Tuesday, October 12, 2010
જીવાદોરી
૧
સાઈમના નામે એક મોચી હતો. તેને ન તો ગામમાં પોતાનું ઘર હતું કે ન તો સીમમાં ખેતર. એક ખેડુતની ભાડાની ઝૂંપડીમાં તે રહેતો અને જોડા સીવવાનું તથા સમારવાનું કામ કરી તેનું તથા તેના કુટુંબનું પૂરું કરતો. આ કામ એવું હતું કે તેમાંથી ઝાઝું મળતર થતું નહીં. જ્યારે બીજી બાજુ અનાજ અને રોટલો મોંઘાં હતા. આમ, જે કંઈ કમાણી થતી તે તો પેટ ભરવામાં જ પૂરી થી જતી. આ ગરીબ દંપતી પાસે ઠંડીના દિવસોમાં પહેરવા માટે એક ગરમ કોટ સિવાય બીજું કાંઈ ન્હોતું. હવે તો આ કોટ પણ ચીંથરેહાલ થી ગયો હતો. કારણ, છેલ્લાં બે વરસથી તેઓ નવો કોટ લાવવાનું વિચારતાં હતાં પણ બે છેડા જ જેમતેમ સંધાતા હોવાને લીધે નવો કોટ ખરીદવાનો મેળ પડતો નહોતો. આ વખતે શિયાળા પહેલાં સાઈમને થોડી બચત કરીને કોટ ખરીદવાનું નક્કી કર્યું હતું. તેની પાસે થોડી બચત હતી. તેની ઘરવાળીની પેટીમાં ત્રણેક રૂબલ હતા તથા ઘરાકો જોડા સમરાવી ગયા હતા તેના પાંચેક રૂબલ ઉઘરાવવાના હતા.
એક રજાના દિવસે તેણે નજીકના ગામમાં જઈ કોટ ખરીદી લાવવાનું નક્કી કર્યું. ઠંડી કાતિલ હતી. તેનાથી બચવા માટે તેણે તેના ફાટેલા ખમીસ પર ઘરવાળીનું જાકીટ ચડાવી લીધું. વધારામાં તેમનો એકનો એક ફાટેલો કોટ પણ તેણે પહેરી લીધો. સવારમાં નાસ્તો પતાવી, ગજવામાં ત્રણ રૂબલની નોટ લઈ, એક જુની લાકડી લઈ તે ચાલી નિકળ્યો.
‘ગામમાં પાંચ રૂબલ ઉઘરાવવાના બાકી છે તે ઉઘરાવી લઉં. તેમાં આ ત્રણ રૂબલ ઉમેરીશ એટલે આઠ થશે. બીજા બે મારી પાસે છે. આમ કુલ દસ રૂબલ થયા. તેટલામાં તો કોટ આવી જશે.’ એમ વિચારતો વિચારતો તે ઉઘરાણી માટે એક મોટા જમીનદારને બારણે પહોંચ્યો. જમીનદાર સાહેબ ઘરમાં નહોતા. તેમની પત્ની પાસે સાઈમને પૈસા માગ્યા ત્યારે તેણે કહ્યું, ‘ભાઈ, પૈસા આપવાની કોઈ ના નથી પાડતું, પણ તેઓ જાતે તને રકમ ચૂકવી આપવાનું કહેતા હતા. તેથી તેઓ આવે ત્યારે આવજે, અથવા આવતે અઠવાડીયે લઈ જજે.’ આમ કહી તેણે બારણું ઢાંકી દીધું.
સાઈમન ત્યાંથી એક ખેડૂતને ત્યાં ગયો. અહીં પણ ઉઘરાણી બાકી પડતી હતી. આ બિરાદર ઘરમાં તો હતા, પણ તેણે કહ્યું કે મારી પાસે આજે સમ ખાવાનોય પૈસો નથી. પરંતુ સાઈમન તેને બરાબર ઓળખતો હતો. તેથી તેણે જરા દમ આપ્યો. આખરે પેલાએ વીસ કોપેક આપ્યા. પણ એટલાથી શું વળે ?
આખરે સાઈમને શાખ પર કોટ મેળવવાનું નક્કી કર્યું અને તે બજારમાં પહોંચ્યો. ત્યા જઈ તેણે દુકાનદારને શાખ પર કોટ આપવા વિનંતિ કરી. તે મહિનામાં પૈસા ચૂકવી દેશે તેની તેણે ખાતરી આપી. પણ દુકાનદારે તેની વિનંતિ ન માની વધુમાં કહ્યું, ‘ભાઈ, લોકો પાસેથી પૈસા કઢાવતાં નાકે દમ આવી જાય છે તેની તને કયાંથી ખબર હોય ? એટલે શાખની વાત ને વિનંતિ રહેવા દે અને રોકડા પૈસા લઈ આવ. આ આખા બજારમાં તને કોઈ શાખ પર કોટ આપે એમ મને નથી લાગતું.’
આમ કોટ ન મળ્યો અને એક જગ્યાએથી બીજી જગ્યાએ ધક્કા ખાવામાં જ આખો દિવસ પૂરો થઈ ગયો. પેલા ખેડૂત પાસે ઉઘરાણીના વીસ કોપેક મળ્યા તથા એક બીજા ખેડૂતે તેના જોડા સાંધવા માટે આપ્યાં. તે લઈ તેણે ઘર તરફ ચાલવા માંડ્યું.
પરંતુ કોટ ન ખરીદી શકાયો તેથી તેનું મન ભાંગી પડયું હતું.... સવારમાં તે ટાઢે ધ્રુજતો હતો પણ... પછી તેના શરીરમાં સ્ફૂર્તિ આવી ગઈ. તેણે કોટ કાઢીને ખભે નાખ્યો. એક હાથમાં લાકડી તથા બીજા હાથમાં દુરસ્ત કરવા માટે મળેલા જોડા લઈ, ચાલતાં ચાલતાં તેણે લવારો કરવા માંડ્યો :
‘ આહ... અત્યારે શરીરમાં કેવી સ્ફૂર્તિ લાગે છે... અને અત્યારે મેં કોટ પણ કયાં પહેર્યો છે... હવે...! હવે મારે કોટની શી જરૂર ?... હવે મારે કશાની ચિંતા નથી...ઉભો રહે... જો મારા નીકળતા પૈસા તું મને નહીં આપે તો તારી ચામડી ઉતારી લઈશ... ન ઉતારું તો તારું નસીબ !...એ તે કંઈ વાત છે ? કામ તો બધાને જલદી કરાવવું હોય છે... અને પૈસા... ત્યારે વાયદા કરે છે... એણે મને વીસ કોપેક આપ્યા. પણ એ વીસ કોપેકનું હું શું કરું... ? એ કહે છે એની પાસે હમણાં પૈસા નથી... કદાચ તેની વાત સાચી પણ હોય. પરંતુ તેણે મારી પાસે કામ કરાવ્યું છે તેના પૈસા તો તેણે મને આપવા જ જોઈએ ને ?... એની પાસે પોતાનું ઘર છે, ઢોરઢાંખર છે, અને બીજું ઘણું છે... મારી પાસે તો એક ખોરડું જ છે. મારે દાણેદાણો ખરીદીને લાવવો પડે છે. હું કામ કરું કે ન કરું, મારે ત્રણ કોપેક તો દરરોજ માત્ર રોટલા માટે જોઈએ ને જોઈએ જ.... એટલે બિરાદર ! બીજી ગરબડસરબડ અને બહાનાં રહેવા દો... મારે બીજી કોઈ વાત સાંભળવી નથી.’
આમ લવારા કરતો કરતો તે રસ્તાના વળાંક પાસેથી પસાર થતો હતો ત્યાં તેની નજર વાળાંક પરની દરગાહની ઓથે કંઈ સફેદ પ્રાણી બેઠું હતું ત્યાં પડી. દિવસનું અજવાળું ઓછું થઈ ગયું હતું. મોચીએ એ પ્રાણી તરફ ટીકી ટીકીને જોયું, પણ તે શું છે,તેનો તેને ખ્યાલ આવ્યો નહીં. ‘પહેલાં અહીં આવો સફેદ રંગનો મોટો પથરો તો નહોતો.તો કોઈનો બળદ બેસી રહ્યો હોય એવું પણ બને. પણ ના, એ બળદ તો નથી. અરે ! એનું માથું તો માણસ જેવું લાગે છે ! તેની ચામડી સફેદ રંગની છે- એકદમ સફેદ પણ અહીં અત્યારે કોઈ માણસ આમ આવીને બીસી ન રહે.’
આમ વિચારી એ શું છે તે જોવા માટે સાઈમન દરગાહની નજીક ગયો. તેણે જોયું તો તેની માન્યાતા સાચી ઠરી. એક માણસ દરગાહની ઓથે ટૂંટિયું વાળીને બેઠેલો હતો. તેના શરીર પર એકેય કપડું નહોતું. વળી, તે જીવે છે કે મરી ગયેલો છે તેની ખબર પડતી નહોતી. સાઈમનના શરીરમાંથી ભયની ધ્રુજારી પસાર થઈ ગઈ. તેને થયું, ‘ આ માણસને કોઈકે મારી નાખ્યો છે અને તેનાં કપડાં ઉતારી લીધાં છે. તેને આમ અહીં નાખી દઈ બદમાશો નાસી ગયા લાગે છે. જો હું વધારે ઊં ડો ઊતરીશ તો કદાચ નકામી આફત વહોરી લઈશ.’
આમ વિચારી તેણે ચાલવા માંડ્યું. તે દરગાહ વટાવી આગળ નીકળી ગયો. તેણે કુતૂહલ ખાતર પાછળ નજર નાખી. આ વખતે પેલો માણસ ત્યાં નહોતો. એ માણસ ત્યાંથી ઊઠીને દયામણે ચહેરે સઈમનની પાછળ ખસતો ખસતો આવતો હતો. એને જોતાંની સાથે જ સાઈમનનું હૃદય ફ્ફડી ઊઠયું. આવા માણસને કંઈક મદદરૂપ થવા માટે ઊભા રહેવું કે ત્યાંથી નાસી છૂટવું તેની સમજ ન પડી. તેને થયું, ‘એ કોણ છે તેની મને ખબર નથી. અને તેની સ્થિતિ જોતાં તે અહીં કોઈ સારા કામ માટે આવ્યો હોય એવું પણ લાગતું નથી. જો હું તેને મદદ કરવા માટે તેની પાસે જાઉં તો મને વળગી પડે અને કદાચ મને મારી નાખે એવું પણ બને. અને માનો કે તે મને મારી ન નાખે, તોય બોજારૂપ તો થાય જ. એક તદ્દન અજાણ્યા નગ્ન માણસ પર ભરોસો કેમ મુકાય ? તેને માટે શું થઈ શકે ? હા, એને મારું અંગરખું ઉતારી અપાય ખરું... હે પ્રભુ, હવે તો તું કરે તે ખરું.’
સાઈમન ઝડપથી પગલાં ભરવા માંડ્યાં. પણ આમ કરતાં તેનો અંતરાત્મા તેને ડંખ્યો. તે અટકી ગયો અને ઊભો રહ્યો. તેને અંતરાત્માએ કહ્યું, ‘સાઈમન, તું આ શું કરે છે? આ માણસ મરવા પડયો હોય એમ લાગે છે, મુશ્કેલીમાં છે, અને તું આમ નાસી જાય છે ? શુ6 તારી પાસે એટલા બધા પૈસા છે કે જેથી એ તને લૂંટી લેશે એવી તને બીક લાગે છે ? સાઈમન, તને ભાગી જતાં શરમ આવવી જોઈએ.’
આવો વિચાર આવતાં સાઈમન પાછો ફર્યો અને પેલા માણસ પાસે પહોંચી ગયો.
સાઈમને પેલા અજાણ્યા માણસ પાસે જઈને જોયું તો એ માણસ ટાઢમાં ઠરીને શિંગડું થઈ ગયો હતો. તેના મોં પર ગભરાટ અને ભયની લાગણી જડાઈ ગયેલી હતી.તેનામાં તેની સામે આવીને ઊભેલા સાઈમન તરફ જોવા માટે આંખ ઉઠાવવા જેટલી પણ શક્તિ નહોતી. સાઈમને વાંકા વળી તેને ઢંઢોળ્યો. તેના શરીર પર એક પણ કપડું નહોતું. સાઈમને તેને ઢંઢોળ્યો. તેની શરીર પર એક પણ કપડું નહોતું. સાઈમને તેને ઢંઢોળ્યો તેની સાથે જ તેણે સાઈમન તરફ જોયું. તેની અને સાઈમનની આંખો મળી. તેની નજરમાં મીઠાશ હતી. આવી દશામાં પણ તેની આંખમાંની મીઠાશ જોતાં સાઈમનને એ માણસ ગમી ગયો. તેણે પોતાના હાથમાંના જોડા જમીન પર મૂકી દીધા. પોતાનો કોટ કાઢીને એ માણસને આપતાં કહ્યું, ‘ભાઈ, આ વાત કરવાનો સમય નથી. આ કોટ પહેરી લે અને મારી સાથે ચાલ.’ આમ કહી સાઈમને તેને ઊભા થવામાં મદદ કરી. એ માણસ ઊભો થતાં જ સાઈમન જોઈ શકયો કે તે સશક્ત છે એટલું જ નહીં, પણ તેનું શરીર તદ્દન સાફ છે. શરીર પર રોગનું કોઈ ચિહ્નન નથી. તેના હાથપગ સુડોળ છે તથા મોં પરથી તે સજ્જન લાગે છે. સાઈમને તેના ખભા પર કોટ નાખ્યો. પણ એ માણસમાં જાતે કોટ પહેરવા જેટલી શક્તિ નહોતી. સાઈમને તેને કોટ પહેરવામાં મદદ કરી. બાંયમાં હાથ નાખી આપ્યા અને કોટ પહેરાવી દઈ બટન નાખી પટ્ટો પણ બાંધી આપ્યો.
સાઈમને પોતાના માથા પરની ટોપી પણ કાઢી નાખી અને એ માણસને પહેરાવી દીધી. પરંતુ તેમ કરતાં એને પોતાને ઠંડીને લીધે સાઈમનને નવો વિચાર આવ્યો: ‘જો મને માથામાં આટલી બધી ટાઢ વાગે છે તો આ બાપડાના પગ તો ઠરી ગયા હશે.’ આવો વિચાર આવતાં જ સાઈમન નીચે બેસી ગયો અને તેની પાસે જોડાની વધારાની જોડ હતી તે તેણે એ માણસના પગમાં પહેરાવી દીધી.આમ એક અજાણ્યા માણસને કોટ, ટોપી તથા જોડા આપી દીધા પચી તેણે કહ્યું, ‘દોસ્ત, હવે તું આમતેમ થોડું ચાલ એટલે શરીરમાં ગરમી આવી જશે. બીજી બધી વાતોનું તો થઈ પડશે. તારાથી ચલાય છે તો ખરું ને ?’
એ માણસે સાઈમન સામે એક દયાભરી દ્રષ્ટિ નાખી. પોતાની જગ્યાએથી એ એક ડગલુંયે ખસી શકયો નહીં
‘ભાઈ,તું કંઈ બોલતો કેમ નથી? અહીં આમ ઊભા રહેવાનો કંઈ અર્થ નથી. અહીં તો આપણે બંને ઠરી જઈશું. ચાલ અને જો તને નબળાઈ જેવું લાગતું હોય તો લે આ મારી લાકડી. તેના ટેકાથી તો ચલાશે ને ?’ આમ કહી સાઈમને તેની લાકડી પણ આ માણસને આપી દીધી.
એ માણસે લાકડીને ટેકે ટેકે ડગ ભરવા માંડ્યાં. તેનામાં હવે સ્ફૂર્તિ આવી ગઈ.
તેઓ થોડું ચાલ્યા એટલે સાઈમને પૂછયું, ‘ભાઈ, તારું વતન કયાં ?’
‘હું અહીંનો વતની નથી.’ ‘ એ તો લાગે જ છે. પણ તું અહીં આ દરગાહ પાસે કયાંથી આવી પડયો ?’
‘ એ મારાથીએ કહી શકાય એમ નથી.’
‘કેમ ? કોઈએ તારી સાથે અણઘટતો વર્તાવ તો નથી કર્યો ને ?’
‘ના, કોઈએ મારી સાથે એવો વર્તાવ નથી કર્યો. ભગવાને મને સજા કરી છે.’
‘ભાઈ, આખરે તો આપણા બધાનો કરતાકારવતા એ જ છે... આમ છતાં તારે રહેવા માટે ઘર તથા કંઈ કામધંધો તો હશે ને ? તારે જવું છે ક્યાં ?’
‘એ બધાનો મારી પાસે કંઈ જવાબ નથી.’
આ સાંભળી સાઈમનમે વધારે આશ્ચર્ય થયું ‘આ માણસ સજ્જન લાગે છે. તેની વાતચીત સજ્જનને છાજે તેવી છે. અને આમ છતાં તે તેના પાછલા જીવન વિશે કંઈ માહિતી કેમ નથી આપતો ?... હશે. કોને શી વીતી હોય તેની આપણને શી ખબર ?’ આમ વિચારી તેણે પેલા અજાણ્યાને કહ્યું, ‘કંઈ નહીં, મારી સાથે મારે ઘરે ચાલ. ત્યાં જરા સ્વસ્થ થા અને પછી તારે જવું હોય ત્યાં જજે.’
પેલો માણસ સંમત થયો અને તેણે સાઈમનની સાથે તેના ઘર તરફ ચાલવા માંડ્યું. પવન જોરથી ફૂંકાતો હતો અને સાઈમનને ટાઢ વાતી હતી.... તે ટાઢે થરથરતો હતો. તેની પત્નીના ફાટેલાંતૂટેલાં જાકીટને તેણે બરાબર વીંટી લીધું. તેને થયું, ‘વાહ! જુઓ તો ખરા! હું ટાઢથી બચવા માટે નવો કોટ લેવા ગયો હતો. કોટ લાવવાનું તો બાજુએ રહ્યું.... જે કોટ સાથે લઈ ગયો હતો તે અત્યારે તો મારી પાસે નથી! વધુમાં એક માણસ, જેની પાસે પહેરવાનું એક કપડું સુધ્ધાં નહોતું... તેવા અજાણ્યા માણસને હું મારે ઘરે લઈ જઈ રહ્યો છું.’... તેણે તેની સાથે ચાલતાં અજાણ્યા મહેમાન તરફ એક નજર નાખી એ દરગાહની પાસે અસહાય સ્થિતિમાં પડ્યો હતો ત્યારે એણે જે મીઠી દયાભરી નજર નાખેલી તે સાઈમનને યાદ આવી. તે યાદ આવતાં જ તેનું દુ:ખ ભુલાઈ ગયું અને એક સત્કર્મ કર્યાના આનંદથી તેનું હ્રદય ભરાઈ ગયું.
અનુવાદક : જિતેન્દ્ર દેસાઈ (ટોલ્સ્ટોયની ત્રેવીસ વાર્તાઓ)
(એડીટેડ- ભૂલકાંઓના હિતમાટે)