Thursday, May 27, 2010
છાપું-વાંચન
બે વરસનાં મૈત્રીબહેન પગ ઉપર પગ ચડાવીને ઠસ્સાથી છાપું વાંચે. એના દાદા છાપું વાંચે તે જોઈ જોઈને મૈત્રીબહેન છાપું વાંચે. દાદા હોઠ ફ્ફડાવીને છાપું વાંચે તો મૈત્રીબહેન પણ હોઠ ફ્ફડાવીને છાપું વાંચે. દાદા હોઠ ફ્ફડાવ્યા વિના છાપું વાંચે તો મૈત્રીબહેન પણ હોઠ ફ્ફડાવ્યા વિના છાપું વાંચે. નાનકડા બે હાથ પોહોળા કરીને મોટું છાપું અદાથી પકડે અને વાંચે. ‘‘વાહ ! મૈત્રીબહેન ! વાહ !’’ એમ આખું ઘર એમનાં વખાણ કરે.
એકવાર મૈત્રીબહેનના પપ્પાનાં ફઈબા મહેમાન થઈને આવ્યાં. તેમણે છાપું મોટેથી વાંચવું શરૂ કર્યું, ‘‘મૈત્રીબહેન નાનાં નાનાં છે. મૈત્રીબહેન ડાહ્યાં છે. મૈત્રીબહેન પેન્ટ અને ટીશર્ટ પહેરે છે. મૈત્રીબહેન અમદાવાદમાં રહે છે.’’
મૈત્રીબહેન ધ્યાનથી સાંભળતાં હતાં અને આંખો ફાડીને જોતાં હતાં. અને થોડી વાર પછી મૈત્રીબહેને પણ છાપું મોટેથી વાંચવું શરૂ કર્યું. કે ‘‘મોટાં ફઈબા મોટાં મોટાં છે. મોટાં ફઈબા ડાહ્યાં છે. મોટાં ફઈબા સાડલો પહેરે છે. મોટાં ફઈબા ભાવનગરમાં રહે છે.’’
અને સાંભળીને બધાં ખડખડાટ હસીપડ્યાં. મૈત્રીબહેન તો શરમાઈ ગયાં. અને ઊભાં થઈને દોડીને ખૂણામાં ભરાઈ ગયાં. પણ મોટાં ફઈબાએ એમને ત્યાં જઈને તેડી લીધાં અને વાંસો થાબડીને ખૂબ શાબાશી દીધી.
ર્ડા. રક્ષાબહેન પ્ર. દવે