Tuesday, October 12, 2010
ફિરસ્તો
રાવજી પટેલ. ગામમાં ખોડિયારના મંદિરની ગલીમાં ડેલા જેવા ઘરમાં રહે. કર્મે ખેડૂત.
બે-ત્રણ દીકરા અને એક–બે દીકરીઓ. જવાનીમાં તો ઘણાં કામો કર્યાં પણ હવે જીવનની સંધ્યા ઢળવાની તૈયારી હતી. તેમનાં પત્ની પણ બહુ જ ગુણિયલ. અડોશ–પડોશનાં કામો સામે માગીને કરી આપે. ભર્યું ભર્યું કુટુંબ. દીકરાઓ પરણ્યા. પરણીને જુદા થયા. ભેગા હતા ત્યાં સુધી તો લૂખું-સૂકું ખાવાનું ડોસા-ડોસીને મળે. અન્નદેવનું અપમાન ન થાય તે હેતુએ રાવજીભાઈના દાંત ન હોવા છતાં જે ભાવે તે ખાઈને ગુજારો કર્યો.
ડોસીમા ખૂબ જ મહેનતુ. પોતાના ઘરનાં કામ તો જાતે કરે જ, પણ તેમાંથી નવરાં પડે એટલે કોઈની નિંદા- કૂથલી કરવાને બદલે અડોશપડોશની બહેનોના કામમાં મદદ કરાવે. પ્રભુનું ભજન એ બેઉ જણનો જીવનમંત્ર હતો.
રાવજીભાઈએ એક સરસ વ્રત રાખેલું. પંચાશી વટાવી ચૂકેલા રાવજીભાઈ ક્યારેય કોઈની નિંદા કરતા નહિ. તેઓને જાણે કે ભગવાને પ્રેરણા કરી હોય કે... ‘તું નિંદા નથી કરતો, પણ ગામમાં તો એકબીજાની નિંદા કરવી એ રિવાજ બની ગયો છે. તે માટે તું કંઈક કર.’ બસ ત્યારથી ઢળતી વયે પણ આ બુઝુર્ગ પોતાના પડોશથી શરૂઆત કરીને પોતાના ગામમાં ઘેર ઘેર બસ એક જ મંત્ર આપતા ફરતા હતા... ‘ભગવાનનું નામ લો, ભજન કરો, કોઈની નિંદા ન કરતા.’ બસ આ તેમની દિનચર્યા બની ગઈ હતી. પોતાના ગામમાં ફરીને તે બાજુના ગામમાં પ્રભુનો આ પયગામ પહોંચાડવા ઊપડી જતા.
બસ, ત્યારથી લઈને આજુબાજુનાં ગામોમાં આ એક જ વ્રતનો પ્રચાર કરતા રાવજીભાઈ સદી વટાવવાની તૈયારીમાં હતા. દરેક ગામના લોકો તેમને ‘ફિરસ્તા’ તરીકે ઓળખવા લાગ્યા. જીવનના અંત સુધી આ સાલસ, નિખાલસ, નિ:સ્વાર્થ સેવાના ભેખધારી રાવજીભાઈ ગામેગામ અને ઘેરઘેર ફરતા રહ્યા. લોકોને સુખી થવાનો જીવનમંત્ર આપતા રહ્યા કે ‘ભગવાનનું ભજન કરો. નિંદા કરશો નહિ.’
કોઈ લેવા-દેવા વગર ઘરનું ગોપીચંદન ઘસીને સમાજમાં આવો જીવનમંત્ર પહોંચાડવાની, સમાજજીવન સુખી કરવાની પરોપકાર-વૃત્તિની મૂર્તિ સમા રાવજીભાઈએ એક સવારે પોતાનો સ્થૂળદેહ છોડી દીધો, પણ સૂક્ષ્મદેહે સમાજમાં જીવંત રહ્યા. તેમના મૃત્યુ સમયે લોકોનાં ટોળેટોળાં તેમના મૃતદેહના દર્શને ઉમટી પડ્યાં. આજુબાજુનાં બધાં ગામ રડ્યાં- એ વસવસા સાથે કે તેઓએ એક ફિરસ્તો ગુમાવ્યો.
વાર્તા: ખટ્ટી મીઠી ટેસ્ટી ટેસ્ટી લેખક: ‘અનંત’ શુક્લ