Tuesday, June 29, 2010
સંતોષ
ગરીબ ઘરનો એ છોકરો. નામ એનું સંતોષ. ખરેખર નામ પ્રમાણે ગુણ. ઘરમાં હાંલ્લાં કુસ્તી કરે, પણ પડોશી પૂછે કે શું ખાધું ? તો ઝટ જવાબ આપી દે ‘દાળ–ભાત–રોટલી–શાક.’ ઘરની આર્થિક સ્થિતિ અત્યંત કફોડી, પિતાજી આંખે દેખે નહિ. મા યજમાનવૃત્તિની આવકમાંથી ઘર ચલાવે. યજમાન ન આવ્યા હોય તેવો મહિનો તો ખૂબ જ કરકસરથી ચાલે, પણ ઘરમાં નાનો છોકરો – શું ન જોઈએ ? પણ સંતોષ જેનું નામ ! કદી કોઈ વસ્તુઓ ખરીદવાનું વિચારે જ નહિ.
શાળામાં ગણવેશ. તે જમાનાની રૂપિયા ૬/-ની એક ખાખી ચડ્ડી, જે વરસ દરમ્યાન પહેરવાની. અને સફેદ ખમીસ તો યજમાને આપેલા ધોતિયામાંથી સિવડાવવાનું. સંતોષનાં બાળપણમાં એવો પણ સમય આવેલો કે છ-છ મહિના સુધી ઘી ઘરમાં નહોતું. દિવાળીના તહેવારો આવે. બધાં છોકરાં સુંદર નવાં નવાં કપડાં સીવડાવે, પણ સંતોષનો સંતોષ અજબ હતો. છોકરાં ફટાકડા ફોડે – સંતોષ ઓટલે બેઠો જોયા કરે. છોકરાં ઘેર જાય ત્યારે સંતોષ જમીન પર વેરાયેલા વણફૂટેલા ફટાકડા એકઠા કરે, ફોડે અને દિવાળી મનાવ્યાનો સંતોષ માને.
તે ભણ્યો. એસ.એસ.સી. થયો. ઘરે એક સાધુ આવ્યા. સંતોષનો હાથ જોયો અને માને કહ્યું, ‘આ છોકરો હવે વધુ ભણશે નહિ.’ ખલ્લાસ. માના તો મોતિયા મરી ગયા. આંખો છલકાઈ આવી. એકનો એક અને સોનાની મેખ-એ ન ભણે તો ઘરનું દારિદ્રય જાય કેમ ? પણ સંતોષે મનમાં ગાંઠવાળી – આ બાવાજીને જુઠ્ઠા સાબિત કરીશ. સંતોષ EBC માફી અને જ્ઞાતિનાં પુસ્તકો, મિત્રોની મદદ વગેરેથી ભણ્યો. ગ્રેજ્યુએટ થયો.
કહે છે ને કે ભગવાન ક્યારે ભાગ્યનું પાંદડું ફેરવશે એ આપણે જાણતા નથી. બસ, સંતોષનું એવું જ થયું. તેની બી.એ.ની પરીક્ષાનું પરિણામ પણ નહોતું આવ્યું અને ૧૨ જૂન ૧૯૬૭ના દિવસે તે એક હાઈસ્કૂલમાં શિક્ષક બની ગયો. વિષયની માસ્ટરી માટે ઘેર ખૂબ મહેનત કરતો અને શાળામાં બાળકોનો ચહીતો બની ગયો.
તેની ઈચ્છા આચાર્ય બનવાની હતી અને એ એટલા માટે કે જે શાળામાં તે આચાર્ય બનશે તેને નંદનવન બનાવશે. ભગવાને તેને આચાર્ય બનવાની બે તક આપી, પરંતુ શિક્ષકની નોકરીમાં ચાલુ એવા સંતોષે એક તક પોતાના મિત્ર માટે અને બીજી એક બચરવાળ પટેલ સાહેબ માટે જતી કરી. પરંતુ કહેવાય છે ને જેના પર રામ કૃપા કરે તેને સઘળી અનુકૂળતાઓ આવી મળે. બસ, એમ જ તેને તેની કર્મભૂમિમાં જ આચાર્ય બનવાનું થયું. નિષ્ઠા અને લગનથી કામ કર્યું.
એવામાં આર્થિક સબળતા આવી ગઈ. ઘરમાં ખુશહાલી આવી. સામાજિક કારણોસર માટે તેણે સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી અને અમદાવાદમાં સ્થાયી થયો. અહીં પણ એને કામ મળી ગયું. દીકરો પરદેશ ગયો. દીકરી ડૉકટર બની. બીજી દીકરી પણ ખૂબજ સુખી અને સંતોષ તેમજ તેનાં ધર્મપત્ની પણ સુખી.
“અનંત” શુક્લ