Thursday, August 12, 2010

ચતુર સસલું


એક મોટું જંગલ હતું. એ જંગલમાં એક કદાવર સિંહ રહેતો હતો. તે ગમે તે પ્રાણી દેખાય એટલે તેને પકડીને ખાઈ જતો હતો.

આમ ને આમ ઘણા વખત સુધી ચાલતું રહ્યું એટલે પ્રાણીઓ ગભરાયાં. તેઓએ ભેગાં મળીને કંઈક રસ્તો કાઢવાનું નક્કી કર્યું. એ બધાં પહોંચ્યા સિંહ પાસે. તેઓએ સિંહને કહ્યું, “મહારાજ, આપ તો વનરાજ છો. અમારા રાજા છો. રોજેરોજ આપને શિકાર શોધવાની તકલીફ લેવાની જરૂર નથી. અમે જાતે જ રોજ એક પશુ આપનાં ભોજન માટે મોકલી આપશું.”

સિંહ તો એ વાત સાંભળી રાજીના રેડ થઈ ગયા. તેણે કહ્યું, “તમે વચન પાળશો તો હું કોઈને મારીશ નહિ.”

ત્યારથી રોજ એક પશુ સિંહ પાસે પહોંચી જવા લાગ્યું. સિંહ તેનું મારણ કરતો.

એમાં એક દિવસ એક સસલાનો વારો આવ્યો. એ તો બહુ ચાલાક અને ચતુર હતું. તેણે વિચાર કર્યો, “આમાંથી બચવાનો શું કોઈ ઉપાય નહિ હોય?” જે બુધ્ધિશાળી છે તે ક્યારેય પણ મુસીબત કે સુખદુ:ખમાં મૂંઝાતા નથી. સસલાને થયું કે મારે પણ ગભરાવાની જરૂર નથી. એ તો પડશે એવા દેવાશે. બધાં પ્રાણીઓના જીવ બચે એવો કોઈક માર્ગ કાઢવો પડશે.

એવા વિચારો કરતું એ સિંહ પાસે મોડું પહોંચ્યું. સિંહ તો ગુસ્સાથી લાલપીળો થઈને બેઠો હતો. સસલાને જોતાંવેંત ગર્જના કરીને તાડૂકી ઉઠ્યો, “તને આવતાં આટલું બધું મોડુ કેમ થયું?”
સસલાએ જરા પણ ગભરાયા વિના જવાબ આપ્યો, “મહારાજ, મેં જાણી જોઈને મોડું નથી કર્યું. બન્યું એવું કે હું અહીં આવતો હતો ત્યાં રસ્તામાં અચાનક મને બીજો કદાવર સિંહ મળી ગયો. એ તો બહુ બળવાન હતો. તેણે મને રોક્યો. મેં એને ગમે તેમ સાચું ખોટું બહાનું બતાવીને કહ્યું, કે મારે એક જરૂરી કામે પહોંચવાનું છે અને ત્યાંથી જલદી આવી જઈશ.” એ માંડ માંડ માન્યો અને મને છોડ્યો.

આ વાત સાંભળી સિંહની આંખમાં ખુન્ન્સ ભરાઈ આવ્યું. લાલઘૂમ આંખો કરી પોતાની પૂંછડી જમીન ઉપર પછાડતાં તેણે સસલાને પૂછ્યું, “મારા રાજ્યમાં આવો બીજો સિંહ ક્યાંથી આવી ચડયો? ચાલ બતાવ મને, ક્યાં રહે છે એ?”
સસલાએ એટલી જ શાંતિથી જવાબ આપ્યો, “આવો, મહારાજ, હું એનું રહેઠાણ બતાવું આપને.”

બંને ચાલવા માંડયા. આગળ સસલું ચાલતું હતું અને પાછળ સિંહ ચાલતો હતો. બંને એક કૂવા પાસે અટક્યા. સસલાએ કહયું, “મહારાજ, પેલો સિંહ આની અંદર જ બેઠો છે. આપ જાતે જ જોઈ લો.”
સિંહે કૂવામાં જોયું. અંદર પાણીમાં તેને પોતાનો પડછાયો દેખાયો. એ જ બીજો સિંહ હોવો જોઈએ એમ માનીને એ ઘૂરકીને ગર્જના કરવા લાગ્યો.

કૂવામાંથી તેની ગર્જનાનો પડઘો પડયો. સિંહ તો મૂર્ખ હતો. તેણે માની લીધું કે કૂવામાં બેઠેલો સિંહ મારી સામે ઘૂરકી રહ્યો છે. તેને હમણાં જ મારી નાખવો પડશે.
એમ વિચાર કરીને સિંહે, કૂવામાં છલાંગ લગાવી અને પાણીમાં ડૂબીને મરી ગયો.

સસલું તો હરખાઈને કૂદતું પોતાના અન્ય પ્રાણી મિત્રો પાસે ગયું અને તેઓને પોતાનું પરાક્રમ સંભળાવ્યું. પ્રાણીઓ બધાં ખૂબ રાજી થયાં અને જંગલમાં નિરાંતે નિર્ભય થઈને રહવા લાગ્યાં.

વાર્તા રે વાર્તા – લેખક : વિષ્ણુ પ્રભાકર
અનુવાદક : દિગંબર સ્વાદિયા