Tuesday, June 29, 2010

દૈવી કાચબો


ઋત્વિક નામનો દસેક વરસનો છોકરો. માંડ માંડ પાંચમું ધોરણ પાસ કરીને છઠ્ઠા ધોરણમાં આવ્યો. તેનાં માતા-પિતા બંને ડૉક્ટર હતાં. બંનેને એવી ઈચ્છા કે ઋત્વિક ભણીગણીને ડૉકટર બને, પરંતુ ઋત્વિકનું મગજ એટલું બધું જિજ્ઞાસાથી ભરપૂર હતું કે તેને હંમેશાં એક જ વિચાર આવ્યા કરે, ‘મારે તો વૈજ્ઞાનિક બનવું છે.’ નાનપણમાં તેને અવનવા પ્રયોગો કરવાનો ઘણો શોખ. ચિત્રો પણ સારાં દોરે અને તેમાં જળરંગો પણ સુંદર પૂરે. ફરવાનો ખૂબ શોખીન. ઘરનું ખાવાનું ભાવે નહિ, પણ રેસ્ટોરન્ટની વાનગીઓ તેને ખૂબ ગમતી.

સમુદ્રના કિનારે ઋત્વિકનું મકાન - બંગલો. એવામાં તેનાં માતા-પિતાને ત્રણ-ચાર દિવસ બહાર જવાનું થયું. માએ કહ્યું, “ઋત્વિક તોફાન કરતો નહિ અને જે તે અવનવા પ્રયોગો ના કરતો.” ડાહ્યો ડમરો બનીને ઋત્વિકે માથું હલાવ્યું. તેના મનમાં તો અત્યારે વિચારોનું ઘમાસણ ચાલતું હતું. આ બંને જણ જશે એટલે હું આઝાદ પંખીની જેમ છુટ્ટો ! તેના માતા-પિતા સવારની ગાડીમાં બહારગામ ગયાં. આ બાજુ ઋત્વિકે જલદી જલદી જમી લીધું. ઘરના નોકરને કહ્યું, “હું દરિયા તરફ ફરવા જાઉં છું, મોડું થશે.” નોકરને તો ‘હા’ પાડયા સિવાય છૂટકો જ ન હતો.

ઋત્વિક ઊપડ્યો - દરિયાકાંઠે. ખાસ્સીવાર સુધી ચોપાટીની રેતમાં બેસી રહ્યો. તેની નજર દૂર દૂર ઊછળતાં મોજાં તરફ હતી. અચાનક એણે કંઈક ચળકતી વસ્તુ જોઈ. તેની આંખો સતત તે તરફ મંડાઈ. આ વસ્તુ તેની તરફ આવી રહી હતી. જોતજોતામાં તે વસ્તુ તેની નજીક આવી ગઈ અને તે જોતાં જ ચમક્યો. “બાપ રે, આવડો મોટો કાચબો ! અને આ એના માથા પર શું ચમકે છે?” એ બોલી ઊઠ્યો. ત્યાં તો કાચબો બોલ્યો, “ઋત્વિક, તને ફરવાનો શોખ છે ને ?” ઋત્વિક તો જોતો જ રહી ગયો. માણસની જેમ કાચબો બોલતો હતો. ઋત્વિકે હા પાડી. એટલે કાચબાએ કહ્યું, “ડર્યા વગર મારી પીઠ ઉપર બેસી જા.” ઋત્વિકે કહ્યું, “તારી પીઠ તો ચીકણી હોય, લપસી પડાય !” કાચબો બોલ્યો, “અરે તું બેસી તો જો.” ઋત્વિક વિચારમાં પડી ગયો - ‘આ કાચબો મને ક્યાં લઈ જ્શે ? અને લઈ ગયા પછી પાછો કેવી રીતે આવીશ?’ ઋત્વિકને વિચારતો જોઈ કાચબો બોલ્યો, “ગભરાઈશ નહિ, હું દૈવી કાચબો છું. તને ફેરવીને પાછો અહીં મૂકી જઈશ.” ઋત્વિક તો આભો જ બની ગયો. તેને થયું – ‘મારા મનમાં ચાલતા વિચારો પણ આ કાચબો જાણી લે છે, ખરું કહેવાય !’

ઋત્વિકે હિંમત એકઠી કરી કાચબાની પીઠ પર સવારી કરી. કાચબો મોં બહાર રાખી ધીમે ધીમે દરિયામાં જવા લાગ્યો. ઋત્વિક તો ચારે બાજુ પાણી અને ઊછળતાં મોજાંથી ડરી જ ગયો, પણ તેને આશ્ચર્ય એ વાતનું થયું કે પોતે લપસી પડતો નહોતો અને જાણે પીઠ પર ચોટી ગયો હોય તેવું લાગતું. ઋત્વિકે કાચબાને પૂછયું, “કાચબાભાઈ, તમારા માથા પર આ ચળકતું ચળકતું શું છે ?” કાચબો બોલ્યો, “મારી તપશ્ચર્યાથી ભગવાન પ્રસન્ન થયા હતા અને મને અમર બનાવવા આ હીરો મારા માથા પર મૂકી દીધો છે.” “તપશ્ચર્યા ! તમારે વળી તપશ્ચર્યા કરવાની શું જરૂર ? કયા કારણથી તમે તપશ્ચર્યા કરી હતી ?” કાચબો ઋત્વિકની વાત સાંભળી રહ્યો હતો. કાચબાએ કહ્યું, “ભાઈ, પરિશ્રમ તો પારસમણિ છે. મારા જેવા ઘણા કાચબા સમુદ્રમાં છે, પણ બધા આળસુ છે. તપશ્ચર્યા એટલે જ પરિશ્રમ. મને થયું કે માણસો ભગવાનની ભક્તિ કરે છે તો હું શા માટે ન કરું ? અને મેં ભગવાન શંકરનું નામ લેવાની શરૂઆત કરી. હું ગમે ત્યાં ફરું પણ નામ સ્મરણ કરતો રહું. એક રાત્રે મને પ્રકાશ દેખાયો અને શંકર ભગવાન સામે આવીને ઊભા રહ્યા.” મને કહે, “તારા જેવાં પ્રાણીઓ પણ મારું નામ સ્મરણ કરે તે આશ્ચર્ય તો છે જ, પણ બધાં પ્રાણીઓ કરતાં તું જુદો છે, બોલ શું જોઈએ ?” મેં કહ્યું, “ ભગવાન, હું માણસની જેમ બોલી શકું અને માણસોને મદદ કરી શકું, તેમના મનમાં ચાલતાં વિચારો જાણી શકું અને અમર બનું – આટલું મને આપો.” ભગવાને કહ્યું, “આ હીરો તારા માથા પર મૂકું છું જેનાથી તું બીજાના વિચારો જાણી શકીશ, માણસની જેમ બોલી પણ શકીશ અને અમર બનીશ.” “પછી ભગવાન તો જતા રહ્યા અને મેં જોયું તો ખરેખર મારા માથા ઉપર હીરો હતો. માણસની જેમ હું બોલી શકતો હતો અને વિચારો પણ જાણી શકતો હતો. મને ખૂબ જ આશ્ચર્ય થયું. મારા ભાઈબહેનો અને સગાંસંબંધીઓ પણ આશ્ચર્ય પામ્યાં. હવે હું સામાન્ય કાચબો ન હતો. બધાં મને માન આપતા થઈ ગયા.” ઋત્વિક કાચબાની વાત એકીટશે તેની આંખો સામે જોઈને સાંભળે જતો હતો. કાચબાએ કહ્યું, “તું મહાન બનવા માગે છે પણ તે માટે તારી તપશ્ચર્યા કેટલી છે ? તને પ્રયોગો કરવા ગમે છે, પણ નવા નવા પ્રયોગ માટે તારું વાંચન તો ઘણું ઓછું છે. તું વૈજ્ઞાનિક બને કે ડૉકટર આખરે તો ખૂબ જ પરિશ્રમ કરવાથી જ તેવા બની શકાય. જો ભગવાને મને અમર કરી દીધો. અત્યારે તું જુએ છે ને કે દરેક શિવમંદિરમાં શિવજીના વાહન પહેલાં તેમની નજીક મારું સ્થાન હોય છે. તારે પણ ઊંચું સ્થાન પ્રાપ્ત કરવું હોય તો મહેનત કરવા લાગી જા. મહેનતનું જ ફળ મળે અને તે ફળ સારું જ હોય.

“અનંત” શુક્લ