Monday, July 12, 2010

સમયનો પરિચય


આપણી ગંગા નદી હિમાલય પર્વતમાંથી પ્રકટી ઋષિકેશ, હરદ્વાર, કાશી વગેરે નગરોમાંથી વહે છે. ઋષિકેશ, હરદ્વાર, કાશી આ બધાં આપણાં યાત્રાનાં ધામો મનાય છે અને ભારતભરના હિન્દુ લોકો આ સ્થળોએ યાત્રા કરવા આવે છે.આ સ્થળોએ સાધુ સંતો પણ ઘણા બધા હોય છે અને ગંગાજીના કિનારે તપ તથા યોગસાધના કરતાં હોય છે.

ગંગા નદીના આવા જ એક કિનારા પર એક સાધુની ઝૂંપડી હતી. આ સાધુ રોજ સવારે વહેલાં ઊઠી ગંગા નદીમાં સ્નાન કરી પૂજા-અર્ચના કરતાં. સાધુ જયારે સ્નાન કરતાં ત્યારે વૃક્ષની મોટી ડાળીઓ કે તેનાં થડ તેમના શરીરે અથડાતાં અથવા તો તેમની આજુબાજુથી વહી જતાં. સાધુને આનું ઘણું આશ્ચર્ય થતું. તેમણે એકવાર ગંગા નદીને પૂછી જ નાખ્યું.

‘ગંગાજી મેં જોયું છે કે, તમારા પ્રવાહમાં મોટી-મોટી ડાળીઓ અને વૃક્ષનાં થડ જ વહેતાં હોય છે. નાનાં વૃક્ષો કે ઘાસનાં તણખલાં તો ભાગ્યે જ જોવા મળે છે !’
આ સાંભળી ગંગાજી મલક્યાં. તેમણે કહ્યું,
‘હું જયારે હિમાલયમાંથી પ્રકટું છું, ત્યારે મારો પ્રવાહ ખૂબ વેગીલો અને ધસમસતો હોય છે. પર્વતની બખોલમાં અને ખડકો પર મોટાં વૃક્ષો હોય છે. મારા આ પ્રવાહને ખાળવાં તેઓ સમર્થ નથી હોતાં અને છતાં પણ પોતાનું અભિમાન છોડતાં નથી અને ટટ્ટાર ઊભા રહેવાનો દુરાગ્રહ રાખે છે. પરિણામે મારા વેગીલા અને ધસમસતાં પ્રવાહમાં તેઓ તૂટી પડે છે અને પ્રવાહમાં ઘસડાઈ જાય છે. નાનાં વૃક્ષો, ઘાસ અને છોડવાં ખોટું અભિમાન રાખતાં નથી અને પ્રવાહ સામે નમી જાય છે. આ કારણને લઈ તેઓ બચી જાય છે અને પ્રવાહમાં ઘસડાતાં નથી ! વિનમ્રતા સર્વથા મોટો ગુણ છે અને દરેક વ્યક્તિને પ્રભાવિત કરે છે !’

ગંગાજીની આ વાણી સાંભળી સાધુને સંતોષ થયો અને તે પોતાના તપમાં મગ્ન થઈ ગયા.

વાર્તા રે વાર્તા - હસમુખ દવે