Monday, July 12, 2010

પોલો ડુંગર


એક હતો ડુંગર.
ડુંગર તો ખૂબ મોટો, પણ અંદરથી પોલો. જેમ મોટો ઢોલ, પણ અંદરથી પોલો હોય એમ જ આ ડુંગરનું.
ડુંગર તો પોતે ખૂબ મોટો, ઊંચો, પહોળો છે જાણીને મનમાં ને મનમાં મલકાય વળી, બીજા બાજુમાંના નાના-નાના ડુંગરો તરફ મશ્કરીના ભાવે જોઈ રહે. નાના પણ નક્કર ડુંગરો પેલા મોટા પોલા ડુંગરની હરકતો જોઈ મનમાં અકળાય પણ ચૂપ રહે. આથી પોલો ડુંગર પોતાની ઊંચાઈ પર મગરૂર થઈ નાના ડુંગરોની વધારે મશ્કરી કર્યા કરે.

પોલો ડુંગર વહેતા પવનને અટકાવે ને નાના ડુંગરો તરફ જવા ન દે. પોલો ડુંગર પૂર્વમાં ઊગતા સૂરજનાં કિરણોને અટકાવે અને નાના ડુંગરો તરફ જવા ન દે. તેથી નાના ડુંગરો પવન અને પ્રકાશ વગર મુંઝાય. પણ કરે શું ? આ જોઈને પોલો ડુંગર મૂછમાં મલકાય.

એક દિવસ વાદળો ખૂબ ઘેરાયાં. ઘોર અંધારું છવાઈ ગયું. જોતજોતામાં તો સાંબેલાધાર વરસાદ તૂટી પડ્યો. વરસાદ તો પડે, પડે તે અટકવાનું નામ જ ન લે. એમ ને એમ સાત દિવસની ભારે હેલી થઈ. વરસાદનાં પાણીના મારથી પોલો ડુંગર તો ધોવાવા લાગ્યો. સાતસાત દિવસના વરસાદથી પોલા ડુંગરમાં બધી જગાએ ધોવાણ થતાં મોટાં-મોટાં ગાબડાં પડવાં લાગ્યાં. ગાબડાંને લીધે પોલો ડુંગર તો ધોવાઈ ગયો. કારણ કે પોલા ડુંગરની ઉપર ઉપરની માટી ધોવાઈ ગઈ ને પોલાણ હતું તે ખૂલ્લું થઈ ગયું. પોલો ડુંગર તો, હતો ન હતો થઈ ગયો.

પણ બાજુમાંના નાના પણ નક્કર ડુંગરો તો વરસાદનો માર ખમીને પણ હતા તેવા ને તેવા રહ્યાં. વરસાદ રહી જતાં નાનાં ડુંગરોને થયું કે વરસાદમાં આપણી બૂરી વલે થઈ છે. તે જોઈને મોટો ડુંગર હસતો હશે. આપણી મશ્કરી કરતો હશે. એમ વિચારી એમણે બીતા-બીતા જ્યાં પોલો ડુંગર હતો એ તરફ ઊંચી નજર કરી. પણ જોયું તો ત્યાં ડુંગર જ ન હતો. બધું જ ધોવાઈ ગયું હતું ને જમીન સપાટ થઈ ગઈ હતી. નાના ડુંગરોને થયું કે પેલો મોટો ડુંગર ક્યાં ગયો ?

મીઠી મીઠી વાર્તાઓ – વિનોદ ગાંધી