Thursday, August 12, 2010

બે મિત્રો


એક ગાઢ જંગલ હતું. તેમાં એક મોટી નદી હતી. નદીના કિનારે જાંબુનાં ઘણાં મોટાં ઝાડ હતાં. તમે તો જાંબુ ખાધાં જ હશે. બહુ જ મીઠાં હોય છે, ખરું ને?
એક દિવસ એક વાંદરો કિનારે બેસીને જાંબુ ખાતો હતો. એ જ વખતે ઝાડ ઉપરથી એક જાંબુ નદીમાં પડ્યું. નદીમાં એક મગર રહેતો હતો. જાંબુ જોઈને તેનાં મોઢાંમાં પાણી આવી ગયું. તે જાંબુ ખાઈ ગયો. જાંબુ મીઠું હતું. એ ખાઈને મગર તો ગીત ગાવા લાગ્યો.
વાંદરાએ તેનો ગાવાનો અવાજ સાંભળ્યો, તેને પણ ગીત ગમ્યું. તેણે તો ઝાડ ઉપરથી ઘણાં બધાં જાંબુ તોડીને મગરને આપ્યાં.
મગરને તો મજા પડી ગઈ. એ તો રોજ નદીકિનારે આવતો. વાંદરો તેને જાંબુ ખવડાવતો. એમ કરતાં કરતાં બંને વચ્ચે પાકી દોસ્તી થઈ ગઈ.

એ દોસ્તી એટલી જામી ગઈ કે મગર તો આખો દિવસ નદીકિનારે જ પડ્યો રહેવા લાગ્યો. જાંબુ ખાધા કરે અને ગીતો ગાયા કરે. મગરની પત્ની એને લીધે બહુ પરેશાન રહેતી હતી. તેને મનમાં થતું કે મગરને ઘેર આવવું ગમતું જ નથી, તેને મારી પણ કાંઈ પડી નથી, વાંદરાની દોસ્તી તો મારી દુશ્મન બની ગઈ છે. એનો કંઈક ઉપાય કરવો જ પડશે.
એક દિવસ તો એ પોતે માંદી હોવાનો ઢોંગ કરીને ખાટલા ઉપર સૂઈ ગઈ, મગરે તેનું કારણ પૂછ્યું તો પણ એણે જવાબ ન આપ્યો અને ફુંગરો ચડાવીને સૂતી રહી.

મગરે પત્નીની એક સખીને તેનું કારણ પૂછ્યું. સખી બોલી
: “તમે તો કેવા ધણી છો? પોતાની પત્નીની તમને જરાય ચિંતા છે? તેને ખૂબ ભયંકર રોગ થયો છે.”
તેની વાત સાંભળી મગર તો ગભરાઈ ગયો. તેણે પૂછ્યું, “એનો કાંઈ ઈલાજ છે? તું જાણે છે?”
સખીએ જવાબ આપ્યો, “ઈલાજ છે તો ખરો પણ તમે એ દવા લાવી નહિ શકો.”
મગરે કહ્યું, “લાવી કેમ ન શકું? તું કહે તો ખરી ! હું આકાશના તારા પણ તોડીને લાવીશ.”
મગરની વાત સાંભળી સખી બહુ ગંભીર બની ગઈ. તે બોલી, “આ રોગ મટાડવા માટે કોઈ વાંદરાનું કાળજું તેને ખાવા આપવું પડે એમ છે.”

સખીની વાત સાંભળી મગર વિચારમાં પડી ગયો, “વાંદરો તો મારો જિગરજાન દોસ્ત છે, મને રોજ કેવાં મીઠાં મીઠાં જાંબુ ખવડાવે છે? એનું કાળજું કેવી રીતે લાવું? એમ કરવાથી તો એ મારો દુશ્મન બની જશે !”
સખીએ કહ્યું, “એટલે જ તો મેં કહ્યું ને કે તમે દવા નહિ લાવી શકો.”
મગર એ વખતે કંઈ બોલ્યો નહિ. આખી રાત એ વિચારતો રહ્યો, “પત્ની મરી જશે તો મારું ઘર વેરાન થઈ જશે. બાળકો મા વિના તરફડશે, કરવું શું?” તેણે ખૂબ વિચાર કર્યો અને છેવટે તેણે નક્કી કર્યું કે, પત્નીને બચાવવી જ જોઈએ. મગરે પોતાની પત્નીને કહ્યું કે, “તું ગભરાય છે શા માટે? વાંદરાનું કાળજું જ નહિ પણ તારે માટે આખેઆખો વાંદરો જ લેતો આવીશ, બસ?

પત્નીને આ રીતે ફોસલાવી સમજાવીને એ તો વાંદરા પાસે પહોંચ્યો. વાતવાતમાં તેણે વાંદરાને કહ્યું, “વાંદરાભાઈ, આટલા બધા દિવસોથી આપણે દોસ્ત બની ગયા છીએ તમે મારે ઘરે ક્યારેય આવ્યા નથી. મારી પત્નીને પણ મળ્યા નથી. આજે એમ કરો, મારે ઘેર આવો; બંને ખૂબ ખાશું; પીશું, નાચશું, ગાશું, મોજમજા કરશું”
વાંદરાભાઈ તો રાજીને રેડ થઈ ગયા. મગરે તેને પોતાની પીઠ ઉપર બેસાડ્યો અને નદીમાં આગળ જવા લાગ્યો, રસ્તામાં વાંદરાને થયું કે મગર રોજની જેમ ખુશ નથી અને તે ઉદાસ છે. વાંદરાએ પૂછ્યું, “મગરભાઈ, આજે કેમ ઉદાસ દેખાઓ છો? ચિંતા જેવું તો કાંઈ નથી ને?”

મગર તો અક્ક્લ વિનાનો હતો. તેણે કહ્યું, “શું વાત કહું, વાંદરાભાઈ? તમારી ભાભીને એક ભયાનક રોગ થયો છે. વાંદરાનું કલેજું ખાય તો જ એ રોગ મટે એમ છે. મને એની જ ચિંતા થાય છે.”
વાંદરો ચતુર અને ચાલાક હતો, એ મગરની બાજી સમજી ગયો. “ખોટાં બહાનાં બતાવીને તેણે મને ફસાવ્યો છે પણ એમાં તેને ફાવવા નહિ દઉં.” થોડીવાર પછી વાંદરાએ કહ્યું, “અરે, મગરભાઈ! તમારે મને પહેલેથી જ એ વાત કરવી હતી ને? મારું કાળજું તો પેલાં જાંબુનાં ઝાડ ઉપર મેં મૂકી રાખ્યું છે, મને કહ્યું હોત તો સાથે લઈ લેત ને?”
મગર તો મૂર્ખ હતો, તેને વાંદરાની ચાલાકી સમજાઈ નહિ. તે બોલ્યો, “ચાલો, તો પાછા કિનારે જઈએ. તમે ઝાડ ઉપરથી કાળજું લઈ લો, પછી આપણે પાછા આવીશું.”

મગર વાંદરાને જેવો કિનારા સુધી લઈ ગયો કે તુરત જ વાંદરો તો છલાંગ મારીને ઝાડ ઉપર બેસી ગયો અને ત્યાંથી જ ખડખડાટ હસીને બોલ્યો, “અરે મૂરખ, તને એટલી પણ ખબર નથી કે કાળજું તો શરીરની અંદર જ હોય છે! એ બહાર રહી શકે ખરું? મેં તો તને બુધ્ધુ બનાવ્યો અને મારો જીવ બચાવ્યો. હવે તારી પાસે ક્યારેય નહિ આવું. આપણી દોસ્તી આજે પૂરી થઈ ગઈ.”
બિચારો મગર ખાલી હાથે ઘેર પાછો ફર્યો. તેની પત્નીને પણ એટલું જ જોઈતું હતું ને?



વાર્તા રે વાર્તા - લેખક: વિષ્ણુ પ્રભાકર અનુવાદક: દિંગબર સ્વાદિયા