Monday, September 27, 2010

Editorial

તપોવન
તપોવન શબ્દ સાંભળતા જ આપણાં માનસપટ પર, જનસમાજથી દૂર, ઘટાદાર વૃક્ષો અને હરિયાળીથી છવાયેલું, પક્ષીઓના મધુર કલરવની સાથે સાથે વેદમંત્રોના પવિત્ર ઉચ્ચારણોથી ગૂંજતું અને ફૂલોની મધુર સુગંધની સાથે સાથે હોમના દ્રવ્યોની પવિત્ર સુગંધથી મહેકતું, ઋષિઓ અને શિષ્યોના વેદાભ્યાસનું પવિત્ર સ્થળ અંકિત થઈ જાય છે.
પરંતુ, મિત્રો આજે હું આપ સર્વને જે તપોવનની વાત કરવાની છું, એ તપોવન તો છે, નવી આકાર લઈ રહેલી ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીનું પ્રથમ ચરણ. જે આ નજીકના ભવિષ્યમાં નિર્માણ પામી રહ્યું છે.

બાળકો જ છે, રાષ્ટ્રના ઉજ્જવળ ભવિષ્યના નિર્માતા. શારીરિક રીતે સ્વસ્થ, મન અને બુદ્ધિથી તેજસ્વી, હ્રદયથી વિશાળ અને ઉદાર તથા આત્મશક્તિઓથી સંપન્ન બાળકો જ ભવિષ્યમાં દેશના ઉત્તમ નાગરિકો બનીને દેશને એકવીસમી સદીનું મહાન રાષ્ટ્ર બનાવશે. બાળકોના આવાં સર્વાંગી વિકાસ માટે આપણા માનનીય મુખ્યમંત્રીશ્રીએ ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીની સ્થાપના કરી છે. જેમાં બાળકોના જીવનનાં પ્રત્યેક મહત્વના પાસાંઓને તબક્કાવાર આવરી લેવામાં આવ્યાં છે. તેમાંનું પ્રથમ અને મુખ્ય પાસું છે, બાળકના જન્મ પહેલાંના વિકાસનું અને એ વિકાસ માટે સર્જાઈ રહ્યાં છે, તપોવનો.
આ તપોવન એટલે એવું સંકુલ કે જ્યાં માતાને પોતાના ગર્ભસ્થ શિશુના સર્વાંગી વિકાસ માટે સર્વ પ્રકારની સુવિધાઓ મળી રહે. કેમકે બાળકના શરીર, મન અને સંવેદનતંત્ર પર માતાની અભીપ્સા, વિચારો અને કાર્યોની પ્રબળ અસર પડે છે. તેના અસંખ્ય ઉદાહરણો આપણા શાસ્ત્રોમાં તો જોવા મળે જ છે, પરંતુ આધુનિક તબીબી વિજ્ઞાને પણ એ સાબિત કરી આપ્યું છે કે જન્મપહેલાં બાળક માતાના ગર્ભમાં ૨૮૦ દિવસ રહે છે, તે દરમિયાન તેના ઉપર માતાના માત્ર ચેતાતંત્રની જ નહીં, પણ તેના માનસિક વિચારો, તેની લાગણીઓ અને તેની ઉત્કટ પ્રાર્થનાઓની પણ અસર પડે છે. એટલું જ નહીં પણ ગર્ભસ્થ શિશુ માતાની સંવેદનાઓનો પ્રતિસાદ પણ આપે છે.

તપોવનનું બાહ્ય વાતાવરણ તપોવન જેવું જ નયનરમ્ય વૃક્ષો-લત્તાઓ-રંગબેરંગી પુષ્પોથી સભર હશે. આ સુંદર પરિસરમાં માતાઓ અને ગર્ભસ્થ શિશુઓની પૂરી સંભાળ લેવા માટેની વ્યવસ્થા હશે. માતા અને ગર્ભસ્થ શિશુના શરીરની પૂરી કાળજી લેવા માટેની આધુનિક તબીબી સારવાર માટે ડૉક્ટર, નર્સ, આયા વગેરેની સેવાઓ ઉપલબ્ધ હશે. માતાઓને જરૂરી દવાઓ, વિટામિન્સ, ખનીજતત્વો, પોષણયુક્ત આહાર અંગેનું માર્ગદર્શન આપવામાં આવશે એ સાથે આયુર્વેદિક ઔષધિઓના ઉપયોગ તથા માર્ગદર્શન માટે એક આયુર્વેદિક ડોકટર પણ ત્યાં હશે. એટલું જ નહીં, પરંતુ તપોવનમાં આવનારી પ્રત્યેક ગર્ભવતી માતાને, તપોવનમાં જ ખાસ બનાવાયેલો પૌષ્ટિક નાસ્તો પણ આપવામાં આવશે.

ગર્ભસ્થ શિશુના શરીરની સાથે સાથે તેના મન અને મસ્તિષ્કનો વિકાસ થાય તે માટેનું પણ વાતાવરણ તપોવનમાં પૂરું પાડવામાં આવશે. માતાના વિચારોનો પ્રભાવ ગર્ભસ્થ બાળક પર સીધો પડતો હોય છે. માતાનું મન પ્રફુલ્લિત રહે અને તેના વિચારો ઉન્નત બને એ માટે એક નાનું પુસ્તકાલય હશે કે જેમાં મહાનપુરુષોના જીવન ચરિત્રો, જીવન ઘડતરના પુસ્તકો, ઉપરાંત આપણાં મહાન ધર્મગ્રંથો ઉપલ્બધ હશે. ગર્ભવતી માતા ત્યાં બેસીને પુસ્તકો વાંચી શકે અને ઘરે પણ લઈ જઈ શકે, એવી વ્યવસ્થા હશે. નિરક્ષર માતાઓને કોઈ વાંચી સંભળાવે કે વાર્તા કહે તેવાં બહેનની પણ વ્યવસ્થા હશે. ગર્ભસ્થ બાળક સાંભળે છે; શિવાજીના હાલરડાની એક પંકિત છે; “પેટમાં પોઢેલ બાળુડે સાંભળી રામ-લક્ષ્મણની વાત.” અભિમન્યુની વાત તો સહુ કોઈ જાણે છે કે સુભદ્રાના ગર્ભમાં તેણે મામા શ્રી કૃષ્ણના મુખે ચક્રવ્યૂહના છ કોઠાની વાત સાંભળી હતી. પુસ્તકો ઉપરાંત ટી.વી અને ડી.વી.ડીની પણ વ્યવસ્થા હશે. તેથી ઉત્તમ કથા-વાર્તા, ઊપયોગી માહિતી, વગેરેનું નિર્દર્શન પણ થઈ શકે.

ગર્ભસ્થ બાળકના લાગણીતંત્રનો વિકાસ થાય, બાળકમાં સંગીત, કલા અને કૌશલ્યોનું બીજારોપણ થાય એ માટે પણ તપોવનમાં માતાને યોગ્ય વાતાવરણ પૂરું પાડવામાં આવશે એક સંગીતનો ખંડ હશે, જ્યાં ઉત્તમ પ્રકારનું સંગીત સાંભળી શકાશે. માતાઓ ગીતો – ભજનો ગાઈ શકે તેવી પણ વ્યવસ્થા હશે ઉપરાંત માતાને ચિત્રો દોરવાની ઈચ્છા થાય તો તે માટેની પણ સુવિધા હશે. ગર્ભવતી માતા હળવા યોગાસનો કરી શકે, એ માટે સપ્તાહમાં બે વખત યોગશિક્ષકની પણ વ્યવસ્થા હશે. તે માટેનો અલાયદો ખંડ હશે. માતાને શાંતિથી એકાંતમા બેસીને ચિંતન કરવું, ધ્યાન કરવું હોય, પોતાના ભાવિ બાળક માટે પ્રાર્થના કરવી હોય, તો તેને માટે એક પ્રાર્થનાખંડ-ધ્યાનખંડ પણ હશે.

તો મિત્રો, આ છે તપોવનની પરિકલ્પના.
આપને અમારી આ પરિકલ્પના કેવી લાગી ! આ અંગે આપના મંતવ્યો જાણવા અમને જરૂર ગમશે. જો આપ નીચેના સરનામે આ વિષેના વિચારો એક પોસ્ટકાર્ડમાં લખીને જણાવશો તો અમને આનંદ થશે.

શ્રીમતી જયંતિ રવિ
ચિલ્ડ્ર્ન્સ યુનિવર્સિટી
પી. ટી. સી. પ્રવેશ ભવન
સેકટર ૧૯, ગાંધીનગર