Tuesday, October 12, 2010

વૃક્ષપ્રેમી છોકરો



મનાંશ ભોળો-ભટાક છોકરો. એના પિતાજી ધનવાન પણ તેમને અભિમાન નહિ. તેમને વિશાળ બંગલો. બંગલા આગળ બે મોટા વૃક્ષો. એક આસોપાલવનું ઝાડ અને બીજુ સેવનનું ઝાડ. કંઈ કેટકેટલાય પક્ષીઓ તે વૃક્ષો પર આવે, બેસે અને કલરવ કરે. મનાંશ ખુશ થાય. તેના દાદાજી સુમનભાઈ પણ રાજી રાજી થાય. તો ઘરના બધા જ ખુશ ખુશ થાય. એક વખતની વાત. ચોમાસાના દિવસો હતા. અષાઢ મહિનામાં વાવાઝોડું આવ્યું. આસોપાલવનો છેક ઉપરનો ભાગ તૂટી ગયો. મનાંશ રડી પડ્યો. સુમનભાઈએ આશ્વાસન આપતાં કહ્યું, “દીકરા તું રડે તે કેમ કરીને ચાલે? આપણ ભગવાન આગળ લાચાર છીએ. એ હવે આસોપાલવ એકાદ વર્ષમાં તો ‘જૈસે થે’ થઈ જશે.” મનાંશ શાંત થઈ ગયો. તે મોટો થતો ગયો. ચોથા ધોરણમાં આવ્યો. તેને ભણાવવામાં આવ્યું, કે વૃક્ષો તો આપણા મિત્રો છે, વૃક્ષો તો વરસાદ લાવે, તે ઔષધ આપે, ફર્નિચર માટે લાકડું આપે. વૃક્ષો દેવ છે, તે ધન્ય છે. થોડા દિવસ પછી ‘વધુ વૃક્ષો વાવો’ સપ્તાહની ઉજવણી કરવાનું સરકારશ્રીએ નક્કી કર્યું. મનાંશ તો ખુશ ખુશ થઈ ગયો.
ઘેર ગયો. પપ્પાને વાત કરે. મમ્મીને પણ જાણ કરી. તેઓ બંને મનાંશ પર ખુશખુશાલ થઈ ગયા. મનાંશના પપ્પા તો અંકિતભાઈ. તેમને પણ વૃક્ષો ઉપર ખૂબજ પ્રેમ. તેમને મનમાં થયું, “પોતાનો વૃક્ષપ્રેમનો ગુણ મનાંશમાં આવ્યો ખરો.” મમ્મી તે પલકબહેન. તેમના હૈયામાં પણ આનંદ છવાઈ ગયો. ઉષાબહેન. તેમને પણ આનંદ કેમ ન થાય? દાદા-દાદીને પણ પાર વગરનો આનંદ થયો. તેમને મનાંશ માટે ગૌરવ થઈ આવ્યું.
ને ‘વૃક્ષો વાવો’ની ઝુંબેશ આરંભાઈ. મનાંશ જેવા ઘણા છોકરાઓ જોડાયા. અરે, પેલી છોકરીઓ પણ કેમ બાકી રહે? તિથિ, પુષ્પા, નિરુ, કામુ, દીપિકા, ક્રિયા, વૈભવી, હેમલ, માનસી, વૈશ્વી પણ હોંશે હોંશે એ સારી પ્રવૃત્તિમાં જોડાઈ.
આખા ગામમાં જાણે નવી ચેતના ફેલાઈ ગઈ. બધા એક વિચાર પર આવ્યા. ‘ફક્ત રોપા રોપવાથી જ કામ પૂર્ણ થતું નથી. તેનો ઉછેર, દેખરેખ, યોગ્ય જાળવણીની પણ જરૂર છે. ને તે પ્રમાણે કાર્ય આરંભાયું ને આગળ વધ્યું. ચારેક વર્ષમાં તો આખા ગામની આસપાસ વૃક્ષો લહેરાવા લાગ્યાં. ને ચંદુકાકા એ ગામના ખૂબ જ વૃદ્ધ વ્યક્તિ. તેમને યાદ આવ્યું. પોતાનું આંબાવાડિયું કેવું સોહામણું હતું. એ આંબાના વૃક્ષો પર કૈં કેટકેટલાય પક્ષીઓના માળા હતા. પંખીઓ કેવા કિલ્લોલ કરતા હતા? પણ કોઈ જાણે કેમ થોડા વરસો પહેલાં જ એ આંબાવાડિયું કાપી નંખાવ્યું. પક્ષીઓ બિચારા નિરાશ થઈ ગયા. તેમનો વિસામો ગયો. તેમના માળા તૂટ્યા. ચંદુકાકાને કોણ જાણે કેમ એ પછી તો ઘણા જ દુ:ખના દહાડા જોવાનો સમય આવ્યો. તેઓ મનથી વિચારતા, ‘પક્ષીઓના વિસામા સમા ઝાડ કદી કાપવા જોઈએ નહિ.’ ને ચંદુકાકાની ઉંમર પાકટ થઈ ગઈ હતી. તેઓ મરણપથારીએ પડ્યા. મનાંશને બોલાવ્યો, વૃક્ષપ્રેમીને બોલાવ્યો. તે તો હવે યુવાન થઈ ગયો હતો. પોતાને આંબાવાડિયું કપાવ્યાના રૂપિયા પચીસ હજાર મળ્યા હતા. તે રૂપિયા તેમણે મનાંશના હાથમાં આપતાં કહ્યું, ‘બેટા, લે આ ધન. તું આ ધન વડે વૃક્ષો રોપજે-રોપાવજે. હું પંડે સાવ એકલો જ છું. તે તો તું જાણે છે ને? મેં ભૂલ કરી કે સુંદર આંબાવાડિયું કપાવી નંખાવ્યું. જો મને તેનો જ આ બદલો મળી રહ્યો હોય લાગે છે, બેટા.’ કહેતાં તેમની આંખ આંસુથી છલકાઈ ઊઠી. મનાંશે કહ્યું, “દાદાજી, મારે તમારા રૂપિયા ન જોઈએ. તમારા આશિષ જોઈએ.” પરંતુ ચંદુકાકાએ અતિશય આગ્રહ કર્યો. મનાંશને રૂપિયા આપ્યા. મનાંશ ના કહી શક્યો નહિ. તે પછી મનાંશે એક ટુકડી બનાવી. “વૃક્ષ ઉછેર સમિતિ.” યુવાનો-યુવતીઓ તેમાં જોડાતા. અરે, આબાલવૃદ્ધ સર્વે જોડાતા. ચાર-છ વર્ષમાં તો આંબાવાડિયું હરિયાળું બની ગયું. ધન્ય છે આવા મનાંશ જેવા વૃક્ષપ્રેમી બાળકોને. ધન્ય છે તેમના મમ્મી-પપ્પાને અને ધન્ય છે તેમના ગુરુજનોને જેમણે આવા સુંદર કામ કરવા માટે પ્રેરણા આપી.
વાર્તા: આપણી ટુકડી ઝિંદાબાદ
લેખક: ગોવિંદ દરજી ‘દેવાંશું’