Sunday, June 13, 2010

બગલાની સિંહસવારી


એક ગામના પાદરમાં વડલો હતો. તેના પર જાતજાતનાં ને ભાતભાતનાં પક્ષીઓ રહે. એમાં એક બગલો પોતાના પરિવાર સાથે રહેતો હતો. રોજ સવારે ભરવાડ ગામનાં ઢોર-ધણ લઈને નીકળે એટલે બગલો પણ તેની સાથે જાય. થોડે સુધી ઊડે ને પછી ભગરી ભેંસ ઉપર બેસી જાય. ભેંસ હતી જાડી, નાનકડા બગલાનો ભાર શી વિસાતમાં ? ભેંસ શરીરે અને બુદ્ધિએ પણ જાડી હતી.

ભેંસને બગલાનો અને બગલાને ભેંસનો સંગાથ મળતો. જંગલમાં ભરવાડ ઢોરને છૂટાં મૂકી દઈ પોતે એક મોટા ઝાડની ઓથે લંબાવે. ગીતો ગાય, વાંસળી વગાડે, ટીમણ કરે તો થોડી વાર મીઠી ઊંઘ પણ ખેંચી લે. ગાયો, ભેંસો થોડી વાર ચરે અને પછી મજાનો છાંયો ગોતી સંગાથે આરામ કરે. આરામ કરતાં-કરતાં વાગોળતાં પણ જાય. એ દરમિયાન સેવાભાવી બગલો બધાં ઢોરની રખેવાળી કરતો જાય અને જીવજંતુનો નાસ્તો કરતો જાય. નમતી સાંજે ધણ ગામ ભણી ચાલવા માંડે. બગલો તો પાદરમાં જ પોતાના ઘેર રોકાઈ જાય.

એક દિવસ એવું બન્યું કે, બગલાની સવારી જંગલમાં જતી હતી, ત્યાં અચાનક ઝાડીમાંથી સિંહ અને સિંહણ નીકળી પડ્યાં. ઢોર ગભરાણાં, નાસભાગ મચી ગઈ. ભરવાડે પરિસ્થિતિ પારખી દેકારા-પડકારા કર્યા એટલે સિંહદંપતી ડરીને ઝાડીમાં ચાલ્યું ગયું.

બીજે દિવસે પણ એવું જ બન્યું પણ આજે તો પક્ષીઓએ જંગલેશ્વરની પધરામણીના સંકેત આપી દીધા હતા. સિંહ દૂર હોવાથી ઢોરે ખાસ નોંધ લીધી નહીં. પણ બગલાથી રહેવાયું નહીં. તેણે ભેંસને પૂછ્યું, ‘‘હેં ભગરીબહેન, આ સિંહ રોજ કેમ આંટા મારવા નીકળતો હશે ? નીકળે એનોય વાંધો નહીં પણ તમે બધા એનાથી ડરો છો કાં ?’’

‘‘તો શું એની સામે મરવા જવાનું ? સિંહ તો જંગલનો રાજા છે, બળિયો પણ ભારે. ધારે તેને મારીને ખાઈ જાય. શું સમજ્યા બગલાભગત.’’ ભેંસે પોતાની અનુભવવાણી સુણાવી.

‘‘તે હશે જંગલનો રાજા, એમાં આપણે શું ? એ એને રસ્તે અને આપણે આપણા રસ્તે. શું સિંહને વતાવીએ નહીં તોય આપણને મારી નાંખે ?’’ બગલાએ પોતાની ડંફાસ હાંકતાં કહ્યું.

‘‘ના રે ? સિંહ તો રાજા છે. એને ભૂખ લાગી હોય તો જ મારણ કરે નહીંતર બાજુમાંથી નીકળી જઈએ તોપણ કંઈ કરે નહીં.’’ માણસોની સાંભળેલી વાણી ભગરી ભેંસે બગલાને કહી સંભળાવી.

બગલાએ સાંજે ઘેર પાછા ફરતાં વિચાર્યું કે આમ રોજ ભગરી ઉપર સવારી કરીને કંટાળો આવે છે. કંઈક ચેઈન્જ હોય તો ગમે. ગાય, બકરાં, ઘેટાં ઉપર સવારીમાં કંઈ મજા નહીં. આ સિંહ કંઈક બળિયો અને પાંચમાં પૂછાય એવું પ્રાણી. વળી બધાં એનાથી ડરે પણ છે. નવું કરીએ તો છાપામાં નામ પણ છપાય. વળી, સિંહ આપણને કરી પણ શું શકવાનો હતો ? મારી ઉડવાની શક્તિ અને ઝડપ સિંહ પાસે થોડી છે ?

આમ બગલો રોજ સિંહની સવારીના મનસૂબા ઘડે, સ્વપ્નાં સેવે. પણ તેની હિંમત ચાલે નહીં. ભગરી ભેંસની શિખામણ તેને તેમ કરતાં રોકે. વિચારમાં ને વિચારમાં બે-ત્રણ માસ પસાર થઈ ગયા. એક વખત એવું બન્યું કે વડલા નીચે એક મહાત્મા આવીને બેઠા. ગામના લોકો પગે લાગવા જતા. મહાત્મા બધાને સત્સંગની બે વાતો કરે. બગલાને તેમાં રસ પડ્યો. એક વખત જંગલમાં જવાનું માંડી વાળી મહાત્માની વાતો સાંભળવા રોકાઈ ગયો. મહાત્માની વાત સાંભળવા બગલાએ પોતાના કાન સરવા કર્યા. બગલાએ સાંભળ્યું કે, ‘‘હિંમત હોય તો ગમે તેવું અઘરું કામ સહેલું બની જાય. આપણાથી ગમે તેટલો બળવાન, બુદ્ધિશાળી આપણી સામે હોય તો પણ હિંમત-બહાદુરી બતાવવાથી તેનું બળ ઓછું થઈ જાય છે. આત્મશક્તિ હોય તો નાનો માણસ પણ મોટા માણસને મહાત કરી શકે.’’

મહાત્માની વાણી સાંભળી બગભગતમાં શક્તિનો સંચાર થયો. તેની પાંખો ફડફડ થવા લાગી. ડોક અને રાંટા પગ ટટ્ટાર થઈ ગયાં. ઝીણી આંખો પણ લાલ બની ગઈ ને જાણે હમણાં જ સિંહની સામે કેસરિયા કરવા જવાનું હોય તેમ ધ્રૂજવા લાગ્યો. જાણે પોતાના સાથીઓને કહેતો ન હોય કે શું આ જંગલોમાં સિંહ એક જ બળવાન ને શક્તિશાળી છે ? જોઈ લ્યો આ ભડવીરના ભડાકા.

બનવાજોગ એવું બન્યું કે બીજે દિવસે બગલો ને ભગરી ભેંસ જંગલમાં જતાં હતાં ત્યારે સિંહ ધણના રસ્તે આડો પડ્યો. સિંહને જોતાંવેંત બગલાને મહાત્માનાં વેણ યાદ આવી ગયાં. તેનું શરીર અક્કડ બની ગયું. રાંટા પગ ટટ્ટાર થયા, ને બંને પાંખો ફફડી ઊઠી. મક્કમ નિર્ધાર કરી અર્જુનની માફક લક્ષ્ય વિંધવા બગલાએ ઉડાન ભરી. આડુંઅવળું જોયા વિના બગલો તો સિંહની પીઠ ઉપર જઈને બેસી ગયો.

અચાનક આવી ચડેલા બગલાની હિંમત જોઈ થોડી વાર તો સિંહને પણ આશ્વર્ય થયું. મનમાં ગુસ્સો પણ આવ્યો. સિંહે વિચાર્યું કે બગલો સમજે છે શું એના મનમાં ? તેની આ હિંમત ? પણ સિંહે શાંતિ જાળવી. તેણે વિચાર્યું કે જોઈએ તો ખરા કે બગલો શું કરે છે ?

બગલાની સિંહસવારીની વાત કાના કાગડાએ જંગલમાં કાનોકાન ફેલાવી દીધી. બધાંને જાણ થઇ. કેટલાંકને હસવું આવ્યું તો કેટલાંકને ગુસ્સો આવ્યો રાની પશુઓથી બગલાની ગુસ્તાખી સહન થતી ન હતી. પોતાના એકચક્રી શાસનમાં આવું તુચ્છ પક્ષી છીંડુ પાડે એ કેમ સહન થાય, પણ પશુઓએ વિચાર્યું કે, હશે આપણે શું, જો ખુદ સિંહને કંઈ ન પડી હોય તો. પરિણામે સૌ શાંતિથી જોઈ રહ્યાં. એક વૃક્ષ નીચે સિંહ ઊભો રહ્યો. બધાં પશુ-પક્ષીઓ સિંહની ફરતે ઊભા રહી ગયાં. હજી બગલો તો સિંહ ઉપર જ બેઠો હતો. વાઘજી વાઘે ત્રાડ નાંખી, ‘‘મહારાજ, આ શું માંડ્યું છે ? આપ તો રાજા છો. એક તુચ્છ પક્ષીને આ રીતે...’’

વાઘજી વાઘની વાત પૂરી ન થઈ ત્યાં તો બધાં રાજાને ખુશ કરવા તેની ચાપલૂસી કરવા લાગ્યાં. પડ્યો બોલ કાને સંભળાતો નથી.

અચાનક સિંહે ગર્જના કરી કહ્યું, ‘‘તમારી વાત સાચી છે. રાજા તરીકેની ગરિમા, ગૌરવ મારે જાળવવાં જોઈએ. છતાં મેં બગલાને કંઈ કર્યું નહીં એની પાછળનું કારણ જાણવું છે ? તો સાંભળો...’’

‘‘બગલો ભલે તુચ્છ પક્ષી કે જીવ રહ્યો હું જંગલનો રાજા છું. જંગલની સંપત્તિનો હું માલિક છું. તમારાં સૌનો રક્ષક અને પાલકપિતા સમાન છું, એક પિતાની ગોદમાં તેનું બાળક રમવા આવે તો પિતા તરીકેની ફરજ મારે બજાવવી જોઈએ કે નહીં ? બાળક ધ્રુવની વાતથી તો તમે સૌ વાકેફ છો.’’

સિંહની વાત અને પ્રશ્ન ગગનમાં ગૂંજતાં રહ્યાં. સર્વત્ર શાંતિ છવાઈ ગઈ. સિંહે શાંતિનો ભંગ કરતાં કહ્યું, ‘‘ મેં એક રાજા અને પિતા તરીકેની ફરજ અદા કરી છે. તેમ છતાં તમને લાગતું હોય તો બગલાના અવિવેક બદલ તેને સજા કરવા તૈયાર છું.’’

દયામણા મોંએ બગલો સૌની સામે જોવા લાગ્યો. મોત આવ્યું કે આવશે એ બીકે હિંમતપૂર્વક ડૂબતો તરણું પકડે તેમ બે હાથ જોડી વિનયથી બોલ્યો, ‘‘ મહારાજ, મને માફ કરો. છેલ્લા ઘણા સમયથી હું ભગરી ભેંસ ઉપર સવારી કરતો હતો. એક દિવસ તમને જોયા ને વિચાર આવ્યો કે સવારી કરવી તો સિંહની. ઘણા મનોમંથન બાદ એ વિચારને આજે અમલમાં મૂક્યો છે. હું તો આપનું તુચ્છ સંતાન કહેવાઉં. આપ જે સજા કરશો તે મને સ્વીકાર્ય છે.’’

‘‘તારા આનંદથી મને પ્રસન્નતા થઈ છે. હું એમ વિચારું છું કે જેમ વાંદરી પોતાના બચ્ચાને પેટે લગાડી કૂદાકૂદ કરે છે, કાંગારું પેટની ખોળમાં બાળકને બેસાડી દોડી શકે છે, મારાં બચ્ચાં મારી ઉપર સવારી કરતાં હોય તો તને બાળક સહજવૃત્તિથી ઈચ્છા થઈ અને સવારી કરી એમાં ખોટું શું છે ? મેં તો એમ માન્યું કે મારું બચ્ચું મારી પીઠ પર બેસી ઘોડોઘોડો રમતું હોય તો હું શું એને મારી નાંખત ? જા ભાઈ, આજે તો હું તને જવા દઉં છું પણ એક ચેતવણી કે સલાહ આપું છું કે ફરી ક્યારેય અમારાં જેવાં રાની પશુઓની હડફેટે ચડીશ નહીં.’’

આટલું સાંભળતાં બગલાએ સિંહને પ્રણામ કરી પશુ-પક્ષીઓને કહ્યું, ‘‘ જુઓ, સાંભળો... સાંભળો...’’
રાજા હો તો સિંહ જેવા,
પિતા હો તો સિંહ જેવા,
ઉદાર હો તો સિંહ જેવા,
નમ્ર હો તો સિંહ જેવા.
પ્રશંસા કરતો બગલો ફરરર કરતો ઊડી ગયો ને સૌ પશુ-પક્ષીઓ પોતાના રાજા સિંહના ગુણગાન ગાતાં, પ્રસન્નચિત્તે વીખરાયાં.
- રવજીભાઈ કાચા