ઉદઘાટન સમારોહ
૦૨/૧૦/૨૦૧૦ શનિવાર
ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી અંતર્ગત તપોવન પ્રોજેકટનું ઉદ્દઘાટન તા. ૨ ઓક્ટોબર ગાંધીજયંતિના દિવસે કરવામાં આવ્યું. આણંદ જિલ્લાના પાંચ ગામોમાં અને ગાંધીનગર જિલ્લાના રૂપાલ ગામમાં એમ કુલ છ તપોવન કેન્દ્રોનું આ શુભ દિવસે ઉદ્દઘાટન કરવામાં આવ્યું.
આણંદ નજીકના રાજોડપુરા ગામમાં આવેલાં ત્રિભુવનદાસ ફાઉન્ડેશનમાં શ્રીમતિ જયંતી રવિ ઉચ્ચ શિક્ષણ કમિશ્નર ગુજરાત રાજયના વરદ હસ્તે દીપ પ્રજ્જ્વલન થયા બાદ ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીની પ્રથમ પ્રોજેક્ટનું વિધિવત્ ઉદ્દઘાટન કરવામાં આવ્યું. નાના બાળકોની સુંદર પ્રાર્થના બાદ કમિશ્નરશ્રીએ તપોવન શું છે, તે ત્યાં હાજર રહેલા બાળકો , માતાઓ અને વડીલોને સમજાવ્યું. એ ઉપરાંત આણંદ જિલ્લાના ડી.ડી.ઓ શ્રીમતી અવંતિકાબેન અલઘે ગર્ભવતી માતાઓને પૌષ્ટિક ખોરાક અને મનની પ્રફુલ્લિતતા માટે યોગ્ય વાતાવરણની આવશ્યકતા વિષે જણાવ્યું. જ્યોતિબહેન થાનકીએ માતાના વિચારોની ગર્ભસ્થ શિશુ પર પડતી અસરોની સદ્રષ્ટાંત સમજૂતી આપી ત્યારબાદ આંગણવાડીના નાનાં ભૂલકાંઓએ સમૂહગીત અભિનય સાથે ગાયું. ખૂબ જ શાંતિપૂર્ણ રીતે ભક્તિભાવભર્યા વાતાવરણમાં તપોવનનું ઉદ્દઘાટન તપોવનની ગરિમાને છાજે એ રીતે થયું.
બીજું કેન્દ્ર પણ આણંદ જિલ્લાનું સારસા હતું. ત્યાં આરોગ્ય કેન્દ્રના ભવનમાં હાલ તો આ કેન્દ્ર ચલાવવામાં આવશે. આરોગ્ય કેન્દ્રના સર્વ અધિકારીઓ, આંગણવાડી બહેનો, ધાત્રીમાતાઓ, આશાકાર્યકરો અને ગર્ભવતી માતાઓ તથા બાળકો બહોળી સંખ્યામાં હાજર હતાં. આરોગ્ય અધિકારીશ્રીએ ઘણી જ સરસ તૈયારી કરી રાખી હતી. ત્યાં પણ દીપ પ્રગટાવીને ઉચ્ચ શિક્ષણ કમિશ્નર ગુજરાત – શ્રીમતિ જયંતી રવિએ સારસા – તપોવન કેન્દ્રનું વિધિવત ઉદ્દઘાટન કર્યું. ત્યાર બાદ શ્રીજ્યોતિબહેને સરળ ભાષામાં તપોવન વિષે બધાને સમજૂતી આપી. ત્યારબાદ ઉચ્ચ શિક્ષણ કમિશ્નરશ્રીએ માતાઓના સ્વાસ્થ્ય, શિક્ષણ અને પ્રસન્નતા ઉપર તેના આવનાર બાળકની પ્રકૃતિનો આધાર રહેલો છે. એ વાત દ્રષ્ટાંત સાથે સમજાવી. પછી ત્યાંના બાળ આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી અને ત્યાં તપોવન સેન્ટર કેવી રીતે વિકસાવી શકાય એની કમિશ્નરશ્રી અને ડી.ડી.ઓશ્રીએ ચર્ચા વિચારણા કરી. આ સમારોહમાં અગ્રગણ્ય આગેવાનો, સરપંચશ્રી અને ગર્ભવતી માતાઓ બહોળી સંખ્યામાં હાજર રહ્યાં હતાં.
આણંદ જિલ્લાના થામણા ગામે ત્રીજા તપોવન કેન્દ્રનું ઉદ્દઘાટન ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના તપોવન પ્રોજેકટ કો-ઓર્ડીનેટર શ્રીમતિ અનન્યા ભટ્ટાચાર્યે દીપ પ્રગટાવીને કર્યુ. ત્યારબાદ તેમણે તપોવન શું છે, તેની વિસ્તૃત માહિતી ગ્રામજનોને આપી. અહીં પણ બહોળી સંખ્યામાં માતાઓ – ગ્રામજનો હાજર હતાં અહીં આવેલી ગર્ભવતી માતાઓ અને બાળકોને સુખડીના પેકેટ વહેંચવામાં આવ્યાં હતાં અહીં ગામલોકોનો ઉત્સાહ અને સહકાર ઘણો જોવા મળ્યો હતો.
આ ઉપરાંત આંણદ જિલ્લામાં અને ત્રિભુવનદાસ ફાઉન્ડેશનના તારાપુરમાં આવેલા કેન્દ્રમાં પણ બે તપોવન કેન્દ્રો શરૂ કરવામાં આવ્યાં. ત્યાં પણ દીપ પ્રજ્જ્વલન- કેન્દ્રના આરોગ્ય અધિકારી દ્વારા થયું.
ગાંધીનગર જિલ્લામાં રૂપાલ ગામે પણ તપોવનનું છઠ્ઠું કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું હતું આ તપોવન પ્રોજેક્ટના ઉદઘાટન માટે ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીમાંથી પ્રતિનિધિ તરીકે બે પ્રોજેક્ટ કો-ઑર્ડિનેટર ત્યાં હાજર રહ્યાં હતા. માન.શ્રી હેમાબહેન જોશીના સહયોગ દ્વારા તપોવન પ્રોજેક્ટના ઉદઘાટન માટેની તૈયારીઓ કરવામાં હતી ઉપરાંત આ કાર્યમાં ત્યાંના મેડિકલ ઓફિસર શ્રી અપેક્ષાબહેનનો પણ પૂર્ણ સહયોગ મળી રહ્યો. હતો. ઉદઘાટન સંદર્ભે ગામની આંગણવાડીમાંથી ચારેક આશા વર્કર બહેનો પણ ત્યાં આવી હતી તો વળી આ પ્રોજેક્ટ જેમના માટે શરૂ કરવા જઇ રહ્યા છીએ એવી ગામની જ છ-સાત સગર્ભા બહેનો પણ ઉપસ્થિત રહી હતી.
આશા વર્કર બહેનોએ પ્રાર્થનાગાન દ્વારા કાર્યક્રમની શરૂઆત કરી. સૌએ સાથે મળી દીપ પ્રાગટ્યથી તપોવન પ્રોજેક્ટના વિચારને વહેતો મૂક્યો. તપોવન પ્રોજેક્ટની પ્રયોજના સંદર્ભે શ્રી અશોકભાઇએ તેના હેતુથી સર્વે ઉપસ્થિત વ્યક્તિઓને માહિતગાર કર્યા. ત્યારબાદ હેમાબહેન જોશીએ પ્રસંગાનુસાર ઉદબોધન કરી આખાય પ્રોજેક્ટની પ્રસ્તાવના બાંધી. અને આમ તપોવન પ્રોજેક્ટની શુભ શરૂઆત થઇ.