બાળકોએ ઉજવ્યો બાલદિન - ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના સંગાથે
તા. ૧૪ નવેમ્બર,૨૦૧૦ બાલદિન
‘’પ્રત્યેક બાળક મહત્વનું છે’’ અંતર્ગત રાજ્યના બાળકનો સર્વાંગી વિકાસ થાય તે હેતુથી યુનિવર્સિટી બાળ વિકાસની જુદી જુદી પ્રવૃત્તિઓ કરે છે. જે અન્વયે ૧૪ નવેમ્બર ૨૦૧૦,’’બાલદિન’’ નિમિત્તે બાળકના સર્વાગી વિકાસ માટે, બાળકોની અંતર્નિહિત સર્જનાત્મકતાની ખિલવણી અર્થે ચિલ્ડ્રન્સ યુનિવેર્સિટી કેમ્પસ સેક્ટર-૧૯,ગાંધીનગર ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
પ્રસ્તુત કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રોના આમંત્રિત તજજ્ઞોએ તથા યુનિવર્સિટી પરિવારના તજજ્ઞોએ બાળકોને હર્ષભેર વિવિધ પ્રવૃત્તિઓ કરાવી હતી અને બાળકોએ ખુબજ આનંદ પૂર્વક એમાં હિસ્સો લઇ પોતાનામાં રહેલ સર્જન શક્તિને નવા આયામો સુધી લઇ જવા પ્રયત્ન કર્યો હતો.
બાળકો માટે આ કાર્યક્રમ પ્રેરણારૂપ અને યાદગાર બની રહે તે હેતુથી તેઓએ તૈયાર કરેલ કૃતિઓ રાજ્યના તમામ મંત્રીશ્રીઓ ને મોકલવામાં આવી હતી.
કાર્યક્રમની આછેરી ઝલક
પ્રથમ ચરણ સવારે ૧૧:૦૦ થી ૧:૦૦
કાર્યક્રમના પ્રારંભે પ્રો. દક્ષાબેન ભાવસાર તથા શ્રી રેખાબેન ભટ્ટે બાળકોને અભિનય સાથે સુંદર બોધકથાઓ કહી હતી ત્યાર બાદ બાળકોએ સમૂહ ભોજન કર્યું હતું.
દ્વિતીય ચરણ બપોરે ૧:૦૦ થી ૩:૦૦
કાર્યક્રમના દ્વિતીય ચરણમાં બાળકોને પોતાની કલા દર્શાવવા ખુલ્લું આકાશ મળે તે હેતુથી ચિત્રકલાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. બાળકોને યુનિવર્સિટી તરફથી જરૂરી સામગ્રીઓ આપવામાં આવી હતી જેના દ્વારા તેઓએ પોતાની વિવિધ કલ્પનાઓ અનુસાર વિવિધ સુંદર ચિત્રો બનાવી સહુને મંત્રમુગ્ધ કરી દીધા હતા જે માટે તેઓને જરૂરી માર્ગદર્શન ચિત્રકલાના નિષ્ણાત દ્વારા આપવામાં આવ્યું હતું.
તૃતીય ચરણ બપોરે 3:૦૦ થી ૬:૦૦કાર્યક્રમનું દરેક ચરણ બાળકો માટે વધુને વધુ રોચક બની રહ્યું હતું જેના તૃતીય ચરણમાં બાળકોને સૂકા ફુલ વેલ અને પાંદડીઓની વિવિધ સામગ્રીઓ આપવામા આવી હતી. જે દરમ્યાન સૌપ્રથમ તેઓને વિવિધ વનસ્પતિઓ સંદર્ભે ઊંડી જાણકારી આપવામાં આવી હતી અને તેના વિવિધ ઉપયોગો વિષે સમજ આપવામાં આવી હતી. આ સામગ્રીના ઉપયોગ દ્વારા તેઓને તેમાંથી વિવિધ કલાત્મક નમુનાઓ બનાવતા શીખવવાનું કાર્ય યુનિવર્સિટીના તજજ્ઞ શ્રી નિકુંજ આર. વાગડિઆ દ્વારા કારાવવામાં આવ્યું હતું. જેના દ્વારા બાળકો ફુલ, વેલ, પાંદ્ડીઓમાંથી કલાત્મક કાર્ડ, ફ્લેપ,નોટબુક કવર, ફોટોફ્રેમ સજાવટ વગેરે તૈયાર કરતાં શીખ્યા હતાં.
આ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ બાળકોને ઓરીગામીની વિશેષ તાલિમ આપી હતી.જે અન્વયે બાળકોને રંગીન કાગળના ટુકડાઓને જુદી જુદી રીતે ઘડીઓ વાળીને તેમાંથી વિવિધ પશુ- પક્ષીઓના કલાત્મક નમુનાઓ તૈયાર કરવાનું શિખ્યા હતા.જે દરમ્યાન તેઓએ દેડકો, વ્હેલ માછ્લી, કુતરો વગેરે જેવા નમુનાઓ તૈયાર કર્યા હતા.
ભાગ લેનાર તમામ બાળકોને ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી દ્વારા પ્રકશિત થયેલ વાર્તાસંગ્રહ ‘ભુલકાઓનો ખજાનો’ ભેટ સ્વરુપે આપવામાં આવ્યો અને આ ખજાનો મેળવીને બાળકો ખુશ ખુશાલ થઇ ગયા ફરી પાછા અમોને જલ્દી બોલાવજો એવું કહી ને પાછા ફર્યાં !
ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી
ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી આયોજિત “તરૂણ માનસ – મૂંઝવણ અને માર્ગદર્શન” વિષયક કાર્યશિબિર
સ્થળ: S.T.T.I ,G.C.E.R.T. BHAVAN, GANDHINAGAR
તારીખ: ૨૩/૧૦/૨૦૧૦
પ્રસ્તાવના:-
તરુણાવસ્થામાંથી પસાર થતા બાળકોને અનેક પ્રકારના મનોવૈજ્ઞાનિક પ્રશ્નો મૂંઝવતા હોય છે. તરુણાવસ્થા એક એવી અવસ્થા છે કે જેમાં યોગ્ય માર્ગદર્શન ન મળે તો તરુણમાં વિવિધ પ્રકારની વિકૃતિઓ આવી જતી હોય છે અને જો યોગ્ય માર્ગદર્શન મળે તો વિકાસની સીડીઓ સર કરે છે. માટે ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીનો એ ધ્યેય છે કે તરુણાવસ્થામાં જોવા મળતી વિકૃતિઓનું શુદ્ધિકરણ, પ્રકૃતિનું વૃદ્ધિકરણ અને સંસ્કૃતિનું સમૃદ્ધિકરણ કરવાનું રહ્યું છે કે જેનાથી વૈજ્ઞાનિક વાસ્તવવાદ અને સર્જનાત્મક ઐક્ય સાધી બાળકનો સુગ્રથિત વિકાસ કરી શકાય.
ઉદ્દધાટન ક્રાર્યક્રમ:- ૧૨:૩૦ કલાકે કાર્યશિબિરનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું.
- તમામ તજજ્ઞશ્રીનું શ્રી મેહુલભાઇ વ્યાસ દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું.
પ્રસંગોચિત વક્તવ્ય:-
ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના રજીસ્ટ્રારશ્રી બી.જે.ભટ્ટ સાહેબે વર્કશોપને અનુરૂપ વક્તવ્ય આપતાં જણાવ્યું કે .....
ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી માતાના ગર્ભાવસ્થાના સમયગાળાથી માંડીને બાળક ૧૮ વર્ષનું થાય ત્યાં સુધીના સર્વાંગી વિકાસને કેન્દ્રમાં રાખીને પ્રકલ્પો કરી રહી છે. વર્તમાન સમયમાં માતા-પિતા અર્થોપાર્જન માટે જ પ્રયત્નશીલ બન્યા હોવાથી બાળકો સાથે પ્રત્યાયન ખૂબ જ ઓછું કરે છે. આથી તરૂણોને માર્ગદર્શન મળી રહે તે માટે ગુજરાતના પ્રત્યેક સ્થળે કેવા પ્રકારની શિબિર કરવી, સમયગાળો કેટલો રાખવો, શીર્ષક કેવું રાખવું વગેરે બાબતોની ચર્ચા કરીએ.
વર્કશોપ- તાલીમ બેઠક-૧ ૧૨:૫૦ કલાક
સ્વામી નિખિલેશ્વરાનંદજી શ્રીરામકૃષ્ણમિશન વિવેકાનંદ મેમોરીયલ વડોદરાના સેક્રેટરીશ્રીએ જણાવ્યું કે.....
(૧) તરૂણાવસ્થામાં મૂંઝવણો ઉભી થાય તેને દૂર કરવા માટે વાંચનની સામગ્રી તૈયાર કરવી.
(૨) સર્વાંગી વિકાસ અને પ્રશ્નોનું નિરાકરણ એમ બે બાબતોને પ્રાધાન્ય આપવું.
(૩) ગ્રામ્ય અને શહેરી ક્ષેત્રે કામ કરેલ છે. જેના પરથી જણાય છે કે જનરેશન ગેપ વધતી જાય છે
સ્પીપાના રજીસ્ટ્રારશ્રી દીપક તેરૈયાએ વર્કશોપને અનુરૂપ જણાવ્યું કે....
(૧) એન.સી.ઇ.આર.ટી.દ્વારા માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવેલ છે.
(૨) દરેક શાળામાં એક પ્રશ્ન પેટી મૂકવામાં આવે.
(૩) સૌપ્રથમ પ્રસ્તુત વિષયના ક્ષેત્રે મટીરીયલ્સ તૈયાર કરીએ, આ ક્ષેત્રે વિદ્યાપીઠ અને જી.સી.ઈ.આર.ટીએ પુસ્તકો લખ્યા છે.
કડી મહિલા આર્ટસ કોલેજના અધ્યાપક ડૉ.બી.ડી.ઢીલાએ સૂચવ્યું કે...
(૧) વર્તમાન સમયમાં કે.જી-૧ અને કે.જી-૨માં હરીફાઇ થાય છે માતા-પિતા પણ આવું જ
ઈચ્છે છે. તેથી સારા માતા પિતા કેવી રીતે બનવું તેને માટે તેમને સલાહ આપવી.
(૨) ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીએ પ્રત્યેક તાલુકા લેવલે એક-એક સલાહકેન્દ્ર ખોલવા જોઈએ.
(૩) સલાહકેન્દ્રોમાં પણ દર્દી કોણ છે તે નક્કી કરવું જોઈએ.
વિરમગામ આર્ટસ & કોમર્સ કોલેજના આચાર્યશ્રી ડૉ.એન.એમ.પેથાણીએ નીચે મુજબના સૂચનો કર્યાં.
(૧) ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીએ જન્મ પૂર્વેથી ૧૮ વર્ષ સુધીના તરૂણોના સર્વાંગી વિકાસ કરવા
માટે પહેલ કરવી જોઈએ.
(૨) સમસ્યાની શરૂઆત કયાંથી થઈ? તે સંદર્ભે દ્રષ્ટિપાત કરવો જોઈએ. ઉદાહરણ તરીકે
શાળામાં શિક્ષક અને આચાર્ય ઝઘડે છે જેની અસર વિદ્યાર્થી પર પડે છે.
(૩) શિક્ષણની સંકલ્પના સ્પષ્ટ થવી જોઈએ એટલે કે શિક્ષણ સંસ્થા અને માતા-પિતા પર
પણ ધ્યાન કેન્દ્રીત થવું જોઇએ, નહિ કે એકલા તરૂણો પર.
સુરત આર્ટસ કોલેજના અધ્યાપક ડૉ.રૂદ્રેશ વ્યાસે જણાવ્યું કે....
(૧) કાઉન્સેલીંગ ક્ષેત્રોમાં સ્ટડી હેબીટ્સ અને કેરીયર ગાઈડન્સને સમાવવા.
(૨) હેલ્પલાઈન શરૂ કરવી.
(૩) ૧૩ થી ૧૯ વર્ષના તરૂણોને સમાવવા.
અડાલજ પી.ટી.સી. કોલેજના આચાર્યા શ્રીમતિ સુરેખાબેન ચૌધરીએ જણાવ્યું કે...
(૧) માતાઓને પણ આ પ્રકારના વર્કશોપમાં સામેલ કરવી જોઈએ.
(૨) પી.ટી.સી.કોલેજોમાં પણ વર્કશોપ કરવા.
વિદ્યાભારતી પાટણના શ્રી રૂપેશભાઇ ભાટીયાના મતે....
(૧) શિક્ષકની માનસિકતા વર્ગખંડમાં પાઠયપુસ્તકમાંથી વાંચી જવું, લખાવી દેવું વગેરે જેવી
થયેલ છે. માટે તેને બદલવાના પ્રયત્નોને અગ્રીમતા આપવી.
(૨) બાળકોમાં સદગુણ વિકાસ થાય તે માટે પાઠયપુસ્તકોમાં વિકાસલક્ષી અભ્યાસક્રમનો
સમાવેશ કરવો.
(૩) શિક્ષક તરૂણોનાં શારીરિક પરિવર્તન સમજતો થાય તે માટે પ્રશિક્ષણ આપવું જોઈએ.
જાણીતા કેણવણીકાર અને નિવૃત આચાર્યા સુશ્રી જ્યોતિબેન થાનકીના
મતે....
(૧) આ વિષય ક્ષેત્રે તરૂણો,તરૂણોના માતા-પિતા અને શિક્ષકોને સમાવવા.
(૨) તરૂણોની શારીરિક, માનસિક,આવેગાત્મક અને સામાજિક સમસ્યાઓના કારણો અને
તેના વ્યાવહારિક ઉકેલો મેળવીએ.
(૩) તરૂણોની અંતર્નિહીત શક્તિઓ જાગ્રત થાય તે માટે રચનાત્મક કાર્યક્રમ દર સપ્તાહે
યોજવા.
જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના આચાર્યશ્રી ડૉ. ટી.એસ.જોષીએ
જણાવ્યું કે...
(૧) વિદ્યાર્થીઓ પર અસર કરતા દરેક પરિબળોને આવરી લેવા.
(૨) વાલી જાગૃત થવા જોઈએ તે માટે તેમના વર્કશોપ કરવા.
(૩) શું કરવું તેના કરતાં શું થયેલું છે તેને જોઈને આગળના કાર્યક્રમો કરવા.
વિદ્યાભારતી ગાંધીનગરના શ્રીમતિ રેખાબેન ચુડાસમાએ જણાવ્યું કે...
(૧) તરુણોના સર્વાંગી વિકાસને કેન્દ્રમાં રાખીને વર્કશોપ કરવા.
(૨) ધો.૧૧ અને ૧૨ ના વિદ્યાર્થીઓને વર્કશોપમાં સામેલ કરવા.
જાણીતા સાયકોલોજીસ્ટ ડૉ. ભાલચંદ્ર જોષીના મતે....
(૧) ગુજરાતમાં વસતો પ્રત્યેક તરૂણ જેના પર ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીનું ફોકસ હોવું જોઈએ.
(૨) ભણનાર અને ભણાવનારને આવા વર્કશોપથી આનંદ થશે.
(૩) માતા-પિતા, બાળકો અને શિક્ષકોને સુગ્રથીત રીતે સાંકળીને વર્કશોપ કરવા.
ગુજરાત યુનિવર્સિટીના મનોવિજ્ઞાન વિભાગના રીડર ડૉ. ડી.જે.પંચાલના
મતે...
(૧) પ્રસ્તુત વિષય ક્ષેત્રે માતા-પિતા અને શિક્ષકોના વર્કશોપ કરવા.
(૨) સલાહ કેન્દ્રો ખોલવાં.
ગુજરાત યુનિવર્સિટીના કોમ્યુનિકેશન એન્ડ જર્નાલીઝમ ડિપાર્ટમેન્ટના
અધ્યક્ષ શ્રીમતિ સોનલબેન પંડ્યાના મતે....
(૧) મિડિયાના માધ્યમનો ઉપયોગ કરવો.
(૨) આમ પણ મીડિયા દ્વારા તરૂણોની મૂંઝવણો વધતી ગઇ છે.
ભોજન /વિરામ: ૨:૩૦ કલાક
તાલીમ બેઠક-૨ ૩:૦૦ કલાક
સમાપન:- ૪:૩૦ કલાક
૪:૩૦ કલાકે દરેક તજ્જ્ઞશ્રીઓનો પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર અશોક એન.પ્રજાપતિ દ્વારા આભાર માનવામાં આવ્યો. દરેક તજ્જ્ઞશ્રીઓને ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીની હેન્ડબુક આપવામાં આવી.“તરૂણ માનસ – મૂંઝવણ અને માર્ગદર્શન” વિષયક કાર્યશિબિરમાં 13 તજ્જ્ઞશ્રીએ ભાગ લીધેલ.