Monday, September 27, 2010

અન્નપૂર્ણા


એક નાનું ગામ. નામ એનું સુજાણપુર. ગામમાં દરેક જ્ઞાતિના લોકો રહે. જુદા જુદા ધંધા દ્વારા ગુજરાન ચલાવે. સુજાણપુર સંપૂર્ણ રીતે સ્વનિર્ભર ગામ. ગામ લોકોની જરૂરિયાતો અન્યોન્યના પ્રયત્નોથી પૂરી થતી. બીજાં ગામો પર તેને આધાર રાખવો પડતો નહિ. પૈસા આપીને વસ્તુઓ ખરીદાતી નહિ. વસ્તુના બદલે વસ્તુ આપી, સેવાના બદલે સેવા આપી કે વસ્તુ અગર સેવાના બદલામાં અનુક્રમે સેવા અથવા વસ્તુ આપી ગામ લોકો જીવન જીવતા હતા. મિત્રો, ઘણા સમય પહેલાં આવું હતું. આ રીતે થતા વિનિમયને વસ્તુ વિનિમય પ્રથા તરીકે ઓળખવામાં આવતી.

ગામમાં ઘણા લોકોનો ખેતીનો વ્યવસાય. એમાં બે ખેડૂતો ખાસ મિત્રો. એકનું નામ શંકર અને બીજાનું કાનજી. રોજ સવારે હળ-બળદ લઈને બંને ખેતરે જાય. સખત પરિશ્રમ કરે અને અનાજ ઉગાડે. શંકરને એક દીકરો અને કાનજીને પણ એક દીકરો. શંકરના દીકરાનું નામ રમેશ અને કાનજીના દીકરાનું નામ અભય. બંને જણ ગામની શાળાએ ભણવા જાય. સાથે રમે, સાથે ભણે અને સાથે ફરે.

એક દિવસ શંકર અને કાનજી શંકરના ખેતરના ઘેઘૂર વડ નીચે બેઠા બેઠા વાતો કરતા હતા. શંકરે કાનજીને કહ્યું, “કાનજી, મારો દીકરો ભણવામાં તો ઠીક ઠીક છે, ખાસ કંઈ ઉકાળે એમ નથી લાગતું. એની મને ખૂબ ચિંતા થાય છે. જો ને, દિવસે દિવસે કેવો સમય આવી રહ્યો છે? અને અધૂરામાં પૂરું મારા ખેતરની ઊપજ પણ દિવસે દિવસે ઘટી રહી છે. હવે મારી પાસે જ અનાજ ન હોય તો ઘરમાં જરૂરી વસ્તુઓ હું કેવી રીતે ખરીદવાનો? શું કરું તે સમજાતું નથી. ભગવાનની આટઆટલી ભક્તિ કરું, દીવો-ધૂપ કરું પણ પસિસ્થિતિમાં કોઈ ફેર પડતો નથી. કોને પૂછું આનો ઉપાય?”
કાનજી કાન માંડીને શંકરની વાત સાંભળતો હતો. તે પણ મનોમન દુ:ખી થતો હતો. તેના ખેતરમાં તો મબલખ પાક થતો હતો. એ વિચારતો હતો કે આ શંકરના ખેતરમાં કેમ ઊપજ ઓછી થતી જાય છે? એવું તે કયું કારણ છે? વરસાદ તો બંને ખેતરમાં એકસરખો જ પડે છે. પછી આવું થવું તો ન જ જોઈએ. શંકર મહેનત પણ સારી કરે છે. તો પછી પાક ઓછો થવાનું કારણ શું? આમ એક બાજુ શંકરની વાત સાંભળતો મનમાં વિચારે ચઢી ગયો.

રાત્રે જ્યારે કાનજી પોતાના ઘર આંગણે ખાટલો ઢાળી સૂતો હતો ત્યારે તેને એક સ્વપ્ન આવ્યું સ્વપ્નમાં અન્નપૂર્ણા માતાજી પ્રગટ થયાં. કાનજી તો આભો જ બની ગયો. સાક્ષાત માતાજીને જોઈને એ તો ધન્ય ધન્ય થઈ ગયો. અન્નપૂર્ણા બોલતાં હતાં, “કાનજી, તારા ઘરમાં પવિત્રતા છે. વડીલોની આમન્યા છે. અન્નનો બગાડ નથી, એટલે હું તારા પર ખુશ છું અને તારા ખેતરને પાકથી સમૃદ્ધ કરી દઉં છું” “પણ મા, મારો ખાસ મિત્ર શંકર બહુ દુ:ખી છે. તેના ખેતરમાં અનાજની ઊપજ ઓછી થાય છે. તે પણ રાત દિવસ મહેનત કરે છે તો પછી તેની પરિસ્થિતિ દિવસે દિવસે કેમ કથળતી જાય છે? દયા કરો અને તેના પર આપની કૃપા વરસાવો.” શંકરે વિનંતી કરી.

અન્નપૂર્ણા બોલ્યાં, “જો કાનજી, શંકર પોતે ભલો છે, પરિશ્રમી છે. ભક્તિભાવવાળો છે, પરંતુ તેની આ સ્થિતિ માટે તે પોતે જ જવાબદાર છે.” કાનજીએ આશ્ચર્ય સાથે પૂછ્યું, “મા, એવી તો કઈ ભૂલ એનાથી થાય છે કે આપ તેના પર મહેરબાની નથી કરી શકતાં?”

અન્નપૂર્ણા બોલ્યાં, “કાનજી, જ્યાં મારો વાસ હોય તે માણસ કોઈ દિવસ દુ:ખી નથી હોતો, પરંતુ જે ઘરમાં મારું અપમાન થતું હોય તે ઘરમાં રહેવું મને ગમતું નથી.”
કાનજીએ આશ્ચર્યથી પૂછ્યું, “શું કહ્યું મા આપનું અપમાન? અને તે શંકરના ઘરમાં” હું માની નથી શકતો. તેના જેવો ભલો માણસ અને તેના ઘરમાં આપનું અપમાન!” “હા, કાનજી, મારું અપમાન. તું માનતો નથી ને? તો આવતી કાલે તે લોકો જમવા બેસે એટલે તું હાજર રહેજે. તને પોતાને જ ખબર પડી જશે.” આ બોલીને અન્નપૂર્ણ માતાજી અદ્રશ્ય થઈ ગયાં. કાનજી તો વિસ્મય પામી ગયો. સવારે ઊઠ્યો અને રોજની જેમ શંકર સાથે ખેતરે ઊપડ્યો.

બપોરે બે મિત્રો પાછા આવતા હતા ત્યારે કાનજીએ કહ્યું કે, “શંકર આજે તો તારા મહેમાન બનવું છે. તારે ત્યાં આજે જમીશ. શંકર ખુશખુશ થઈ ગયો. બપોરે બધા સાથે જમવા બેઠા. કાનજીનો દીકરો અભય પણ જમવા બેઠેલો. થાળીઓ પીરસાઈ ગઈ. બધા જમ્યા. કાનજી પોતાના રાતના સ્વપ્નને યાદ કરી રહ્યો હતો અને શોધી રહ્યો હતો કે અન્નપૂર્ણાનું અપમાન ક્યાં થાય છે? અચાનક એણે શંકર, તેની પત્ની, તેના પુત્ર રમેશ વગેરેની થાળીમાં જોયું તો દરેકની થાળીમાં કંઈક ને કંઈક છાંડેલું હતું. આ ન ખાધેલું અને છાંડેલું શંકરની પત્ની ફળિયામાં બહાર ફેંકી આવી. કાનજીને મનમાં ઝબકારો થયો કે “આ જે અન્ન બહાર ફેંકાયું ને ઘરમાં છંડાયું તે તો અન્નપૂર્ણાનું અપમાન નહિ હોય?”

કાનજી તો ઘરે ગયો. તેનું મન ગોઠતું ન હતું. વિચારોના ચક્રાવે ચઢેલું મન શાંત થતું ન હતું. હવે અન્નપૂર્ણા મળે તો જ પોતાની શંકાનું સમાધાન થાય અને તો જ શંકરને કંઈક રસ્તો બતાવી શકાય. અર્ધો દિવસ ખેતરમાં જવાનું માંડી વાળ્યું. કાનજી પોતાના મિત્ર શંકરના વિચારે ચઢી ગયેલો. રાત્રે જ્યારે તે સૂતો હતો ત્યારે ફરી અન્નપૂર્ણા સ્વપ્નમાં પ્રગટ થયાં. બોલ્યાં, “કાનજી, શું જોયું આજે શંકરના ઘરમાં?” શંકરની મનોવ્યથાનો હવે અંત આવવાનો હતો. કાનજી બોલ્યો, “મા, બહુ લાંબો વિચાર તો નથી કરી શકતો પણ મને લાગે છે કે રાંધેલા અનાજનો તેઓ બગાડ કરે છે એવું મેં જોયું.”

અન્નપૂર્ણાએ કહ્યું, “સાચી વાત, લોકો સમજતા જ નથી. અનાજનો બગાડ એ મારું અપમાન, અને હું જો તે માણસના ઘરમાંથી ચાલી જાઉં તો તેની સ્થિતિ ખરાબ થતી જાય. મને તો દયા આવે પણ શું કરું. એક ઘરમાં આટલો અનાજનો બગાડ થાય, ધાર કે શંકરના ઘરમાં ત્રણ જણ છે અને તેઓ એક એક રોટલી છાંડે અને ફેંકી દે તો આ દેશમાં એક અબજથી વધુ લોકો છે. જેમાંના કેટલાકને તો બે ટંક પૂરું જમવા પણ મળતું નથી. હવે બધા ઘરમાં આ સ્થિતિ થાય તો કેટલા મોટા જથ્થામાં અનાજનો બગાડ થાય! અને બીજી બાજુ જેને જરૂર છે તેને તો ખાવા પણ ન મળે !”
કાનજી તો ઊંઘમાં આંખો ફાડીને જોઈ જ રહ્યો. તે વિચારતો હતો, ‘ઘરે ઘરે આ સંદેશો પહોંચે તો આ દેશમાં કેટલો બધો અનાજનો બગાડ અટકાવી શકાય? એક અબજ લોકો એક એક રોટલી ફેંકી દેતા હોય તો એક અબજ રોટલી થઈ! આ એક અબજ રોટલી કેટલાં કુટુંબોને પોષી શકે!”

વિચારોમાં ચઢેલા કાનજીને છોડીને અન્નપૂર્ણા અદ્રશ્ય થઈ ગયાં. કાનજી સફાળો ઊંઘમાંથી બેઠો થઈ ગયો. તેણે વિચાર કરી લીધો કે મારા ગામમાં આવતીકાલથી જ હું એવું અભિયાન શરૂ કરું કે દરેક ઘરમાં થતો અનાજનો બગાડ અટકાવી શકાય. અને તો જ મારું ગામ વધુ સમૃદ્ધ બની શકે. બસ! આ વિચાર સાથે તેણે બીજા દિવસે શંકરના ઘરથી જ શરૂઆત કરી. તેને સમજાવ્યો કે અન્નનો બગાડ એટલે આપણી સમૃદ્ધિનો બગાડ. શંકરે કાનબૂટ પકડી અને તે દિવસથી ઘરમાં જેને જેટલું ખાવું હોય તેટલું જ થાળીમાં લેવાનું અને બિલકુલ છાંડવાનું નહિ એનું વ્રત બધા પાસે લેવડાવ્યું. કાનજીનું અભિયાન ગામના દરેક ઘરમાં પહોંચ્યું. સમગ્ર ગામ કાનજીના વિચારો સાથે સંમત થયું અને તે દિવસો પછી સુજાણપુર ગામ સમૃદ્ધિનાં શિખરો સર કરતું એક નાનકડું, રૂડું, સમૃદ્ધ ગામ બની ગયું!

ખટ્ટી મીઠી ટેસ્ટી ટેસ્ટી લેખક: “અનંત’ શુક્લ