Monday, September 27, 2010
બે ઘટનાઓ
૧. સારામાં સારી મીઠાઈ
બાળમિત્રો, પિતાજી બહારગામ ગયા હોય અને ઘણા દિવસો પાછા આવવાના હોય ત્યારે મનમાં તમે શું વિચારો છો?
• મારા માટે સારાં કપડાં લાવશે, મારા માટે મીઠાઈ લાવશે.
• મારા માટે ચોકલેટ્સ લાવશે.
• મારા માટે કેમરો લાવશે.
• મારા માટે સરસ બૂટ લાવશે..... વગેરે વગેરે....
પણ વિનાયકને પડીકામાંથી શું મળ્યું અને તેનો આનંદ કેવો થયો એ માટે ચાલો વાંચીએ.....
વિનોબાજી દશ વર્ષના હતા. વિનોબાજીનું નામ વિનાયક. તેમનાં બા તેમને ‘વિન્યા’ કહીને બોલાવતાં. તે વખતે નાનકડો વિનાયક બા સાથે મહારાષ્ટ્રમાં આવેલા કોંકણમાં રહેતો હતો. વિનાયકના પિતાજી કામને લીધે વડોદરામાં રહેતા હતા. દર દિવાળીના તહેવારમાં પિતાજી કોંકણ આવતા. એક વેળાએ બાએ વિનાયકને કહ્યું:
“વિન્યા, આજે તારા પિતાજી આવવાના છે.’ વડોદરાથી પિતાજી આવ્યા. વિનાયક એમની પાસે ગયો. પિતાજીએ કહ્યું: ‘આવ, બેટા વિન્યા, તારે માટે આ લાવ્યો છું.’ એમ કહીને પિતાજીએ નાનકડા વિનાયકના હાથમાં એક મોટું પડીકું મૂક્યું. વિનાયકે તે હોંશે હોંશે લઈ લીધું. એને મન એ પડીકામાં ખાવાનું હશે. વડોદરાનો લીલો ચેવડો હશે. પેંડા, બરફી, હલવો જેવી મીઠી મીઠી મજાની મીઠાઈ પણ હોય.
તેણે ઉમંગભેર પડીકું ખોલવા માંડ્યું. અંદર કાગળમાં વીંટાળેલું ચપટું અને લાંબું કંઈક હતું. શું હશે એ? વિનાયકે કુતૂહલતાથી કાગળ ઉઘાડ્યો. જુએ તો એમાંથી બે પુસ્તકો નીકળ્યાં!
વિનાયક એ પુસ્તકો લઈને બા પાસે હરખભેર દોડી ગયો. એ બંને પુસ્તકો જોઈને બા હરખાતાં હરખાતાં કહે: “દીકરા વિન્યા, તારા પિતાજી આજે તારે માટે જે મીઠાઈ લઈ આવ્યા છે, એનાથી શ્રેષ્ઠ અને મીઠી મીઠાઈ બીજી કોઈ જ નથી.” ’આ જ સારામાં સારી મીઠાઈ છે.” એ બે પુસ્તકો હતાં: રામાયણ અને મહાભારતની વાતો. વિનોબાજી મોટપણે આ પ્રસંગને યાદ કરીને કહેતા હતા: ’એ ચોપડીઓ મેં કેટલીયે વાર વાંચી. બાનું એ વખતનું કહેવું કેટલું સાચું હતું, એની મને ત્યાર પછી ખાતરી થઈ. આજે પણ મને એ મીઠાઈ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.
૨. ધારેલું કામ પાર પાડ્યું
બાલમિત્રો, આપણે મનમાં ઘણું ઘણું ધારીએ છીએ, પણ એ બધું થઈ શકે છે? જો ન થઈ શકતું હોય તો કેમ? એવું આપણે ક્યારેય વિચારી છીએ? તમારા જેવડા જ માધ્યમિક શાળામાં અભ્યાસ કરતા વલ્લભે શું કર્યું તે ચાલો, આપણે વાંચીએ.....
ગુજરાતમાં ખેડા જિલ્લો આવેલો છે. ખેડા જિલ્લામાં એક ગામ.
એ ગામનું નામ કરમસદ. સરદાર વલ્લભભાઈ પટેલનું એ વતન. સરદાર વલ્લભભાઈ નાના હતા ત્યારથી આ વાત છે. કરમસદ ગામમાં સાત ધોરણ સુધીની ગુજરાતી શાળા હતી. ગામમાં અંગ્રેજી શાળા નહિ. અંગ્રેજી ભણવું હોય તો પેટલાદ જવું પડે. છોકરાઓ રોજ છ-સાત માઈલ જાય-આવે. ગરમીના દિવસોમાં શાળાનો સમય સવારનો. શાળા છ-સાત માઈલ દૂર. વિદ્યાર્થીઓ કરમસદથી પરોઢ થતાં પહેલાં શાળાએ જવા નીકળી જાય. એક દિવસ હંમેશની માફક વહેલી સવારે પાંચ-છ ગોઠિયાઓ શાળાએ જતા હતા. પગથી પરથી ધીમે ધીમે જતા હતા. ચાલતા જાય અને અલકમલકની વાતો કરતા જાય. કોઈ વળી પોતાની ધૂનમાં ચાલ્યા કરે. એવામાં એક જણે આસપાસ જોયું. ટોળીમાં એક ઓછો છે! તે આજુબાજુ જોઈને બોલ્યો:
‘અલ્યા, વલ્લભ ક્યાં ગયો?’ બીજાએ પાછળ જોઈને કહ્યું: ’એ પેલો જણાય!’ ’કાંઈક ગડમથલ કરતો લાગે છે. ’એના ધંધા જ એવા! ’કંઈ ને કંઈ પરાક્રમ કરતો જ હોય.’ ત્રીજાએ બૂમ પાડી: ’વલ્લભ, શું કરે છે?’ ’કેમ પાછળ રહ્યો?’ ’કંઈ દાટેલો સોનાનો ચરુ હાથ લગ્યો તો નથી ને?’ વલ્લભભાઈએ જવાબ આપ્યો: ’જરા થોભો. હું આ આવ્યો.’ એમ કહીને વલ્લભભાઈ પથ્થરના ખૂંટને હલાવવા મંડી પડ્યા. ખેતરની હદ બતાવવા માટે ખેડૂતે એ ખૂંટ દાટેલો હતો. એ જવા-આવવાના રસ્તા વચ્ચે જ હતો. વલ્લભભાઈએ એ ખૂંટને ખૂબ હલાવી હલાવીને બહાર ખેંચી કાઢ્યો. તેમણે ખૂંટને દૂર ફગાવી દીધો. પછી તે દોડતા ગયા અને પોતાના સાથીઓ સાથે થઈ ગયા. એક જણે પૂછ્યું: ’અલ્યા, કેમ પાછળ રહ્યો હતો?’ વલ્લભાઈએ જવાબમાં કહ્યું: ’રસ્તા વચ્ચે પથ્થરનો ખૂંટ હતો.
તે વારંવાર નડતો હતો. કેટલાયને નડ્યો હશે.’ કોઈ ઠોકર ખાઈને પટકાયું પણ હશે. કોઈના પગ પણ અંધારે ભાંગ્યા હશે. એને કાઢી નાખવા રોકાયો હતો. એક સોબતી જરા મશ્કરો હતો. તેણે ટકોર કરી: ’કાઢ્યો કે પછી ત્યાં જ રહેવા દીધો?’ વલ્લભભાઈએ ખુમારીમાં કહ્યું: ’રહેવા દે એ બીજા!’ ’જેને તેને એ વાગે અને હરકત કરે, એને તો કાઢ્યે જ છૂટકો.
કેટલાયને અંધારે એ વાગતો હશે. છતાં કોઈ તેને કાઢતું ન હતું!’ એટલે બધાને દુ:ખ ઊભું ને ઊભું રહેતું. આમ ક્યાં સુધી ચલાવ્યે રાખવું?’ ગઈ કાલે મેં મક્કમ નિશ્ચય જ કર્યો હતો.’ કંઈ પણ થાય, પણ આજે તો એને કોઈ પણ હિસાબે કાઢી જ નાખવો.’ એટલે એને કાઢવામાં રોકાયો હતો.’ મને એણે ઠીક ઠીક મથાવ્યો.’ પણ આખરે એને કાઢીને દૂર ફગાવી દીધો.’ ચાલો, હવે નિરાંત થઈ.’ એ સાંભળીને બધા દોસ્તદારો રાજી રાજી થઈ ગયા. તેઓ બધા બોલી ઉઠયા: ’શાબાશ! વલ્લભભાઈ, શાબાશ!”
સંકલન (સમગ્ર વિકાસ અભ્યાસ ક્રમ)