Thursday, August 12, 2010
બગ ભગત અને ચતુર મગર
એક હતું તળાવ. તેમાં ઘણી બધી માછલીઓ રહેતી હતી. તળાવને કાંઠે એક બગલો પણ રહેતો હતો. માછલીઓ તેનાથી ડરીને આઘી આઘી જ રહેતી હતી.
બગલાને થયું, “આ તો ખોટું. માછલીઓ આમ ભાગતી રહે એ કેમ ચાલે? તેને ગમે તેમ કરીને જાળમાં ફસાવવી પડશે.” તેણે એક તરકીબ કરી. તે માછલીઓ પાસે ગયો અને કહ્યું, “મને એક માઠા સમાચાર સાંભળવા મળ્યા છે. એક માછીમાર પોતાની જાળ લઈને આ તરફ આવી રહ્યો છે. મેં તેને જોયો પણ છે. તે તમને બધી માછલીઓને જાળમાં પકડીને લઈ જશે અને પછી ખાઈ જશે.”
માછલીઓને બગલાની વાત ઉપર ભરોસો તો બેસતો નહોતો પણ માછીમારના ભયને કારણે તેઓએ પૂછ્યું, “તો હવે અમે શું કરીએ? કયાં જઈએ?”
બગલાએ ખૂબ ગંભીર બનીને કહ્યું, “જુઓ તમને મારા ઉપર વિશ્વાસ હોય તો રસ્તો બતાવું. પાસેનાં જંગલમાં થોડે દૂર એક તળાવ છે. તેનું પાણી મીઠું અમૃત જેવું છે. માછીમારને એ તળાવની ખબર નથી. તમે કહો તો તમને વારાફરતી ત્યાં પહોચાડી દઉં.”
માછલીઓ તો ખૂબ ડરી ગઈ હતી. ડરી જવાથી તેઓની બુદ્ધિ જ બહેર મારી ગઈ હતી. તેઓએ બગલાનું કહ્યું, “અમને તારા ઉપર વિશ્વાસ છે. અમને તું એ તળાવમાં પહોંચાડી દે.”
માછલીઓની વાત સાંભળીને બગલાભાઈ તો હરખાઈ ગયા. એક પછી એક માછલીને તળાવમાં લઈ જવાને બહાને એ ભળતી જ જગ્યાએ લઈ જઈને તેને ખાઈ જવા લાગ્યો.
તળાવમાં એક મગરમચ્છ પણ હતો. તેણે બગલાને પૂછ્યું, “અલ્યા, તું આ માછલીઓને કયાં લઈ જાય છે.”
બગલાએ માછલીઓને કહી હતી એ જ માછીમારની વાત મગરમચ્છને પણ સંભળાવી. મગર ભારે બળવાન તો હતો પણ માછીમારની જાળથી તો એ પણ ડરતો હતો. તેણે બગલાને કહ્યું, “મને પણ એ જ તળાવમાં લઈ જા ને !” બગલો તો રાજીના રેડ થઈ ગયો. બીજે દિવસે તે મગરને જ્યાં તે માછલીઓને મારી નાખીને ખાઈ જતો હતો એ જ્ગ્યાઓ જોતાં જ બગલાની દાનત પારખી ગયો. તેને થયું, “બગલો ખૂબ લુચ્ચો છે. ભોળી માછલીઓને અહીં લઈ આવીને તે ખાઈ જાય છે. મારી પણ એવી જ વલે થશે.” મગરમચ્છ તો માછલીઓ કરતા બળવાન હતો. તેને થયું, “હું તો મગરમચ્છ કહેવાઉ! આવા બગલાથી તે કાંઈ ડરી જવાતું હશે ? હું પણ તેને પાઠ ભણાવીશ.”
આમ વિચારી મગરે બગલાને ડોકેથી પકડીને મારી નાખ્યો. પછી તળાવ પર આવીને માછલીઓને સાચી વાત સમજાવી. બગલાની ચાલબાજી જાણી માછલીઓને દુ:ખ થયું પણ મગરની ચતુરાઈથી પોતાના જીવ બચી ગયા એટલે તેઓના આનંદનો પાર ન રહ્યો.
વાર્તા રે વાર્તા – લેખક : વિષ્ણુ પ્રભાકર
અનુવાદક : દિગંબર સ્વદિયા