Monday, July 12, 2010

પરિશ્રમ અને પુરુષાર્થ


આ જગતમાં એવા પણ લોકો રહે છે. જેમને મહેનત મજૂરી કરવી ગમતી નથી. આવા લોકો ધૂર્તબાજીથી લોકોને ઠગે અથવા તો બીજાના ઘરમાંથી ચોરી કરે અથવા તો લૂંટફાટ કરી પોતાનું પેટ ભરે અને ધનનો સંચય કરે !

આવો એક માણસ હતો. કોઈ પ્રકારની મહેનત કે મજૂરી કરે નહિ. લોકોને ઠગે. મોકો મળે તો ચોરી કરે અને લૂટંફાટ પણ કરી લે.
આવા માણસો લોકો જ્યારે આખો દિવસ મહેનત કરી રાત્રે ઘસઘસાટ ઊંઘતા હોય ત્યારે ખૂબ મોડી રાત્રે ઘરમાં છીડું પાડી અથવા બારી વાટે ઘરમાં ઘૂસી જઈ ચોરી કરે અને પછી ભાગી જાય.

આપણી વાર્તાનો માણસ પણ આવી જ રીતે ચોરી કરીને ભાગ્યો. અંધારું બહુ હતું તેથી તેણે વિચાર કર્યો, ‘આવા અંધારામાં જઈશ અને કોઈક સાપ ડંખ મારશે તો ? એના કરતાં અહીં આ ઝાડ નીચે સૂઈ જાઉં અને વહેલી સવારે જતો રહીશ !’ આમ વિચારી તે ચોરી કરેલાં માલનું પોટલું માથા નીચે મૂકી સૂઈ ગયો.

તેની બાજુમાં આખા દિવસની મહેનત કરી ખૂબ થાકી ગયેલો એક ખેડૂત સૂતો હતો. તેણે ઉગાડેલું અનાજ બજારમાં વેચી તેની કિંમતના પૈસા તેની થેલીમાં હતા. તે થેલી તેણે પોતાના માથા નીચે મૂકી હતી.
ચોરના પોટલાંએ ખેડૂતની પોટલીને કહ્યું, ‘આપણે તો બહેનો છીએ. ચાલને હળીમળી જઈએ !’

ખેડૂતની પોટલીએ કહ્યું, ‘ભલે, આપણે બહેનો હોઈએ. પણ તારામાં અને મારામાં ફેર છે. તું અનીતિની કમાણી છે જ્યારે હું નીતિની ! હું જો તારામાં ભળી જાઉં તો મહેનત-મજૂરીની કોઈ કિંમત જ નહિ રહે !’

વાર્તા રે વાર્તા – હસમુખ દવે