Sunday, June 13, 2010
સમજણ સાથેની સાચી મહેનત
ખેડૂત ખૂબ જ મહેનતુ હોય છે. રણછોડ નામનો ખેડૂત બીજા ખેડૂતો કરતાં વધુ મહેનતુ હતો; પરંતુ દુ:ખની વાત એ હતી કે મહેનતનો પૂરતો બદલો એને મળતો ન હતો. એનું કારણ, એનાં ખેતરોને નહેરનું પાણી મળતું ન હતું. વરસાદ ઘણો ઓછો પડતો હતો અને જયારે પડતો ત્યારે બે મતલબનો પડતો. એટલે ખેતી માટેનું બીજ રોપણ સમયસર ના થઈ શકતું અને કદાચ બીજ રોપણ કરે તો તે વચમાં જ સૂકાઈ જતું.
નહેર એના ખેતરથી ઘણી દૂર હતી. એનો અર્થ એ નથી કે એણે નહેરનાં પાણી મેળવવા પ્રયત્ન જ નહોતો કર્યો. ઘણો બધો પ્રત્યન કર્યો હતો. નહેરનાં પાણી એના ખેતર સુધી લેવા માટે એણે એક ઊંડી પહોળી નીક પણ ખોદી હતી; પરંતુ એનું ખેતર બીજા ખેડૂતોના ખેતર કરતાં વધુ ઊંચાઈ પર હતું. એટલે પાણી એના ખેતરમાં સિંચાઈ ના કરી શક્યું. તેથી એની મહેનત નકામી ગઈ. એક વૃદ્ધ અનુભવી ખેડૂતે રણછોડભાઈને સલાહ આપી કે એમણે એમના ખેતરમાં એક કૂવો ખોદવો જોઈએ. જેથી ‘કોસ’ લગાવીને એના ખેતરમાં એ પાણીથી બરાબર સિંચાઈ કરી શકે. ધરતીના ઊંડાણમાંથી નીકળેલું પાણી ખૂબ મીઠું અને લાભકારી હોય છે. ત્યાંથી જતા-આવતા પ્રવાસીઓ પણ આ મીઠું પાણી પીને આશીર્વાદ આપશે અને ખેતી પણ સારી થશે.
રણછોડભાઈને આ વૃદ્ધ અનુભવી ખેડૂતનું સૂચન ખૂબ ગમ્યું. એમણે નક્કી કરીને કૂવો ખોદવાનું શરૂ કર્યું. માટી ખૂબ જ સખત હતી; પરંતુ એમનો નિર્ણય એનાથી પણ વધુ મક્કમ હતો. એટલે એ ખૂબ જ મહેનત કરતા રહ્યા. પછી તો તે પોતાના કદ જેટલું ખોદી ચૂક્યા પણ એમને પાણી ન મળ્યું. જો ત્યાં પાણી હોત તો કંઈક પાણી તો જરૂર મળત. પણ એ ન બન્યું.
એમને મનમાં થયું કે કૂવા માટે એમણે ખોટી જગ્યા પસંદ કરી છે. પછી ખૂબ વિચારીને એમણે બીજી જગ્યાએ ખોદકામ કર્યું. આ વખતે પણ એમણે પહેલાંની જેમજ નિરાશ થવું પડ્યું. પછી એમને ત્રીજી જગ્યાએ ખોદકામ શરૂ કરવું પડ્યું. આમ વારંવાર ખોદકામ કરવાથી એમના આખા ખેતરમાં ખાડા પડી ગયા.
પછી તો એમણે નક્કી કરી લીધું કે તે કદી કૂવો ખોદવાનો પ્રયત્ન નહિ કરે. તે એક ઝાડની નીચે બેસીને પોતાનો પરસેવો લૂછી રહ્યા હતા. એમના આખા શરીરે માટી ચોંટી હતી. એ જ સમયે ત્યાંથી એક મુસાફર નીકળ્યો. એ મુસાફરે જોયું કે ખેતરમાં ઠેર ઠેર ખાડા પડ્યા છે. તે આ ખાડાઓ વિશે વિચારી રહ્યો હતો, ત્યાં એની નજર ઝાડ નીચે બેઠેલા રણછોડભાઈ પર પડી. રણછોડભાઈની ખરાબ દશા જોઈ તે એમની પાસે ગયો. મુસાફરે પૂછ્યું- ‘‘ભાઈ, શું આ ખેતર તમારું છે ?’’ ‘‘હા, મારું જ છે.’’ રણછોડભાઈએ કહ્યું. પછી એમણે પેલા મુસાફરને પાસે બેસાડીને આરામ કરવા કહ્યું.
પેલો મુસાફર એમની બાજુમાં બેઠો, પછી કહેવા લાગ્યો – ‘‘તમારા ખેતરમાં આટલા ખાડા કેમ પડ્યા છે ?’’
રણછોડભાઈએ એમને માંડીને બધી વાત કહી.
મુસાફર ખૂબ જ બુદ્ધિશાળી હતો. એણે કહ્યું – ‘‘તમે મહેનત તો ખૂબ જ કરો છો. પરંતુ ફક્ત મહેનતુ હોવાથી જ કામ નથી થતું. તમારી સમજણ ઉપરાંત સાચી દિશામાં કરેલી મહેનત જ સારું પરિણામ લાવે છે, નહિ તો મહેનત પણ નકામી જાય છે. જો તમે એક જ જગ્યાએ ખોદકામ કર્યું હોત તો પાણી જરૂર મળત. હવે એમ કરો, ખેતરના પૂર્વ ખૂણાવાળા ખાડામાં વધુ ખોદકામ કરો, જયાં સુધી પાણી ના મળે, ત્યાં સુધી ખોદવાનું ચાલુ રાખજો. તમને ખૂબ જ જલદી સફળતા મળશે. પૂર્વ ભાગનો ખૂણો ખેતરનો ઊંચાણવાળો ભાગ છે. એ ભાગમાં બનેલા કૂવાથી આખા ખેતરમાં સિંચાઈ થઈ શકશે. રસ્તો પણ ત્યાંથી જ નીકળે છે. એટલે લોકોને પણ કૂવાનું પાણી સહેલાઈથી મળી શકશે.’’
આટલું કહીને પેલો મુસાફર ચાલ્યો ગયો. રણછોડભાઈએ એ પ્રમાણે કર્યું, જે પેલા મુસાફરે કહ્યું હતું. સાચે જ થોડું ખોદકામ કરતાં મીઠું પાણી નીકળ્યું. થોડા સમય પછી રણછોડભાઈના ખેતરમાં પણ સરસ ખેતી લહેરાવા લાગી. - યશવંત કડીકર