Wednesday, October 27, 2010

શિક્ષણમાં નવતર પ્રવૃત્તિઓ

કાર્યશાળા-અહેવાલ

ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના ઉપક્રમે “શિક્ષણમાં નવતર પ્રવૃત્તિઓ” વિષય ઉપર દિનાંક ૨૦/૯/૧૦ને સોમવારના રોજ STTIના સભાખંડમાં ગુજરાતના જિલ્લાઓમાંથી “જીવન શિક્ષણ સામયિકમાં” છેલ્લા દસ વર્ષમાં આવેલ લેખોમાંથી નવતર પ્રવૃત્તિ કરનાર લેખકો, સંસ્થા અને પ્રવૃત્તિઓના કર્તા તેમજ એવોર્ડી શિક્ષકો અને આ ક્ષેત્રે કાર્યરત એવા શિક્ષણક્ષેત્રના નિવૃત્ત અધિકારીઓની એક કાર્યશાળાનું આયોજન કરવામાં આવેલું. જેમાંથી કુલ ૪૫ ઈનોવેટીવ વ્યક્તિઓ હાજર રહ્યા હતા. આ કાર્યશાળાના ઉદ્દઘાટન પ્રસંગે માનનીય શ્રી આર. સી. રાવલ સાહેબ (નિયામકશ્રી, પ્રાથમિક શિક્ષણ), શ્રી ટી. એસ. જોષી સાહેબ (પ્રાચાર્ય, ગુજરાત અને શિક્ષણ અને તાલીમ ભવન), તેમજ ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના રજિસ્ટ્રારશ્રી ભટ્ટ સાહેબ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન શ્રી મેહુલભાઈ વ્યાસે (ઓ.એસ.ડી., ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી) કર્યું હતું. તેમણે કહ્યું હતું કે શિક્ષક-આચર્ય એવા હોવા જોઈએ કે જે વિદ્યાર્થીને સજા નહિ, સાજા કરે, સુદર્શન નહિ પણ નિદર્શન બતાવે, ક્ષતિ નહિ પણ ક્ષમતા શોધે, ધનને ઓછું મહત્ત્વ આપી સંશોધનને વધુ પ્રાધાન્ય આપે, મેમો નહિ પણ ડેમો આપે. માનનીય શ્રી ભટ્ટ સાહેબ દ્વારા ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના ઉદ્દેશો સ્પષ્ટ કરવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે નવા સમાજ માટે નવી પેઢીનું સર્જન કરનાર શિક્ષક સૂત્રધાર છે. જ્યાં રીનોવેશન નહિ પણ ઈનોવેશન થાય છે આપણે જ્ઞાનની વહેંચણી કરવા આવ્યા છીએ. કાર્યશાળાના અતિથિ વિશેષ શ્રી રાવલ સાહેબે જણાવ્યું કે બાળકોના ભાવ જગતને જાણી લાગણીસભર શિક્ષણકાર્ય થાય તો બાળકોનો વિકાસ થઈ શકે. બાળકોમાં સારા વિચારો અને સ્વપ્નાં રોપીએ. આજના નાના શીશુઓ પણ ટેકનોલોજીના જ્ઞાનથી માહેર થવા લાગ્યા છે તે લક્ષ્યમાં લઈ શિક્ષક જ્ઞાનનો સતત વિકાસ કરતો થાય તે જરૂરી છે. અનેક સંશોધનો થયાં છે પણ આપણે તેનો ઉપયોગ કરતા નથી.

કાર્યશાળામાં જુદા-જુદા જિલ્લામાંથી આવેલ શિક્ષકો દ્વારા તેમણે કરેલી નવતર પ્રવૃત્તિઓનો સામાન્ય પરિચય વ્યક્તિશ: પ્રથમ બેઠકમાં કરાયો. પ્રથમ બેઠકની શરૂઆતમાં માનનીય શ્રી ટી. એસ. જોષી સાહેબે કહ્યું આખા ગુજરાતમાં ઈનોવેશનની હવા છે. નવવિચારની સાથે સાથે નવાચાર પણ જરૂરી છે. વિશ્વને શિક્ષણક્ષેત્રે કંઈક કરી બતાવવા માટેનાં પાયાનાં તત્વો છે કમીટમેન્ટ, ઈનીશિયેટીવ અને ક્રિએટીવીટી, સ્વ. ગિજુભાઈના વિચારોના સંદર્ભે મૂર્ત સાધનોના ઉપયોગો શરૂ થયા. જુગતરામ દવે એ નવો વિચાર આપ્યો તે પ્રમાણે રમકડાં નહિ પણ કામકડાંની આવશ્યકતા છે. શિક્ષક જે સ્થળે કાર્યરત હોય ત્યાંના સ્થાનિક કલ્ચરને જો તે ઓળખી શકે તો જરૂરથી સફળ બની શકે.

ભોજન પછી ત્રીજું સત્ર શરૂ થયું જેમાં ૩ ગ્રૃપમાં બધાંને વહેંચવામાં આવેલા. આ સમગ્ર સત્રનું સતત નિરીક્ષણમાં શ્રી ટી. એસ. જોશી સાહેબે કરેલું માનનીય શ્રી જ્યોતિબહેન થાનકી, શ્રી કિરીટભાઈ શુક્લ અને શ્રી અનંત શુક્લને જુદા જુદા ગ્રૃપમાં થતા કાર્ય અંગે માર્ગદર્શક તરીકે મૂકવામાં આવેલા. આ સત્રના અંતે સભાગૃહમાં સમારોપ બેઠક રાખવામાં આવી જેના અધ્યક્ષ સ્થાને માનનીય શ્રી જ્યંતિ રવિએ (ઉચ્ચ શિક્ષણ કમિશ્નરશ્રી) હાજર રહી માર્ગદર્શન આપ્યું. તેમણે કહ્યું ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીએ શિક્ષકોના નાવિન્યીકરણ માટેની સંસ્થા છે. બાળકમાં જે ઉત્કૃષ્ટ છે તેને ઓળખી બહાર લાવીએ. પહેલા ક્યારેય ટીંચીગ જેવો કોઈ શબ્દ જ નહતો. આપણે જીવનભર શીખતા રહીએ છીએ અને Learning થાય છે. શ્રેષ્ઠ પ્રવૃત્તિઓનું ડોક્યુમેન્ટેશન, તે અંગે ફિલ્મો, શ્રેષ્ઠ કામગીરી માટેના એવોર્ડ વગેરેનો વિચાર ચાલે છે. ડર સમજના અભાવે હોય છે તે દૂર કરવાનો છે. નવા કાર્ય માટે RAMA થિયરી પ્રમાણે પહેલાં Reaction (પ્રત્યાઘાત) નકારાત્મક હશે પરંતુ સાચો ઈનોવેટર આગળ વધશે, લોકોના Annoyance (ગુસ્સા)નો સામનો કરવો પડશે તો પણ તે કમીટેડ હોવાથી આગળ વધશે. અલબત્ત તેની ગતિ ધીમી બનશે એટલે કે Malo(મંદતા) આવશે. પરંતુ છેવટે Acceptance (સ્વીકૃતિ) આવશે. જો કે આ ઘણું જોખમી સ્ટેજ છે. તેનાથી વ્યક્તિમાં Igo (અહં) સર્જાવાની શક્યતા રહેલી છે. આપણા આ કામને વેબ પર મૂકીશું જેથી વિશ્વના અન્ય લોકો પણ જોઈ શકશે. આપણો મુદ્દાલેખ છે સત્યમ્, ઋતમ્ અને બૃહત્. બાળકોની નિર્મળતાને આપણે છૂંદવી નથી.

અને અંતે માન જ્યોતિબહેન થાનકીએ સમાપન માર્ગદર્શન આપતાં કહ્યું શિક્ષણકાર્ય દરમ્યાન વર્ગશિક્ષણમાં નાવિન્યીકરણ યોજાય ત્યારે કેળવણીનો કીમિયો સર્જાય છે. ચેતના ઉજાગર થાય છે. અંતરમાં પ્રથમથી જ રહેલી પૂર્ણતાનું પ્રગટીકરણ એટલે શિક્ષણ. દેવશીશુના ભાવજગતને સ્પર્શીએ તે જ ખરું નાવીન્યીકરણ. શિક્ષક તમસનું વિસર્જન, રજસનું નિયંત્રણ અને સત્ત્વનું ઉદ્દધાટન છે. શિક્ષકનું વર્તન આદર્શરૂપ હોવું જોઈએ. સાધના વગર શિક્ષણરૂપી ભગવદ્દ કાર્ય કરતાં કરતાં પોતાનો વિકાસ બાળકોની ચેતનાનો વિકાસ-સમાજનો વિકાસ અને અંતે રાષ્ટ્રનો વિકાસ સાધી શકાય છે.