Thursday, May 27, 2010

આંબલો


સાત વર્ષનાં મૈત્રીબહેન બીજા ધોરણમાં ભણતાં હતાં. એમનાં શિક્ષિકા બહેન શાળા છૂટવાનો અડધો કલાક બાકી હોય ત્યારે કાંતો કોઈ વાર્તા કહેતાં કાંતો કોઈ ગીત ગવડાવતાં. આજે એમણે એક ગીત ગવડાવ્યું. અને મૈત્રીબહેન તથા બધાંય બાલ દોસ્તોએ મોટે સાદે એ ગીત ઝીલ્યું. કયું ગીત હતું ખબર છે તમને ? જુઓ હું ગાઉં. તમે ઝીલજોહોં કે !

‘‘આંબલો તો ઘરથી યે ઊંચો ગ્યો. ખમ્મા આંબલિયો !
આંબલો તો દાદાએ વાવ્યો તો. ખમ્મા આંબલિયો !
આંબલો તો દાદીએ સીંચ્યો’ તો. ખમ્મા આંબલિયો !
આંબલો તો પપ્પા એ પોષ્યો’ તો ખમ્મા આંબલિયો !
આંબલો તો ફઈબાએ રક્ષ્યો’ તો. ખમ્મા આંબલિયો !
આંબલો તો સાખે લૂમ્યો-ઝૂક્યો. ખમ્મા આંબલિયો !
આંબલો તો થાય આપણો દાદો, ખમ્મા આંબલિયો !
આંબલો તો કંકુચોખાએ પૂજો, ખમ્મા આંબલિયો !’’

ગીત ગાઈ લીધા પછી બહેને પૂછ્યું કે ‘‘આંબલો એટલે શું ?’’
તો મૈત્રી બહેને ઉત્તર આપ્યો કે ‘‘આંબલો એટલે આંબાનું ઝાડ.’’
પછી બહેને પૂછ્યું કે ‘‘આંબલો તો દાદાએ વાવ્યો’તો. તે આવડું મોટું ઝાડ કેવી રીતે વવાય તમને ખબર છે ?’’ તો મૈત્રીબહેનના એક દોસ્તારે ઊભા થઈને કહ્યું કે ‘‘બહેન, ઝાડ ન વાવવાનું હોય. આંબા ઉપર કેરીઓ થાય. કેરીમાં ગોટલો હોય. એ ગોટલો વવાય. એટલે પછી એ ઊગે અને પછી તે મોટું ઝાડ થાય.’’

બહેને મૈત્રીબહેનના દોસ્તારને કહ્યું, ‘‘શાબાશ !’’
‘‘આંબલો તો દાદીએ સીંચ્યો’ તો-તો આ આંબલાને સીંચવો એટલે શું ?’’ મૈત્રીબહેન કહે, ‘‘પાણી પાવું, પાણી પાવું, સીંચવું એટલે પાણી પાવું.’’ બહેન કહે, શાબાશ !’’

‘‘પણ પછી ‘આંબલાને પપ્પાએ પાળ્યો’ તો એટલે શું ખબર છે ?’’ કોઈને ખબર ન હતી. તેથી બહેને જ સમજાવ્યું. કે ‘‘ઝાડને એકલું પાણી પાઈએ એ પૂરતું નથી. અને ખાવું પણ હોય છે. તેથી એમાં, એના કયારામાં ખાતર નાખવામાં આવે. તેથી ઝાડ જલદીથી વધે. સારી રીતે વધે, તંદુરસ્ત બને. અને તેમાં ઝાઝાં ફળ બેસે. હવે કહે છે કે ફઈબાએ રક્ષ્યો ‘તો’ એટલે શું ખબર છે ?’’

મૈત્રીની એક બહેનપણી કહે. ‘‘હ, જી, બહેન ! મને ખબર છે. રક્ષ્યો ‘તો એટલે એનું ધ્યાન રાખ્યું ’તું. બકરી, ગાય એવું કોઈ એને ખાવા આવે તો એને હાંકી કાઢીને આંબલાને બચાવ્યો‘તો. એ બચાવવાનું કામ ફઈબાએ કર્યું હતું.’’ બહેન કહે, ‘‘શાબાશ ! પણ બીજી કેવી કેવી રીતે ઝાડનું રક્ષણ થઈ શકે તે તમે જાણો છો ?’’

મૈત્રી કહે, ‘‘હાજી બહેન, ઈંટો ગોઠવી ગોઠવીને ઊંચું પાંજરું બનાવી તેનું રક્ષણ થઈ શકે.’’

તેની એક બહેનપણી બોલી કે જ લોખંડનાં ઉપર અને નીચેથી ખુલ્લાં હોય એવા પાંજરાં ઝાડ ઉપર મૂકી દેવાથી ગાય-બકરી તેને ન ખાઈ શકે.’’

બહેન કહે, ‘‘શાબાશ ! તમે લોકો છો બાકી બહુ હોશિયાર. પછી તો તે આંબા ઉપર ફૂલ બેઠાં એને મોર આવ્યો કહેવાય. પછી તે મોરની નાની નાની કેરીઓ થઈ. તેને મરવા કહેવાય. ખાખરી કહેવાય. નાની ખાખરી એટલે મરવો. તે તૂરો હોય. પણ મોટી ખાખરી ખાટી હોય . તમે કોઈએ ખાધી છે ? તેનું સરસ કચુંબર થાય, મોટી કાચી કેરીનું અથાણું થાય ,હજુ પાકી ન હોય, પણ મોટી થઈ ગઈ હોય એવી કેરીમાં જરાક ગળપણ આવી ગયું હોય તેને ‘સાખ’ કહેવાય. એવી સાખોથી આંબલો જૂમી ઊઠયો. ભાઈ, તેના ઉપર કોયલો આવી ઘર કરતાંય ઉંચા થઇ ગયેલા આંબલા પર બેસીને કોયલ બહેન ગીતો ગીતાં’તા . કોયલ કેવી રીતે ગાય તમને આવડે છે ?

‘‘કુઊ...કુઊ...કુઊ..’’ ‘‘શાબાશ.’’ તેને દાદાએ વાવ્યો‘તો એટલે બાળકોને તે દાદા જેવો લાગ્યો. એટલે કહે છે, કે આંબલો તો થાય આંબાને દાદો.’ દાદાને કોહાડી લઈને મરાય ? ન મરાય ને ? તો આ આંબાને પણ ન કપાય. ઝાડવાંઓ આપણને દાદાની જેમ ખાવા આપે છે. દાદા જેમ આપણને છત્રી ઓઢાડીને તડકાથી આપણું રક્ષણ કરે છે. તેથી કહ્યું છે કે એને કપાય નહીં, પણ એની કંકુ-ચોખાથી પૂજા કરાય. તેમ પણ તમારા આંગણામાં ઝાડ હોય એની પૂજા કરજો હોંકે. ઝાડમાં પણ ભગવાન છે. છોડમાં રણછોડ છે, એકલા આંબામાં જ નહીં હો, બધાં જ ઝાડમાં ભગવાન છે. તો ગાઓ :- ‘‘આંબલો તો થાય આપણો દાદો, ખમ્મા આંબલિયો.’’
‘‘આંબલાને કંકુચોખાએ પૂજો, ખમ્મા આંબલિયો.’’

ત્યાં તો ઘરે જવાનો બેલ પડ્યો. ટણણણણણ ટન. છોકરાઓ આ છેલ્લી બે કડીઓ ગાતાં ગાતાં ઘરે ગયાં.
અરે, પણ ખરું થયું. મૈત્રીબહેનના આંગણામાં બે કઠિયારા આવેલા હતા. હાથમાં કુહાડી હતી.આંગણામાં એક આંબો હતો. તેને કાપવા માટે કુહાડીનો ઘા કરવા ગયા ત્યાં મૈત્રીબહેને રાડ પાડી, ના કાપશો અમારાં બહેને ના પાડી છે.’
મૈત્રીબહેનના પપ્પા કહે, ‘‘પણ બેટા ! આપણે ત્યાં બે કેસર આંબા છે. આ આંબો કંઈ જાતવાન નથી. તેની કેરીઓ ખાટી થાય છે. તેથી કાપી નાખીએ.’’

મૈત્રીબહેન કહે, ‘‘ના, ન કપાય, ખાટી કેરી થતી હોય તો તેનું આથાણું કરાય. કચુંબર કરાય, પડોશીઓને થોડી કેરી આપી દેવાય, પણ આંબો કપાય નહીં. તે આપણને છાંયો આપે છે. તેની ઉપર પક્ષીઓ માળા મૂકે છે. પપ્પા, અમારાં બહેન આજે એક સરસ ગીત ગવડાવ્યું કે ‘‘આંબલો તો થાયે આપણૉ દાદો, ખમ્મા આંબલિયો ! આંબલાને કંકુચોખાએ પૂજો ! ખમ્મા આંબલિયો !’’

મૈત્રીબહેનના પપ્પા સારા માણસ હતા હો ! તેથી તેમણે મૈત્રીબહેનનું માન્યું. અને કઠિયારાઓને પાછા મોક્લી દીધા. ત્યાં તો મૈત્રીબહેનનાં મમ્મી ઘરની બહાર આવ્યાં અને શું લઈને આવ્યાં ખબર છે ? હાથમાં કંકાવટી લઈને આવ્યાં. પછી આંબલાના થડ ઉપરચાંદલો કરવા લાગ્યાં ત્યારે મૈત્રીબહેન પાછાં ગાવા માંડ્યાં અને આ વખતે તો તેમની સાથે તેમના પપ્પા પણ ગાવા માંડ્યા કે ‘‘આંબલાને કંકુચોખાએ પૂજો, ખમ્મા આંબલિયો !’’ ર્ડા. રક્ષાબહેન પ્ર.દવે