક્યા નહિ.
બધા મૂંગા મૂંગા ઊભા રહ્યા.
છેવટે નરેનનો વારો આવ્યો.
શિક્ષકે નરેનને પણ કેટલાક સવાલો પૂછયા.
તેણે શિક્ષકે જે સવાલો પૂછયા એના બરોબર જવાબ આપ્યા !
એનું કારણ શું ?
નરેન એના ગોઠિયાઓની વાતો તરફ ધ્યાન આપતો હતો
સાથોસાથ શિક્ષકે શું ભણાવતા હતા એ તરફ પણ ધ્યાન આપતો હતો.
એટલે નરેને બરોબર જવાબ આપ્યા.
નરેનના સાચા જવાબો સાંભળીને શિક્ષકે તેને બેસી જવા કહ્યું.
બાકીના વિદ્યાર્થીઓને વર્ગમાં ઊભા રહેવાની સજા કરી.
પણ આ શું ?
નરેન પણ ઊભો જ રહ્યો !
એ જોઈને શિક્ષકે કહ્યું :
’અલ્યા નરેન, તેં તો બધા સવાલોના જવાબ બરોબર આપ્યા છે.
’પછી તું શા માટે ઊભો રહે છે ?
’બેસી જા.
’આ બધા ભલે ઊભા રહે.’
નરેને અદબથી કહ્યું :
’ગુરુજી, વર્ગમાં હું પણ આ બધાની સાથે વાતો કરતો હતો.
’માટે મારે પણ ઊભા રહેવું જોઈએ.
’મારો પણ વાંક હતો જ.
’માટે મને સજા થવી જ જોઈએ.’
એમ કહીને નરેન પેલા ગોઠિયાઓ સાથે ઊભો રહ્યો.
વાર્તા: સમગ્ર વિકાસ અભ્યાસક્રમ, ભાષાપોથી-૪