Tuesday, June 29, 2010

પરભુકાકા


પરભુકાકા યાત્રાએ ચાલ્યા. ખભે નાંખ્યો મોટો થેલો. થેલામાં એક જોડ કપડાં, ડિલ લૂછવાનો રૂમાલ, દોરી અને લોટો. ગામ વચ્ચેથી ચાલ્યા જાય છે. થોડાંક ટીખળી છોકરાંએ દાઢી વધેલા આ ઘરડાકાકાને જોઈ કાંકરીચાળો કરવાની શરૂઆત કરી. કાકા મૂંઝાયા. નાનાં ભૂલકાં અક્કલનાં અધૂરાં – માળું શું કરવું અને શું ન કરવું ? કાકાએ ખડખડાટ હસવા માંડ્યું. તેમનું અટ્ટહાસ્ય સાંભળી છોકરાં થોડુંક તો ડરી ગયાં, પણ સાથે તેઓ પણ હસવા લાગ્યાં. કાકાએ ઈશારો કરી બધાંને બોલાવ્યાં. એક ઝાડ નીચે બધાંને બેસાડી વચ્ચે એ બેઠાં. છોકરાંને તો મજા પડી. એક છોકરો મોંમાં ચોકલેટ ચાવતાં ચાવતાં બોલ્યો, “કાકા આ થેલામાં શું છે ?” “એમાં તો મારી ઘરવખરી છે.” કાકાએ કહ્યું. ફરી પેલાએ પૂછ્યુ – “ઘરવખરી એટલે?” એટલે “ઘર ચલાવવા માટે જે સાધનો જોઇએ તે” કાકાએ કહ્યું. ફરી ખૂણામાં બેઠેલા એક છોકરાએ પૂછયું – “કાકા ઘર તો કેવી રીતે ચાલે. તે તો નિર્જીવ છે. સજીવો જ ચાલી શકે, મોટાં થઈ શકે.” બેટા ઘર ચલાવવું એટલે આપણે ચાલીએ છીએ તેમ નહીં, પણ આપણે જીવવા માટે જે જે વસ્તુઓ જોઈએ એ ઘરવખરી અને ઘરવખરી ઘરમાં હોય એટલે આપણે આપણી દૈનંદિન બધી ક્રિયાઓ સહેલાઈથી કરી શકીએ.

જુઓ, રાત્રે તમારે સૂવું પડે છે ને ? તેના માટે પથારી, ઓઢવા માટે ચાદર વગેરે, વાંચવા માટે પુસ્તકો, પુસ્તકો ભરવા માટે થેલો, સવારે ઊઠો એટલે પાણી, દૂધ, દંતમંજન, દૂધ ગરમ કરવા ચૂલો, ચૂલો સળગાવવા દીવાસળી... વગેરે વગેરે. તમે વિચારો. એક દિવસ સવારે ઊઠીને સાંજે સૂઈ જાઓ છો તે દરમ્યાન ઘરમાં તમે કઈ કઈ ક્રિયાઓ કરો છો ? અને એ બધી ક્રિયાઓ માટે તમારે શું શું જોઈએ છે ? એ જ રીતે મોટેરાંઓની જરૂરિયાતો અલગ હોય એટલે તેમને એમની જરૂરિયાત પૂરી કરવાની વસ્તુઓ અને વ્યવસ્થા જોઈએ. હવે તમને સમજાયું કે ઘરવખરી એટલે... તો આ થેલામાં મારી ઘરવખરી છે.” “બતાવોને કાકા, બતાવોને કાકા”... બધાં છોકરાં એક સાથે બોલી ઊઠયાં. કાકાએ વચ્ચોવચ થેલો ખાલી કર્યો. કપડાં જોઈને કોઈને નવાઈ ન લાગી, પણ દોરી લોટો જોઈને નવાઈ લાગી. એક જણે પૂછ્યું પણ ખરું. “કાકા, આ દોરી લોટો કેમ લીધો છે ?” “પાણી માટે.” “પાણીનાં તો પાઉચ મળે છે ને.” દીકરાઓ તમને તમારી તંદુરસ્તી માટે જરાય ચિંતા નથી. પેલો જોને હજુ ચોકલેટ ખાઈ રહ્યો છે. વધુ ચોકલેટ ખાવાથી દાંતમાં સડો થાય અને ધીમે ધીમે દાંત પડવા લાગે અને પેલું પાઉચનું પાણી ! તમને ખબર છે કે તે પાણી તમારા પાઉચમાં કયારે ભરાયું હશે ? એવું પાણી પણ શરીરને ભવિષ્યે નુકસાન જ કરે ને ! આ લોટો છે. આપણું સાધન, સરસ અજવાળીને એમાં કોઈના ઘરેથી પાણી માંગી પીવામાં વાંધો શો ?”

બધાં છોકરાં એકીટશે પરભુકાકા તરફ તાકી રહેલાં અને પરભુકાકા કહે તેમાં માથું હલાવી સંમતિ આપે જતાં હતાં. એવામાં એક છોકરાની નજર થેલામાંથી બહાર કાઢેલી વસ્તુઓમાં પડેલી બે–ત્રણ સળેકડીઓ ઉપર ગઇ. કાકા વાત પૂરી કરે ત્યાં તે બોલી ઉઠ્યો, “અને... કાકા બે–ત્રણ નાની નાની સોટીઓ શાના માટે ?” કાકાએ કહ્યું, “દીકરા, આ સોટીઓ નથી, દાતણ છે. બાવળનાં દાતણ. તમે તો સવારે બ્રશ ઉપર ટ્યૂબમાંથી સફેદ, લીલી, લાલ, વગેરે વગેરે પેસ્ટ કાઢીને દાંત ઘસો છો ખરું ને ? પણ ભાઈ, હું તો દરરોજ આ દાતણ જ કરું છું. તમે તો જાણો છો કે બાવળ, લીમડો, વડ જેવાં વૃક્ષોની આવી ઝીણી ડાળીઓથી દાંત સાફ કરવાથી શું ફાયદો થાય ?

તમે આવું દાતણ જેવું દાંત વચ્ચે દબાવો એટલે તરત જ તમારાં પેઢાંમાંથી રસ છૂટે અને એની સાથે જ દાંતનાં પોલાણોમાં ભરાઈ રહેલા અનાજના કે ખાવાની કોઈ ચીજના રહેલા કણ બહાર આવી જાય. એટલે મોંની દુર્ગંધ દૂર થઈ જાય. પછી જેમ જેમ તમે ચાવતા જાઓ તેમ તેમ મોં તો ચોંખ્ખું થયા કરે જ, પણ સાથે સાથે દાંતને પણ કસરત મળે. દાંત મજબૂત બને. જુઓ...” એમ કહીને કાકાએ ખિસ્સામાંથી અખરોટ કાઢ્યું ને બે દાઢ વચ્ચે મૂકયું. ‘ફટાક’ અવાજ આવ્યો અને અખરોટના ચાર-પાંચ ટુકડા. કાકાએ વાતનું અનુસંધાન કર્યું. “જોયું ? આ ઉંમરે પણ મારા દાંત કેવું કામ આપે છે ?” એમ કહીને બીજું અખરોટ બાજુમાં બેઠેલા ૧૪-૧૫ વર્ષના મુનિયાને આપ્યું. તે સૌથી મોટો છોકરો હતો. “લે મુનિયા, આ અખરોટ તારું, પણ તારે મારી જેમ જ તોડવાનું.” મુનિયાએ હાથ લંબાવી અખરોટ લઈ મોંમા મૂકી દબાવવાની કોશિશ કરી પણ દાઢ દુખવા આવી ગઈ, અખરોટ ન તૂટ્યું. બાકીનાં છોકરાંઓ જોઈ રહેલાં. “કેમ, નથી તૂટતું?” કાકાએ કહ્યું. મોટામાં મોટા છોકરાથી અખરોટ ભાગી ન શકાયું, તેથી નાનાં છોકરાંઓ તો આશ્ચર્ય પામી ગયા.

“જોયું ને ? મુનિયો તોડી નથી શકતો. કંઈ વાંધો નહિ, તું તારી પાસે રાખ, મુનિયા. હવે સમજાય છે કે કુદરતે આપેલ વૃક્ષો આપણને કેવી રીતે મદદગાર બને છે? તમે બ્રશ દાંત પર અને પેઢાં પર ઘસો છો તેથી તો કદાચ તમારા દાંત વચ્ચે જગ્યા થઈ જશે અને પેઢાં નીચે ઊતરતાં જશે, આખર જતાં દાંત મૂળ બાજુથી ધીમે ધીમે ખુલ્લા થયા કરશે. જ્યારે આપણું દાતણ-અહા ! અને એમાંય લીમડાનું હોય તો પૂછવું જ શું? તેનો કડવો રસ દાંતનાં પોલાણોમાં ઘર કરી રહેલા બૅક્ટેરિયાનો નાશ કરી દે છે અને વડનું દાતણ તો દૂધવાળું હોય છે. તેને ચાવવાથી પાયોરિયા જેવા રોગોમાંથી મુક્તિ મેળવી શકાય છે.”

કાકાએ સામાન ભર્યો, ઊભા થયા અને કહ્યું, “આજે આટલું જ. ફરીને પાછો આવીશ ત્યારે ફરી મળીશું.” નમસ્તે કાકા, નમસ્તે કાકા - બધાં છોકરાં એકી સાથે બોલી ઊઠ્યાં.

“અનંત” શુક્લ