Sunday, June 13, 2010
જલપરી
દરિયા કિનારે માછીમારોનું એક નાનકડું ગામ હતું. મામદ અને તેની વૃદ્ધ માતા આ ગામમાં રહેતા હતાં. મામદ મછવો લઈ રોજ દરિયાની ખેપ કરતો. ખપ પૂરતાં માછલાં પકડતો ને ગુજરાન ચલાવતો. મામદ કદી માની વાત ટાળતો નહિ.
એક દિવસની વાત છે : દિ’ આખો દરિયામાં રહેવા છતાં તેની ખેપ ભરાઈ ન હતી. જાળને આમથી તેમ દરિયામાં ફંગોળતો હતો પણ જાળ ભારે થતી ન હતી. મામદ તો વિચારતો નિરાશ બેસી રહ્યો હતો. એટલામાં જાળમાં મોટી માછલી સપડાઈ છે તેમ લાગતાં ધીમે ધીમે જાળને ઉપરની તરફ ખેંચવા લાગ્યો. મોટી માછલીને જોતાં ખુશ થયો. માછલી પાણી બહાર આવતાં તે મનુષ્યની વાણીમાં બોલી ઊઠી :
‘‘હે નવજુવાન મછવારા, મારી વાત ધ્યાનથી સાંભળ....’’
મામદને અચંબો થયો. માછલી મનુષ્યની ભાષા બોલી શકે છે ! આશ્વર્ય વ્યક્ત કરતાં તે માછલીને પ્રશ્ન કરે છે, ‘હે માછલી, તું મનુષ્યની જેમ બોલી શકે છે ?’
‘હા. તમારી જેમ જ મારી મા સખત બીમાર છે. ઔષધની શોધમાં નીકળી છું. તમારી જાળમાં ફસાઈ ગઈ. ઔષધ લઈ સમયસર નહિ પહોંચુ તો ઓષધના અભાવે મારી મા મરી જશે. પછી મારા નાના ભાઈ-ભાંડુઓનું શું થશે એ તો ઉપરવાળો જાણે ! મને ઘરે જવા દે. કાલે ચોક્કસ આ જગ્યાએ આવજે. હું સામે ચાલી તારી જાળમાં આવીશ; મારી માને ખાતર જવા દે...’
‘‘મારે પણ મા છે. અને મારે પણ ખાવાનું લઈ જવાનું છે. તને વેચ્યા પછી જ આ શક્ય બનશે.’’ મામદે માછલીને જણાવ્યું.
‘‘એની ના નથી. આજે નહિ, કાલે તું વેચજે. મારી મા સખત બીમાર છે. દયા કર...’’ માછલીએ કાલાવાલા કર્યા.
માછલીની આ વાત સાંભળી મામદ વિચારવા લાગ્યો ને બોલ્યો : ‘‘આઝાદ થયેલ માછલી ફરી પાછી પોતાની મેળે જાળમાં આવતી હશે ? જીવ કોને વહાલો નથી ? તારો વિશ્વાસ કેવી રીતે કરું ?’’
‘‘દયા, કર ભાઈ દયા ! મને જવા દે મોડું થતાં અમારો સંસાર ઊજડી જશે. મારો વિશ્વાસ કર. કાલે જરૂર આ જગ્યાએ આવીશ. મારું વચન છે.’’ મામદને માછલી એ આજીજી કરી.
માછલીની આજીજી ભરેલી વાણી ને મા તરફનો પ્રેમ જોઈ મામદનું હ્રદય દ્રવી ઊઠયું. મામદ માછલીને દરિયામાં સરકાવતાં સ્વગત બોલી ઊઠ્યો : ‘‘એને પણ મા છે.’’
માછલીએ મામદનો આભાર માન્યો, આવતી કાલે ફરી આવવાના વચનને તેણે દોહરાવ્યું.
સાંજ થવા આવી હતી. આજે બનેલ ઘટનાની વાત માને કહેવા મામદ ઉતાવળો હતો.
મામદની વાત સાંભળી તેની મા ખુશ થતાં બોલી : ‘‘બેટા ! આજે તેં ઘણું સુંદર કામ કર્યું. એક માની ખાતર તેં દીકરીને જવા દીધી. હું ખુશ છું.’’
બીજે દિવસે મામદ તે જ જગ્યાએ પહોંચી ગયો. જાળ દરિયામાં ફંગોળી. જાળ ભારે થવાની રાહ જોવા લાગ્યો. જાળ ભારે થતાં ખેંચી. ને તેના આશ્વર્ય વચ્ચે ગઈ કાલે વચન આપી ગયેલ માછલીને જોઈ. માછલી પાણી બહાર આવતાં તે મામદને સંબોધીને બોલી :
‘‘હે મછવાભાઈ, મારું વચન મેં પાળ્યું છે. મારી મા સાજી થઈ ગઈ. તે મારા નાનાં ભાંડુઓનું ભરણપોષણ અને રક્ષણ કરી શકે તેમ છે. મને વેચી તારી મા માટે ખાવાનું ખરીદી શકે છે. તારે પણ મારી મા જેવી મા છે ને ! એની સેવા કરવી તારી પણ ફરજ છે.’’
આ સંવાદ ચાલતો હતો ત્યાં બીજી એક નાની માછલી પાણી બહાર આવી ઊંચા સ્વરે બોલી ઊઠી :
‘‘હે મછવાભાઈ, મારી મોટી બહેનને છોડી મૂક. હું તારી સાથે આવું છું. અમારા ઘરની સઘળી જવાબદારી તેના માથે છે. મારી મા સંપૂર્ણ સાજી થઈ નથી....’’
‘‘બહેન, આ શક્ય નથી. બલિદાન દેવાનો મારો અધિકાર ને ફરજ છે.’’
‘‘ના ... દીદી... કોઈ વાતે હું માનવાની નથી.’’
‘‘મારું માન, ઘરે પાછી વળ, આપણા બંનેને એકીસાથે બહાર જોઈ મા ચિંતા કરતી હશે...’’
મામદ માછલીઓની વાત સાંભળી રહ્યો હતો : વિચારતો હતો ઘર-પરિવાર માટે કેટલો પ્રેમ છે. મારે પણ આવી બહેન હોત તો...’’ મામદનું મન ભરાઈ આવ્યું. ‘‘લડો નહિ, પ્રેમ અને બલિ થવાની તમારી ઈચ્છા જોઈ હું તમને વેચી શકું તેમ નથી. મારે પણ ઘર છે, મા છે, મારા સ્વાર્થ ખાતર તમારો ભોગ લઉં તે યોગ્ય નથી. તમને આઝાદ કરીને છોડી મૂકું છું.’’
મામદની લાગણીસભર વાત સાંભળી માછલીઓએ પોતાનું અસલ જલપરી સ્વરૂપ ધારણ કરીને મછવાભાઈને સંબોધતાં કહ્યું ‘‘હે મછવાભાઈ, અમે દરિયાદેવની માનીતી જલપરીઓ છીએ. દરિયાદેવને ખોળે આનંદ-કિલ્લોલ કરતાં રહીએ છીએ. અમારી મરતી માને બચાવવા તમે તમારો સ્વાર્થ જોયો નથી. અમે ખુશ છીએ. દરિયાદેવ ન સુકાય ત્યાં સુધી માછલી માનવકુળને પોષતી રહેશે. એનો ક્યારેય દુકાળ નહિ પડે. જરૂર પડે દરિયાદેવને ખોળે આવી સાદ પાડજો એટલે જલપરીઓ તમારી મદદે આવશે.’’
આ સાંભળી મામદ ખુશ થયો.
- રશીદ મૂનશી