Monday, July 12, 2010
વડ અને તાડ
એક હતું વડનું ઝાડ.વડના ઝાડની સામે જ સહેજ દૂર એક તાડનું ઝાડ પણ હતું. બંને ઝાડ એકબીજાને જોઈ શકે ખરાં, પણ વાતચીત કરી શકે એટલું અંતર ન હોવાથી એ એકબીજા સાથે વાતચીત કરી શકતાં નહીં. વડના ઝાડનો ઘેરાવો મોટો હતો. તેથી એનો છાંયડો પણ ખૂબ મોટો થતો. એ છાંયડામાં ગાય, ભેંસ, પશુ આવીને બેસતાં.તો વળી, થાક્યાંપાક્યાં મુસાફરો પણ ત્યાં ઘડીક બેસતાં. વળી પંખીઓ તો વડની ડાળે-ડાળે ઝૂલતાં ને વડનાં ફળો-ટેટાં ખાતાં. પંખીઓને ટેટાં ખાવા મળે ને ડાળે ઝૂલવા મળે. એટલે એ તો થઈ જતાં રાજી. આ જોઈને દૂર ઊભેલા તાડના ઝાડને વડના ઝાડની ઈર્ષ્યા થવા લાગી. તાડના ઝાડને થયું કે હું કેટલું ઊંચું છું, વડ કરતાં તો ઘણું ઊંચું છું, છતાં મારી પાસે નથી તો પક્ષી આવતાં કે નથી તો મનુષ્યો આવતા. તાડનું ઝાડ તો વડની ઈર્ષ્યા કરતું જાય ને મનોમન બળતું જાય.
એવામાં એક દિવસ તાડના ઝાડે જોયું તો વડ પર બેસીને હમણાં જ ઊડેલું એક પંખી એની તરફ આવતું હતું. તાડના ઝાડે પ્રેમથી એ પંખીને બોલાવ્યું. તાડના ઝાડે જોયું તો એ પંખીના મોઢામાં વડનું ફળ હતું, ટેટું ખાઈ લીધા પછી પંખીએ ઊડતાં ઊડતાં જ તાડના ઝાડને પૂછયું, “બોલો, મને કેમ બોલાવ્યું ?”
તાડના ઝાડે કહ્યું, “ઘડીક મારા પાન ઉપર બેસ તો ખરું, પછી તને કહું છું.” “હું તમારા પાન પર બેસું તો મને તમારા પાનની તીણી તીણી ધાર વાગે.”
તાડના ઝાડે કહ્યું, “તો પછી તું મારું ફળ તો ખા પછી તને વાત કહું.”
પંખીએ કહ્યું, “તમારું ફળ તો કેટલું મોટુ છે ? એ મારી ચાંચમાંયે ન આવે, વળી એનું પડ તો પથ્થર કરતાંયે કઠણ છે. તેથી એ તો ખાઈ જ ન શકાય.”
તાડના ઝાડે કહ્યું, “તો તું મારા છાયામાં બેસ તો ખરું, પછી તને વાત કહું.”
પંખીએ કહ્યું, “તમારો તો છાંયો જ ક્યાં પડે છે, તે બેસું ? મને વાત જલદી કહો, હું તો ઊડી-ઊડીને તાપમાં થાકી મરું છું.”
તાડનું ઝાડ “પણ પણ...” બોલાતું રહ્યું ને પંખી તો ઊડતું-ઊડતું વળી પાછું વડની ડાળ પર જઈ બેસી બીજું ટેટું ખાવા લાગ્યું. તાડનું ઝાડ તો ઝંખવાણું પડી ગયું. એને થયું કે, હું બોલાવું છું તોયે પંખીઓ મારી પાસે આવતાં નથી. તાડના ઝાડે નિસાસા સાથે પોતાની ઊંચી ડોકને વધારે ઊંચી કરી આકાશ તરફ નજર કરી અને ભગવાનને કહ્યું, “હે ભગવાન મને લાંબુ બનાવ્યા કરતાં વિશાળ બનાવ્યું હોત તો સારું થાત !”
મીઠી મીઠી વાર્તાઓ – વિનોદ ગાંધી