Thursday, May 27, 2010

મોટું કોણ ?


ચાર વર્ષનાં મિનિ બહેન આજે એમનાં બા-બાપુજી અને મમ્મી-પપ્પાની સાથે એમના નાના બાપુજીને ઘરે ગયાં‘તાં. કારણ કે તેમના નાના બાપુજીના દીકરા ગોપુભાઈનો જન્મદિવસ હતો તેથી હેપી બર્થ ડે ટુ યુ કરવા ગયાં’તાં. ઘરમાં કોઈ નહીં તેથી સેટી, હીંચકો, સોફો, ખુરશીઓ અંદર અંદર વાદાકોદ કરવા મંડ્યાં. વાત એમ છે કે મિનિબહેનનો જન્મદિવસ હમણાં જ થોડા દિવસ પહેલાં ગયો હતો. તેમાં તેમના નાના બાપુજીએ તેમને એક નાનકડી રંગીન ખુરશી ભેટ આપેલી. શું કહીને ભેટ આપી હશે ?
‘‘હેપી બથ ડે ટુ યુ’’-હં, બરોબર છે, એમ કરીને ભેટ આપી‘તી. ભેટમાં શું આપ્યું’તું ? ‘‘ખુરશી’’
તે નાનકડી ખુરશી બોલવા માંડી:-

‘‘હું બધાથી મોટી, સૌની વાતો ખોટી.
હું બધાંનો રાજા, વગડાવો રે વાજાં
પોમ-પોમ-પોમ તાગડ ધીન ધીન ધીન.’’

ત્યાં તો હીંચકો બોલ્યો ‘‘હવે આમ તો સાવ નાની અમથી છો ને બધાથી મોટી કયાંથી કહેવાય ? સૌથી મોટો તો હું છું. કારણ કે મારા ઉપર બાપુજી બેસે છે. બાપુજી ઘરમાં સૌથી મોટા છે. જોતા નથી ? એટલે તો ફોન ઉપર બધાને પૂછ્યા કરે છે. બધાની જોડે ચર્ચા કરવાનું, ઝગડવાનું કામ બાપુજી કરે છે. અને તે બાપુજી મારી ઉપર બેસે છે. તેથી જ હું બધાથી મોટો છું’’

‘‘હું બધાથી મોટો, સૌ કોઈ મુજથી છોટા
હું બધાનો રાજા વગડાવોરે વાજાં’’
પોમ-પોમ-પોમ તાગડ ધીન ધીન ધીન

ત્યાં તો સેટી બોલી, ‘‘મૂંગાં રહો બધાં, હું જ બધાંથી મોટી છું. બાપુજી બધાં સાથે ઝગડે છે, બધાંને વઢે છે તે સાચું, પણ એમને એમ કરવાનું બા કહે છે. બા કેવા રુઆબથી મારી ઊપર લાંબા પગ કરીને બેસે છે ! બધાંએ એમનું માનવું પડે. ન માને તો બા ખિજાય. બા જેમની જોડે બોલવાનું કહે એમની જ જોડે સૌથી બોલાય. બા જેમની જોડે બોલવાની ના પાડે તેની જોડે કોઈથીય ન બોલાય. જો બાનું માનો નહીં તો બાને બી.પી. થઈ જાય. તેથી સૌ એમનું કેવું ધ્યાન રાખે છે ! બા સૌથી મોટાં અને સૌથી જાડાં છે. તે આખો દિવસ મારી ઊપર બેસે છે તેથી હું જ બધાંથી મોટી છું.’’

‘‘હું બધાંથી મોટી, સૌની વાતો ખોટી.
હું બધાંનો રાજા, વગડાવોરે વાજાં
પોમ-પોમ-પોમ તાગડ ધીન-ધીન-ધીન.
પોમ-પોમ-પોમ તાગડ ધીન ધીન ધીન.’’

ત્યાં સોફો બોલ્યો, ‘‘મૂંગાં રહો. હું બધાંથી મોટા છું કારણ કે મારી ઊપર મિનિબહેનના પપ્પા બેસે છે, તે ઓફિસમાં પૈસા કમાવા જાય છે. તેમની પાસે એક સરસ મજાનું લેપટૉપ છે. તે પૈસા ન લાવે તો શું થાય ? તેથી હું જ બધાંથી મોટો છું.’’

‘‘હું બધાંથી મોટો, સહુ કોઈ મુજથી છોટો.
હું બધાંનો રાજા, વગડાવો રે વાજા.
પોમ-પોમ-પોમ તાગડ ધીન-ધીન-ધીન.
પોમ-પોમ-પોમ તાગડ ધીન-ધીન-ધીન.’’

ત્યાં સોફાની પડખેની ખુરશી બોલી, ‘‘બધાં મૂગાં રહો. હું જ બધાંથી મોટી છું કારણ કે મારી ઉપર મિનિની મમ્મી બેસે છે. તે બિચારી આખો વખત કામ કર્યા કરે છે. કપડાં ધુએ, મિનિનું ધ્યાન રાખે, ઘરમાં બાની સેવા કરે અને સવાર સાંજની બધાંની રસોઈ કરે. શાક સમારવા પૂરતી જ તે મારી ઉપર બેસે છે.? પણ મિનિની મમ્મી ન હોય તો આખું ઘર ભૂખ્યું મરે. તેથી સૌથી મોટી હું છું. કારણ કે મારી ઉપર આખું ઘર સંભાળનાર બેસે છે.’’

‘‘હું બધાંથી મોટી, સૌની વાતો ખોટી.
હું બધાંનો રાજા, વગડાવો રે વાજાં
પોમ-પોમ-પોમ, તાગડ ધીન-ધીન-ધીન.
પોમ-પોમ-પોમ, તાગડ ધીન-ધીન-ધીન.

અને ધોંઘાટ વધી ગયો.હું બધાંથી મોટી ને હું બધાંથી મોટો જ આ ગોકીરો સાંભળીને પડોશીના કઠેડામાં ઊગેલી વેલ પણ ટીંગાઈને જોવા લાગી કે મિનિ બહેનના ઘરમાં આ શેનો ક્ક્ળાટ છે ?
પછી તો ટેબલ બોલ્યું, ‘‘શી-શી મૂંગાં થઈ જાઓ. બાજો નહીં. ટી.વી. બહુ બુદ્ધિશાળી છે. તેને પૂછો, તે જેને મોટું કરાવે તે જ સાચેસાચ મોટું કહેવાય.’’

બધાંએ ટી.વી. ને પૂછ્યું કે અમારાંમાંથી મોટું કોણ કહેવાય ? ટી,વી. એ પોતાની આંખો પટપટાવી. પછી બધાંની સામે પોતાના રંગીન ડોળા ફેરવ્યા અને પછી બોલ્યું કે ‘‘આ સૌથી નાની ખુરશી છે ને, તે સૌથી મોટી કહેવાય કારણકે એમાં મિનિબહેન બેસે છે. મિનિબહેન બાળા રાજા છે. જેની ઉપર બાળારાજા બેસે તે સૌથી મોટું કહેવાય.’’
અને એ સાંભળીને નાનક્ડી ખુરશી આનંદથી ઊછળી પડી અને પોતાના હાથા ઉલાવીને બોલી કે..
‘‘હીપ હીપ હુર્રરે ! હીપ હીપ હુર્રરે !
હીપ હીપ હુર્રરે ! હીપ હીપ હુર્રરે !’’
ર્ડા. રક્ષાબહેન પ્ર.દવે